ગ્વિન, ઓકિમા (જ. 1920, હાગકાગ) : નેપાળી ભાષાના નવલકથાકાર, નાટ્યકાર તથા અનુવાદક. તેમની નવલકથા ‘સુનખરી’ને 1980ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ સૅન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા હતા. તેમણે રૉયલ બ્રિટિશ નૅવીમાં ઇજનેર તથા રડાર-પ્રશિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. 1946માં તેઓ દાર્જિલિંગમાં સ્થાયી થયા અને નેપાળીમાં લેખનકાર્ય આરંભ્યું. તેમણે 15 પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમણે હિંદી કાવ્યરચના ‘કામાયની’નો નેપાળીમાં અનુવાદ કર્યો. આ ઉપરાંત નેપાળી, હિંદી અને અંગ્રેજીમાં પણ તેમનું કેટલુંક સાહિત્ય અપ્રકાશિત છે.

સૂક્ષ્મ તત્વદર્શી વિષયવસ્તુ, પ્રતીકાત્મક પાત્રચિત્રણ, કાવ્યોચિત શૈલી તથા ભાવવાહી ભાષા જેવી વિશેષતાઓને કારણે તેમની આ પુરસ્કૃત કૃતિ નેપાળી સાહિત્યમાં ગણનાપાત્ર લેખાઈ છે.

મહેશ ચોકસી