ગ્વાલિયર : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 34´થી 26° 21´ ઉ. અ. અને 77° 40´થી 78° 54´ પૂ. રે. વચ્ચેનો 5,214 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બે ભાગમાં વહેંચાયેલો છે, જેમાં મોટો ભાગ પશ્ચિમ તરફ અને ભાંડર તાલુકાથી બનેલો નાનો ભાગ દાતિયા જિલ્લાથી અલગ પડે છે અને તે પૂર્વ તરફ આવેલો છે. મોટા વિભાગની ઉત્તર તરફ મોરેના અને ભિંડ જિલ્લા, પૂર્વ તરફ દાતિયા જિલ્લો, દક્ષિણ તરફ શિવપુરી અને પશ્ચિમ તરફ મોરેના જિલ્લો આવેલા છે. ભાંડર તાલુકાની ઉત્તરે ભિંડ જિલ્લો, પૂર્વ તરફ ઝાંસી જિલ્લો, દક્ષિણ તરફ દાતિયા જિલ્લો આવેલા છે. જિલ્લામથક ગ્વાલિયર જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે.

ગ્વાલિયર જિલ્લો

ભૂપૃષ્ઠ : આ જિલ્લો નૈર્ઋત્યમાં આવેલા માળવાના ઉચ્ચપ્રદેશ તથા ઉત્તર અને પૂર્વમાં આવેલા ગંગાના મેદાનના જંક્શન પર વિસ્તરેલો છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ ગ્વાલિયર શહેર નજીક વિવૃત થયેલા વિંધ્ય રેતીખડકને બાદ કરતાં કાંપના સમતળ મેદાની પ્રદેશથી બનેલું છે. જિલ્લાનો પશ્ચિમ ભાગ ઊંચાઈની ર્દષ્ટિએ જોતાં, માળવાના ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠ સાથે પૂરો થાય છે. અહીંના સિરકોલી જંગલ ખાતે આશરે 450 મીટરની ઊંચાઈ ધરાવતું સર્વોચ્ચ સ્થળ આવેલું છે. જિલ્લાના ભૂપૃષ્ઠને ચાર કુદરતી વિભાગોમાં વહેંચી શકાય છે : (i) પશ્ચિમનો ઉચ્ચપ્રદેશીય વિભાગ, (ii) મધ્યનો ટેકરાળ પ્રદેશ, (iii) અગ્નિકોણી મેદાન અને (iv) ઈશાનકોણી મેદાન.

જળપરિવાહ : જિલ્લાની મુખ્ય નદીઓમાં સિંદ (સૌથી મોટી), સંક, સોનરેખા, મોરાર, વૈશાલી, નૂન, ચાકોન્ડ, આસન અને પાહુજનો સમાવેશ થાય છે. જિલ્લામાં ડાકેટા અને હારસી ખાતે બંધ આવેલા છે.

ખેતીપશુપાલન : ઘઉં, ડાંગર અને જુવાર અહીંના મુખ્ય કૃષિપાકો છે. બંધની નહેરો અને કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે.

ઉદ્યોગોવેપાર : જિલ્લામાં જિયાજીરાવ કૉટન મિલ, ગ્વાલિયર રૅયૉન ઍન્ડ સિલ્ક મૅન્યુફેક્ચરિંગ ફૅક્ટરી અને મોતીલાલ ટૅક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય ઉદ્યોગો છે. આ ઉપરાંત અન્ય નાના પાયાના એકમો પણ કાર્યરત છે.

જિલ્લાના ગ્વાલિયર, મોરાર, દાબરા અને લસકાર ખાતે થોડાં માર્કેટ આવેલાં છે. જિલ્લામાંથી ગાયો, ચામડાં અને તેમાંથી બનાવેલો સામાન, ખાંડ, કાપડ, હળવી યંત્રસામગ્રી, કઠોળ, ટાઇલ્સ, વન્યપેદાશોની નિકાસ તથા અનાજ, તેલ, ઔષધિઓ, લાકડાં, ઇંધન, સ્નેહકો તેમજ યંત્રસામગ્રી માટેની ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે.

પરિવહન : ગ્વાલિયર મધ્ય રેલવિભાગના દિલ્હી–મુંબઈ અને દિલ્હી–ચેન્નાઈ રેલમાર્ગો પર આવેલું છે. અહીંની બસસેવા આગ્રા, મથુરા, જયપુર, દિલ્હી, લખનૌ, ભોપાલ, ચંદેરી, ઇંદોર, ઝાંસી, ખજૂરાહો, રેવા, ઉજ્જૈન અને શિવપુરીને સાંકળે છે. ગ્વાલિયર ખાતેનું હવાઈ મથક દિલ્હી, ભોપાલ, ઇંદોર, મુંબઈ અને જબલપુર સાથે ઇન્ડિયન ઍર લાઇન્સની સેવાથી જોડાયેલું છે.

પ્રવાસન : રાજા માનસિંહ તોમરે બંધાવેલો ગ્વાલિયરનો કિલ્લો વિશાળ છે અને ભારતભરમાં જાણીતો છે. અહીંના અન્ય જોવાલાયક સ્થળોમાં રાજારાણીની છત્રીઓ, માનસિંહ મહેલ, જલવિહાર મહેલ, ગુજરી મહેલ, ઝાંસીની રાણીનું સ્મારક, સાસુ-વહુનું મંદિર, તેલીનું મંદિર, સૂરજકુંડ, તાનસેન અને ગાઉસ મહમ્મદની મુઘલ સ્થાપત્ય રજૂ કરતી કબરો તથા તિગ્રા બંધનો સમાવેશ થાય છે. જિલ્લાના જુદા જુદા ઘણા ભાગોમાં મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

સાસુ-વહુનું મંદિર

વસ્તી-લોકો : 2001 મુજબ, આ જિલ્લાની વસ્તી 16,29,881 જેટલી છે, તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 40 % અને 60 % જેટલું છે. જિલ્લામાં હિન્દી, મરાઠી, પંજાબી, સિંધી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં આશરે 75 % હિન્દુઓ છે અને બાકીના 25 %માં ઊતરતા ક્રમે મુસ્લિમ, શીખ, જૈન, ખ્રિસ્તી અને બૌદ્ધ લોકોનો સમાવેશ થાય છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 60 % જેટલું છે. અહીંનાં 80 % ગામડાંઓમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. ગ્વાલિયર ખાતે ઘણી કૉલેજો આવેલી છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને 4 તાલુકાઓમાં અને 5 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 776 (70 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. જિલ્લામાં નગરો ઉપરાંત માત્ર 75 ગામડાંઓમાં દવાખાનાની સુવિધા ઉપલબ્ધ છે.

ઇતિહાસ : આ જિલ્લાનું નામ પથ્થરોના ઐતિહાસિક કિલ્લા પરથી લેવામાં આવ્યું છે. સૂરજસેન નામના કછવાહા ક્ષત્રિય કુળના રાજાએ તે કિલ્લો બંધાવ્યો હોવાનું માનવામાં આવે છે. ગ્વાલિય નામનો એક સંન્યાસી ટેકરીની નીચે રહેતો હતો. એક વાર ત્યાં જઈને સૂરજસેને પાણી માંગ્યું. તે સંન્યાસીએ આપેલું પાણી રાજા પી ગયો અને તેનાથી તેનો રક્તપિત્તનો રોગ મટી ગયો. સૂરજસેનને તે ટેકરી ઉપર એક કિલ્લો બાંધવાનું તથા તેને જે તળાવમાંથી પાણી આપવામાં આવ્યું હતું, તે તળાવને મોટું કરાવવા કહેવામાં આવ્યું. સૂરજસેને ટેકરી ઉપર કિલ્લો બંધાવ્યો અને સંન્યાસીના નામ પરથી ગ્વાલિઆવર નામ આપ્યું. તેણે તળાવને વિશાળ કરાવ્યું અને પોતાનું નામ જોડીને સૂરજકુંડ નામ આપ્યું. આધુનિક ગ્વાલિયર નગરની સ્થાપના દોલતરાવે કરી હતી. ઈ. સ. 1853થી, દીવાન સર દિનકર રાવના કાર્યક્ષમ વહીવટીતંત્રનો લાભ તે રાજ્યને મળ્યો. તેના સમયમાં 1857નો વિપ્લવ થયો. બળવાખોરો સાથે જોડાવા માટે દબાણ આવવા છતાં, સિંધિયા (શિંદે) અંગ્રેજોને વફાદાર રહ્યા હતા. ગ્વાલિયરનો કિલ્લો અંગ્રેજોને હસ્તક ગયો અને 1885માં ઝાંસીની બદલીમાં સિંધિયાને સોંપવામાં આવ્યો. ઈ. સ. 1886માં જિયાજી રાવ મરણ પામ્યા અને માધવરાવ ગાદીએ બેઠા. તેમણે 28 મે, 1948 સુધી રાજ્ય કર્યું અને પછી મધ્ય ભારતના રાજપ્રમુખ બન્યા. 1 લી નવેમ્બર, 1956માં મધ્યપ્રદેશનું રાજ્ય રચવામાં આવ્યું અને ગ્વાલિયર જિલ્લો બન્યો.

બીજલ પરમાર

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ