ગ્વાલિયરનો કિલ્લો : મધ્યપ્રદેશનું જાણીતું દુર્ગસ્થાપત્ય. વર્તમાન ગ્વાલિયર શહેર બહાર આવેલા 91.4 મીટર (300 ફૂટ) ઊંચા ડુંગર પર આ કિલ્લો આવેલો છે. અનુશ્રુતિ પ્રમાણે આ કિલ્લાની પ્રાચીનતા ઈ. સ.ની 8મી સદી સુધી જાય છે. સૂરજસેન નામના એક સરદારને કુષ્ઠરોગ થયો હતો. ગ્વાલિય નામના એક સાધુએ તેને ત્યાં આવેલા એક તળાવનું પાણી પીવાનું સૂચવ્યું. પાણી પીધા પછી તેનો રક્તપિત્તનો રોગ મટી ગયો. એ ડુંગર પર સૂરજસેને કિલ્લો બંધાવ્યો. સાધુ ગ્વાલિયની સ્મૃતિમાં આ કિલ્લાનું નામ ‘ગ્વાલિયર’ રાખ્યું. સાહિત્ય અને શિલાલેખોમાં ‘ગોપગિરિ’, ‘ગોપાદ્રી’, ‘ગોપાચલ’ વગેરે નામે પણ તેને ઓળખાવ્યો છે. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં અહીં ગુપ્તોનું રાજ હતું. તોમર રાજપૂત વંશની સત્તા અહીં અસરકારક હતી. તેમાંયે રાજા માનસિંહ(1487–1516)નો રાજ્યકાલ શ્રેષ્ઠ ગણાય છે. મુઘલકાલ
દરમિયાન આ કિલ્લાનો ઉપયોગ કેદખાના તરીકે થતો હતો. મરાઠાકાલ દરમિયાન ઈ. સ. 1810માં તે મરાઠી સત્તાની રાજધાની બન્યો. આ કિલ્લો તેની મજબૂતાઈને લીધે ઘણો પ્રસિદ્ધ છે. કિલ્લા પર ચઢવાના બે માર્ગ છે – પૂર્વનો અને પશ્ચિમનો. પૂર્વના માર્ગમાં સાત દરવાજા છે. તેમાં હત્તી દરવાજો મુખ્ય છે. પશ્ચિમ માર્ગે બે દરવાજા છે. મુખ્ય માર્ગના પ્રારંભમાં બંને બાજુ પર્વતમાં કંડારેલ તીર્થંકરોની પ્રતિમાઓ છે. કિલ્લાનો પ્રાકાર (કોટ) બે માઈલની લંબાઈમાં છે અને તેની ઊંચાઈ 10.67 મી. (35 ફૂટ) છે. કિલ્લાની અંદર મધ્યકાલનું કેટલુંક ભવ્ય સ્થાપત્ય આવેલું છે. 15મી સદીમાં બંધાયેલ ગુજરી મહેલ રાજા માનસિંહ તોમર અને ગુજર જાતિની તેની રાણી મૃગનયની વચ્ચેના પ્રેમની સ્મૃતિ રૂપે છે. રાજા માનસિંહે 1486–1517 દરમિયાન માન-મંદિર નામનો મહેલ બંધાવ્યો હતો. આ મહેલની બાહ્ય દીવાલો પાણીમાં તરતાં બતકોનાં આલેખન ધરાવતી રંગીન તકતીઓ વડે સુશોભિત હતી. પથ્થરની જાળીઓથી સુશોભિત વિશાળ ખંડોનો ઉપયોગ સંગીતશાળા તરીકે થતો. ત્યાં જાળીની પાછળ બેસીને રાજકુટુંબની સ્ત્રીઓ સંગીતાચાર્યો પાસેથી સંગીતની તાલીમ લેતી. ત્યાં નીચે આવેલી વૃત્તાકાર ઇમારતો મુઘલકાલમાં જેલ તરીકે વપરાતી. ઔરંગઝેબે તેના ભાઈ મુરાદને અહીં કેદ કર્યો હતો અને પછીથી તેની કતલ અહીં જ કરાવી હતી. જૌહર તળાવ પાસે રાજપૂત સ્ત્રીઓએ તેમના પતિઓની યુદ્ધમાં હારની ક્ષણોમાં જૌહર કર્યું હતું. કિલ્લામાં અનેક મંદિરો આવેલાં છે. ગ્વાલિયા મંદિર, ચતુર્ભુજ મંદિર, સાસુ-વહુનાં મંદિરો, જૈન મંદિર, તેલીકા મંદિર વગેરે. ગ્વાલિયા મંદિર ગ્વાલિય સાધુનું સ્મારક છે. ચતુર્ભુજ મંદિર ઈ. સ.ની નવમી સદીનું છે. તેમાં ચતુર્ભુજ વિષ્ણુની પ્રતિમા બિરાજમાન છે. સાસુ-વહુનાં મંદિરો શિલ્પસ્થાપત્યની ર્દષ્ટિએ અપ્રતિમ છે. તેમાંના એક શિલાલેખ પ્રમાણે રાજા મહિપાલે ઈ. સ. 1093માં આ મંદિરો બંધાવ્યાં હતાં. તેના પ્રવેશદ્વાર પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ કંડારેલી છે. તેનું સ્થાપત્ય રાજપૂત-શૈલીનું છે. ગંગોલા તળાવની પશ્ચિમે તેલીકા મંદિર આવેલું છે. તેનું મૂળ નામ તેલંગણ મંદિર છે. નવમી સદીમાં બંધાયેલું આ મંદિર વિષ્ણુનું છે. 34.48 મી. (100 ફૂટ) ઊંચું તેનું શિખર નળાકાર ઘાટનું છે, તેથી તે દ્રાવિડ શિખરશૈલીને મળતું આવે છે. તેનું નકશીકામ અને કારીગરી ઇન્ડો-આર્યન લક્ષણો ધરાવે છે અને તે સાસુ-વહુનાં મંદિરો કરતાં ચઢિયાતાં છે. સૂર્યકુંડની પશ્ચિમે એક શિવમંદિર અને એક સૂર્યમંદિર આવેલાં છે. આ બંને મંદિરો આધુનિક કાલમાં બંધાયેલાં છે. શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદસાહેબની સ્મૃતિમાં બંધાયેલું ગુરુદ્વાર પણ જોવાલાયક છે. આધુનિક કાલમાં બંધાયેલ અહીંની સિંધિયા સ્કૂલ શિક્ષણજગતમાં ઘણી પ્રસિદ્ધ છે.
થૉમસ પરમાર