ગ્વાનો : સેન્દ્રિય ઉત્પત્તિજન્ય ફૉસ્ફેટનિક્ષેપ. સામાન્ય રીતે ટાપુઓ પર ટોળામાં વસવાટ કરતાં અને માછલીઓ પર નભતાં પક્ષીઓ, ચામાચીડિયાં તેમજ અન્ય પ્રાણીઓની હગારથી બનેલા નિક્ષેપજથ્થા માટે ‘ગ્વાનો’ શબ્દ પ્રયોજાય છે. આ પ્રકારનાં સંકેન્દ્રણો દરિયાઈ ટાપુઓ પર તેમજ દરિયાકિનારાના કેટલાક ભાગો પર મળતાં હોય છે. આ ઉપરાંત ચૂનાખડકોમાં તૈયાર થયેલી ગુફાઓમાં પણ તે મળે છે. હગારની મંદઍસિડ પ્રકૃતિને કારણે ચૂનાખડકોની સપાટી પણ ફૉસ્ફેટયુક્ત બની રહે છે.

ગ્વાનો ઝડપથી ઓગળી શકે એવું દ્રવ્ય છે, તેથી વર્ષાવિહીન કે તદ્દન ઓછી વર્ષાવાળા ટાપુઓ પર તે સહેલાઈથી જળવાઈ રહે છે. આ લાક્ષણિકતાની ર્દષ્ટિએ જોતાં તે દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારાના ભાગોમાંથી મર્યાદિત પ્રમાણમાં ખાતર માટેના અગત્યના પ્રાપ્તિદ્રવ્ય તરીકે મળી રહે છે; પરંતુ મુખ્ય પુરવઠો તો પેરુના કિનારા પરથી મેળવાય છે.

ગ્વાનો નરમ, ચૂર્ણશીલ દ્રવ્ય છે. તેમાં થોડું પણ પાણી પ્રવેશે તો તે દાણાદાર અને રવાદાર બની જાય છે, ઓગળે છે અને કલિલસ્થિતિ પ્રાપ્ત કરે છે. આ રીતે તેની પુન:નિક્ષેપક્રિયા થઈ શકે છે. ઓછી શુષ્ક આબોહવાવાળા વિસ્તારોમાં તેમાંનો નાઇટ્રોજનયુક્ત દ્રવ્યભાગ નીકળી જાય છે અને ઓછો ઓગળતો ફૉસ્ફેટયુક્ત ભાગ અવશેષ તરીકે રહી જાય છે, જે ફૉસ્ફેટ ગ્વાનો તરીકે ઓળખાય છે.

ગ્વાનો નિક્ષેપોમાંથી બનતાં ફૉસ્ફેટસમૃદ્ધ દ્રાવણોની વહનક્રિયા થાય અને જો તેની નીચે ચૂનાખડકો રહેલા હોય તો તેમાં તેનો સ્રાવ થઈ શોષાય છે, પરિણામે ફૉસ્ફેટ દ્રવ્યથી ચૂનાખડકોનું કણશ: વિસ્થાપન (metasomatic replacement) થાય છે અને ચૂનાખડક ફૉસ્ફેટયુક્ત બની રહે છે, જે ફૉસ્ફેટપ્રાપ્તિ માટે અગત્યનો બને છે. આ પ્રકારના પ્રવાળખડકો ક્રિસ્ટ્મસ ટાપુમાં અને દરિયાઈ ટાપુઓમાં બનેલા છે. ફ્લૉરિડા નજીકના ટાપુઓ પરના મૂળભૂત ચૂનાખડકો ગ્વાનોથી આચ્છાદિત હોવાથી તેમનું ફૉસ્ફેટીકરણ થયેલું છે.

ગિરીશભાઈ પંડ્યા