ગ્વામ : પૅસિફિક મહાસાગરમાં પશ્ચિમે આવેલા મારિયાના ટાપુઓના જૂથનો સૌથી મોટો અને દક્ષિણ છેડાનો ટાપુ. હવાઈ ટાપુઓથી પશ્ચિમમાં આશરે 5920 કિમી. તેમજ મનીલા(ફિલિપાઇન્સ)થી પૂર્વમાં આશરે 2400 કિમી.ના અંતરે તે આવેલો છે. ભૌગોલિક સ્થાન 13° ઉ. અક્ષાંશ તથા 144° પૂ. રેખાંશ પર આવેલું છે. ઉત્તર-દક્ષિણ લાંબા આકારના આ ટાપુનું ક્ષેત્રફળ આશરે 541 ચોકિમી. છે.

1922થી 1935 સુધી આ ટાપુ જાપાનના તાબામાં હતો. તેણે અહીં લશ્કરી થાણાની સ્થાપના કરી હતી. સ્પૅનિશ-અમેરિકન વિગ્રહની શરૂઆતમાં આ ટાપુ પર યુ.એસે. કબજો મેળવ્યો, પણ તે પછી 1941માં તે ફરીથી જાપાનના તાબામાં આવ્યો.  1944માં યુ.એસ.ના  સૈન્યે તેને ફરી જીતી લીધો. 1950થી તેને સ્વાયત્ત સત્તા આપવામાં આવી છે. અહીં વસતા લોકો યુ.એસ.ના નાગરિકો ગણાય છે.

ટાપુના ઉત્તર અને મધ્યના મોટા ભાગના પ્રદેશોમાં મેદાનો પથરાયેલાં છે જ્યારે દક્ષિણે ડુંગરાળ પ્રદેશો આવેલા છે. તેના માઉન્ટ લામલામ નામક શિખરની ઊંચાઈ આશરે 407 મી.ની. છે. આ ટાપુ પર ઉષ્ણકટિબંધીય દરિયાઈ આબોહવા પ્રવર્તે છે. મે તથા જૂન, એ વર્ષના સૌથી વધુ ગરમ મહિના છે અને અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 27° સે. જેટલું રહે છે. બારે માસ વાતા ઈશાનકોણીય વ્યાપારી પવનોથી આ ટાપુ પર ભેજવાળું વાતાવરણ રહે છે અને વર્ષનો મોટા ભાગનો વરસાદ જુલાઈથી ડિસેમ્બર વચ્ચે પડી જાય છે. અહીંનો વાર્ષિક સરેરાશ વરસાદ 2125 મિમી. જેટલો છે. કોઈક વાર આ ટાપુ પર ટાઇફૂન ચક્રવાત પણ ત્રાટકે છે.

ગ્વામ ટાપુ

ભૂપૃષ્ઠ અનુસાર આ ટાપુમાં ડાંગર, કૉફી, કોકો, નારિયેળી, તમાકુ, અનેનાસ અને ગળી જેવા પાકો થાય છે. આ ટાપુનું અર્થતંત્ર સરકારી પ્રવૃત્તિઓ પર અવલંબિત છે. અહીં સરકારી કચેરી, બૅંકો અને નાણાકીય નિગમો વગેરેની સ્થાપના કરવામાં આવી છે. ટાપુ પરની કુલ વસ્તીના 30%થી વધુ લોકો સરકારની જાહેર સેવાઓમાં રોકાયેલા છે અને તેનો આશરે 35% જમીનવિસ્તાર લશ્કરી છાવણીએ રોકેલો છે. અહીં ખનીજતેલની રિફાઇનરી ઉપરાંત ટુના માછલીના પ્રોસેસિંગનો અદ્યતન પ્લાન્ટ છે. અન્ય ઉદ્યોગોમાં ડેરીપેદાશો, કપડાં, છાપકામ, ફર્નિચર, ઘડિયાળો તેમજ સ્થાનિક બજારો માટેની વિશાળ શ્રેણીની પેદાશોનું ઉત્પાદન કરવાનો સમાવેશ થાય છે. અહીંથી મુખ્યત્વે યુ.એસ.માં કોપરાં, પામતેલ, પ્રક્રમિત ટુના માછલી વગેરેની નિકાસ કરવામાં આવે છે. તેની સામે આ ટાપુ પોતાની જરૂરિયાતના 75% જેટલી ચીજવસ્તુઓ યુ.એસ.માંથી આયાતો દ્વારા પૂરી કરે છે. અહીંનું સૃષ્ટિસૌંદર્ય પ્રવાસીઓને નિતાન્ત આકર્ષણ પૂરું પાડે છે. છેલ્લા બે દાયકાથી પ્રવાસના ઉદ્યોગક્ષેત્રે તેનો ઘણો વિકાસ સધાયો છે.

યુનો દ્વારા દર્શાવેલ આ ટાપુની કુલ વસ્તી 1,72,020(2022 મુજબ) છે. જેમાં આશરે 20,000 જેટલા વિવિધ દરજ્જાના લશ્કરમાં કામ કરતા લોકો તથા તેમના આશ્રિતોનો સમાવેશ થાય છે. તેની મોટા ભાગની વસ્તી તેના ઉત્તર તથા મધ્ય ભાગમાં કેન્દ્રિત થયેલી છે. આ ટાપુની વસ્તીમાં 42% લોકો ચામોરોસ, 24% લોકો ગોરા, 21% ફિલિપિનો તેમજ બાકીના જાપાની, ચીની, કોરિયન અને માઇક્રોનેશિયન છે. ચામોરો અને અંગ્રેજી એ અહીંની સત્તાવાર ભાષાઓ છે. અહીંના મોટા ભાગના લોકો કૅથલિક ખ્રિસ્તી ધર્મ પાળે છે. આ ટાપુનું પાટનગર આગન્ના અને મુખ્ય બંદર આપ્રા છે. આ ટાપુ પર યુ.એસ.નું અગત્યનું લશ્કરી મથક આવેલું છે. આ ટાપુ માલવાહક સ્ટીમરોના 13 જેટલા દરિયાઈ જળમાર્ગો સાથે તેમજ તેના નવા બંધાયેલા હવાઈમથક દ્વારા ટાપુ-ટાપુ વચ્ચે સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોથી સંકળાયેલો છે.

અહીં ગવર્નરની નિયુક્તિ ચાર વર્ષની અવધિ સુધી થાય છે અને ચૂંટાઈ આવેલા સભ્યોની સંસદ પણ રચાય છે.

બીજલ પરમાર