ગ્વાલિયર ઘરાનું : તાનની સ્પષ્ટતા તથા બુલંદી માટે ખાસ જાણીતી બનેલી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિશિષ્ટ શૈલી ધરાવતી શાખા. દિલ્હી ઘરાના તથા લખનૌ ઘરાનાની જેમ ગ્વાલિયર ઘરાનાની શૈલી પણ વિશિષ્ટ ગુરુપરંપરામાંથી સર્જાયેલી સંગીન અને પ્રાચીન સંગીતશૈલી છે. હકીકતમાં ગ્વાલિયર ઘરાનાથી પણ પ્રાચીન એવા લખનૌ ઘરાનાનું તે એક અગત્યનું સ્વરૂપ ગણાય છે. આ ઘરાનાનો પ્રારંભ લખનૌ ઘરાનાના સંસ્થાપક ગુલામ રસૂલના પ્રપૌત્ર નત્થન પીરબક્ષ દ્વારા અઢારમી સદીમાં કરવામાં આવ્યો છે. નત્થન પીરબક્ષને લખનૌમાં અનુકૂળ વાતાવરણ ન મળવાથી તે ગ્વાલિયર દરબારના આશ્રિત બન્યા અને ત્યાં તેમણે જે ગુરુ-શિષ્યપરંપરાનો પ્રારંભ કર્યો તેમાંથી ગ્વાલિયર ઘરાનાનો ઉદગમ થયો છે.

ગ્વાલિયર ઘરાનાની ખ્યાલગાયકીમાં આરંભનો સ્વર આકારમાં પહોળો અને વિસ્તારમાં બુલંદ હોય છે. ગાયકના અવાજને ત્રણે સપ્તકો માટે તૈયાર કરવાની ખાસ તાલીમ આ ઘરાનામાં આપવામાં આવે છે. ગાયનની શરૂઆતમાં રાગદર્શક આલાપ રજૂ કરવામાં આવે છે અને ત્યારપછી જ અસ્થાયી અથવા સ્થાયી વિલંબિત લયમાં તે રજૂ થાય છે. સ્થાયી અને અંતરા સ્પષ્ટ રીતે રજૂ થયા પછી જ ખ્યાલના મુખડાનો અને ત્યારબાદ આલાપકારીનો પ્રારંભ થાય છે. આ ઘરાનાના ગાયકો શરૂમાં મધ્ય લયનો તથા ત્યારબાદ દ્રુત લયનો ખ્યાલ ગાતા હોય છે. એમની ગાયકીમાં સ્વર તથા લયને એકસરખું મહત્વ અપાય છે. ગીતોની બંદિશ તેમજ તાનોની ફિરત ખૂબસૂરત હોય છે. ગાયકો મોટે ભાગે સાદા રાગો જ ગાતા હોય છે. તરાણા તથા ટપ્પાની શૈલીમાં આ ઘરાનું ખૂબ જ સમૃદ્ધ છે.

કૃષ્ણરાવ પંડિત

ગ્વાલિયર દરબારના વિખ્યાત ખ્યાલ ગાયકો હદુખાં તથા હસ્સુંખાં(જેઓ નત્થન પીરબક્ષના પૌત્ર હતા)એ ગ્વાલિયર ઘરાનાની ગાયકીના પ્રસાર અને પ્રચારમાં વિશેષ પ્રદાન આપ્યું છે. ઉપરાંત, રહેમતખાં, નિસાર હુસેનખાં, મેહદી હુસેનખાં, નજીરખાં, બાબા દીક્ષિત, રામભાઉ વઝે, વાસુદેવરાવ જોશી, બાળાસાહેબ ગુરુજી, બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકર, વિષ્ણુ દિગંબર પલુસ્કર, શંકરરાવ પંડિત, રાજાભૈયા પૂંછવાલે, કૃષ્ણરાવ પંડિત, દેવજી પરાંજપે, ભાસ્કરરાવ બખલે તથા ફૈઝ મહંમદખાં જેવા સમર્થ ગાયકો આ ઘરાનાના પ્રતિનિધિ ગણાય છે. તેમના પ્રયત્નોને લીધે જ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં અન્ય ઘરાના કરતાં ગ્વાલિયર ઘરાનાનો પ્રસાર અને પ્રચાર વધારે થયો છે.

ગ્વાલિયરનું માધવ સંગીત વિદ્યાલય, શંકર ગાંધર્વ વિદ્યાલય, ચતુર સંગીત વિદ્યાલય તથા પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર દ્વારા સંસ્થાપિત ગાંધર્વ મહાવિદ્યાલય આજે પણ દેશના જુદા જુદા વિસ્તારોમાં ગ્વાલિયર ઘરાનાની વિશિષ્ટ ગાયકીની તાલીમ આપી રહ્યાં છે.

બટુક દીવાનજી