ગ્વાટેમાલા (Guatemala) : ઉ. અમેરિકા અને દ. અમેરિકાના ભૂમિખંડોને જોડતી સાંકડી સંયોગીભૂમિમાં આશરે 14° 40´ ઉ. અ. અને 90° 30´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લેતો દેશ અને તે જ નામનું તેનું મુખ્ય શહેર. તેની પશ્ચિમ અને ઉત્તરની બાજુએ મેક્સિકો, દક્ષિણની બાજુએ પૅસિફિક મહાસાગર અને અલ સૅલ્વાડૉર, પૂર્વની બાજુએ બેલિઝ અને હોન્ડુરાસ જેવા દેશો તથા કૅરિબિયન સમુદ્રના ભાગ રૂપે હોન્ડુરાસનો અખાત આવેલા છે. આ દેશ લગભગ 1,09,117 (2007) ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે અને તેને આશરે 400 કિમી. લંબાઈનો સમુદ્રતટ મળ્યો છે. ગ્વાટેમાલા શહેર દેશનું પાટનગર છે.
આ દેશની પશ્ચિમ બાજુની સીમા મેક્સિકોને અડીને આવેલી છે, તેથી મેક્સિકોની દક્ષિણે આવેલી ‘સિયેરા માદ્રે’ નામની પર્વતીય હારમાળાનું અનુસંધાન આ દેશમાં પણ જોવા મળે છે. પૂર્વ-પશ્ચિમ લંબાયેલો આ પહાડી પ્રદેશ આશરે 40થી 50 કિમી.ની પહોળાઈ ધરાવતા પૅસિફિક કિનારાનાં મેદાનો પરથી સીધા ચઢાણ સાથે સરેરાશ 2,500થી 3,000 મીટરની ઊંચાઈએ આવેલો છે. આ પહાડી પ્રદેશમાં સંખ્યાબંધ સક્રિય અને સુષુપ્ત જ્વાળામુખીઓ આવેલા છે. આ પૈકીનો તાહુમુલ્કો નામનો સુષુપ્ત જ્વાળામુખી 4,220 મી.ની ઊંચાઈ ધરાવે છે. મધ્યનાં પહાડી ક્ષેત્રોમાં ઠેરઠેર લાવા અને જ્વાળામુખીય રાખના સ્તરો પથરાયેલા છે. ઉત્તર તરફ જતાં આ પહાડી પ્રદેશની ઊંચાઈ ઘટતી જાય છે અને આછો ઢોળાવ શરૂ થાય છે, જે આગળ જતાં ‘પિટેન’ (Peten) તરીકે ઓળખાતાં ચૂનાનિર્મિત વિશાળ ઊંચાઈનાં મેદાનોમાં ભળી જાય છે. આ મેદાનોના કેટલાક ભાગોમાં જમીનતળ નીચેનો જળપરિવાહ પણ જોવા મળે છે અને કેટલીક વાર આ ભાગો ભારે વરસાદ પછી વિશાળ છીછરાં સરોવરો અને કાદવકીચડવાળા પ્રદેશોમાં ફેરવાઈ જાય છે.
પહાડી ક્ષેત્રોના પશ્ચિમ ઢોળાવો પરથી અનેક નાની નાની નદીઓ નીકળીને પૅસિફિક મહાસાગરને મળે છે. આ સિવાય આ દેશમાં બે મુખ્ય નદીઓ ઈશાન ખૂણા તરફ વહીને હોન્ડુરાસના અખાતને મળે છે. આ નદીઓએ પહાડી ક્ષેત્રોમાં ઊંડી ખીણો રચી છે. તે પૈકીની મોટાગ્વા નદી મોટી છે. પૂર્વ ઢોળાવો પરથી કેટલીક નદીઓ ઉદભવીને દેશના ઉત્તરના થોડાક ભાગોમાં વહે છે અને તે પછી મેક્સિકોમાં જાય છે. આ ઉપરાંત આ દેશમાં ઇઝાબાલ અને આટીટલાન નામનાં વિશાળ સરોવરો નોંધપાત્ર છે.
આ દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો હોવાથી મેદાની વિસ્તારોની આબોહવા ગરમ છે, પણ પહાડી ક્ષેત્રોમાં ઊંચાઈને લીધે તાપમાન ઘટવાને લીધે આબોહવા સમધાત બને છે. કૅરિબિયન સમુદ્ર તરફથી વાતા ઈશાનકોણીય વ્યાપારી પવનો કૅરિબિયન કાંઠાના ભાગો તથા તેને અડીને આવેલાં પહાડી ક્ષેત્રોના વાતાભિમુખ ઢોળાવો પર 2,000 મિમી.થી પણ વધુ વરસાદ આપે છે. એવી જ રીતે પૅસિફિક તટનાં મેદાનો મોસમી પ્રકાર જેવી આબોહવાથી વરસાદ મેળવે છે. અહીં વરસાદનું અધિકતમ પ્રમાણ ઉનાળામાં હોય છે. પૅસિફિક કિનારાના ભાગોમાં શિયાળો સ્પષ્ટ રીતે સૂકો હોય છે. વર્ષભર દેશમાં એકંદરે તાપમાન 20° સે.થી ઊંચે રહે છે, તેમ છતાં ઊંચાઈ અનુસાર તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. શરદ ઋતુમાં આ દેશ કૅરિબિયન સમુદ્ર તરફથી આવતા ઉષ્ણકટિબંધીય ચક્રવાત ‘હરિકેન’ની અસર હેઠળ આવે છે અને તેનાથી કોઈક વાર દેશમાં ખેતીના પાકોને તથા જાનમાલને ભારે નુકસાન થાય છે.
ભૂસ્તરીય રચના, ભૂમિસ્વરૂપો તથા વનસ્પતિજીવનના વૈવિધ્યને લીધે અહીંની જમીનોની જાતોમાં તફાવતો સર્જાયા છે. ઊંચાં પહાડી ક્ષેત્રો તેમજ તેમના પૅસિફિક કિનારા તરફના પહાડી ઢોળાવો પરની જમીનો લાવાની બનેલી છે. નદીઓનાં પૂરથી રચાયેલાં મેદાનોમાં કાંપની જમીનો જોવા મળે છે, જે અત્યંત ફળદ્રૂપ છે. ઉત્તરનાં ચૂનાનિર્મિત મેદાનો લૅટેરાઇટ પ્રકારની જમીનો ધરાવે છે, જે બહુ ફળદ્રૂપ નથી.
પ્રાકૃતિક વાતાવરણ અનુસાર વનસ્પતિસૃષ્ટિમાં વૈવિધ્ય જોવા મળે છે. આ દેશનો લગભગ 62 % ભાગ જંગલ-આચ્છાદિત છે. ખાસ કરીને દેશની ઉત્તરે આવેલાં મેદાનોમાં તેમજ હોન્ડુરાસના અખાતકાંઠે દલદલ પંકભૂમિનાં વર્ષા-જંગલો છવાયેલાં છે. આ જંગલોમાં થતાં સૅપોડીલા વૃક્ષોનો રસ મેળવાય છે. તેનો ઉપયોગ ચ્યુઇંગ-ગમની બનાવટમાં થાય છે. પહાડી પ્રદેશોમાં આવેલા થાળાંમાં ઘાસ ઊગી નીકળે છે જ્યારે ઊંચાઈવાળા ભાગોમાં શંકુદ્રુમ જંગલો છવાયેલાં છે.
દેશનો લગભગ 62% ભાગ જંગલ આચ્છાદિત છે. બાકીના આશરે 9% ભૂમિભાગમાં ચરાણ-પ્રવૃત્તિ તથા 14% ભૂમિભાગમાં ખેતી-પ્રવૃત્તિ થાય છે. આમ છતાં દેશના અર્થતંત્રમાં ખેતીનું સ્થાન મહત્વનું છે, અને દેશની આશરે 65% વસ્તી ખેતીપ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. અહીં મુખ્યત્વે ચીલાચાલુ કે નિર્વાહલક્ષી ખેતી અને બાગાયતી વ્યાપારી ખેતી એમ બે પ્રકારની ખેતી થાય છે. પૅસિફિક કિનારાનાં મેદાનો તથા તેને અડીને આવેલા પહાડી ઢોળાવો એ દેશના અગત્યના ખેત-ઉત્પાદક પ્રદેશો છે. તેમાં કિનારાનાં કાંપનાં મેદાનો કપાસ અને શેરડીનાં વિશાળ ફાર્મ તથા થોડાક પ્રમાણમાં કેળાં અને અન્ય ફળોની વાડીઓ ધરાવે છે, જ્યારે ઊંચા પહાડી ઢોળાવો પરની લાવાની ફળદ્રૂપ જમીનોમાં કૉફીની બાગાયતો તથા ઢોરઉછેર માટેના વાડા આવેલા છે.
મધ્યસ્થ પહાડી ક્ષેત્રથી ખાસ કરીને ઉત્તર તરફના ડુંગરાળ ઢોળાવો પર વિશાળ વાડીઓ આવેલી છે. અહીં પણ કૉફીની બાગાયતો છે. વળી ઈશાનના પહાડી ઢોળાવો તથા મેદાનોમાં કૉફી, શેરડી અને હેનેક્વેન તેમજ હોન્ડુરાસના અખાત–કિનારાનાં મેદાનોમાં અબાકા તથા કેળાં જેવા વ્યાપારી પાકો ઉગાડવામાં આવે છે. આ ભાગોમાં સિટ્રોનેલા ઘાસ તથા લેમન ઘાસની પણ ખેતી અગત્યની છે. તેમાંથી સુગંધીદાર તેલ મેળવાય છે. દેશના મોટા ભાગના ગ્રામીણ ઇન્ડિયન ખેડૂતો મધ્યસ્થ પહાડી પ્રદેશમાં આવેલા નદીથાળાં-(basins)માં પોતાની માલિકીનાં નાનાં નાનાં ખેતરો ખેડી મકાઈ, ઘઉં, કઠોળ અને બટાટાની નિર્વાહલક્ષી ખેતી કરે છે. વળી અહીં તેઓ ઘેટાંઉછેર-પ્રવૃત્તિ પણ કરે છે. અહીં 3,000 મીટરની ઊંચાઈ સુધી ઘઉં ઉગાડી શકાય છે.
ખનીજસંપત્તિમાં થોડાક પ્રમાણમાં નિકલ, સીસું, જસત અને ચાંદી જેવાં ધાતુમય ખનિજો મળી આવે છે. ઇઝાબાલ સરોવર પાસેથી નિકલનાં ખનીજોની ભાળ મળી છે. વળી આ દેશમાંથી થોડાક પ્રમાણમાં ખનીજતેલ મળી આવે છે. દેશમાં ગરમ કાપડ તથા ચિનાઈ માટીનાં વાસણો બનાવતા ગૃહઉદ્યોગોનું પ્રમાણ વધારે છે. આ સિવાય મુખ્યત્વે અહીંનાં નગરોમાં ખાદ્ય ચીજવસ્તુઓને પ્રક્રમણ કરવાના તેમજ કાપડ, રસાયણ, પ્લાસ્ટિક, રબરનાં ટાયર, ધાતુનું ફર્નિચર તથા વિદ્યુતનો સરસામાન બનાવતા હળવા યંત્ર-ઉદ્યોગોનો મર્યાદિત પ્રમાણમાં વિકાસ થયેલો છે. માટિયાસ દ ગાલ્વેઝ અને એસ્ક્વિન્ટલા ખાતે ખનિજતેલની રિફાઇનરીઓ આવેલી છે. આ દેશમાં પહાડો, જ્વાળામુખીઓ, સરોવરો તથા ખીણપ્રદેશો જેવાં વિવિધ પ્રકારનાં પ્રાકૃતિક ભૂમિર્દશ્યો પુષ્કળ પ્રમાણમાં આવેલાં છે. આ ઉપરાંત તે પ્રાચીન માયા સંસ્કૃતિનો ભવ્ય વારસો ધરાવે છે, જેનાથી પ્રવાસીઓ નિતાંત આકર્ષાતા રહે છે.
દેશમાં લગભગ 1,000 કિમી. લંબાઈના રેલમાર્ગો છે, જે પાટનગર ગ્વાટેમાલા શહેરને પૅસિફિક મહાસાગર તથા કૅરિબિયન કિનારાનાં બંદરો સાથે સાંકળે છે. આ ઉપરાંત અહીં લગભગ 12,220 કિમી. લંબાઈના સડકમાર્ગો છે. આ પૈકીના આશરે 2,112 કિમી. લંબાઈના સડકમાર્ગો પાકા છે. પાટનગર ગ્વાટેમાલા શહેર ‘પાન અમેરિકન ધોરી માર્ગ’થી મેક્સિકો તથા અલ સૅલ્વાડૉર જેવા પડોશી દેશો સાથે સંકળાયેલું છે. પ્યુર્ટો બારિયોસ તથા ચામ્પરીકો એ દેશનાં મુખ્ય બંદરો છે. આ દેશમાં દસ જેટલાં હવાઈ મથકો છે જે પૈકીનું ગ્વાટેમાલા શહેર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે.
દેશનો મોટા ભાગનો આયાત-નિકાસ વ્યાપાર યુ.એસ. સાથે ચાલે છે. અહીંથી મુખ્યત્વે કૉફી, રૂ, કેળાં, માંસ, ખાંડ વગેરેની નિકાસ થાય છે. તેમાં કૉફી અને રૂનો નિકાસ-ફાળો અનુક્રમે 50% અને 18% જેટલો છે. યંત્રસામગ્રી, સૂતર અને સુતરાઉ કાપડ, વાહનો, રસાયણો, બળતણની ચીજો, ખાદ્ય-સામગ્રી વગેરેની આ દેશમાં આયાત કરવામાં આવે છે.
દેશની વસ્તી 1,86,42,389 (2022) છે અને શહેરી વસ્તીનું પ્રમાણ 42% જેટલું છે. સરેરાશ વસ્તી-ગીચતા દર ચોકિમી.એ 92 વ્યક્તિઓની છે. અહીંની વસ્તીમાં લગભગ 66% લોકો ઇન્ડિયન, 33% લોકો મેસ્ટીઝો તથા મ્યુલેટો તેમજ 1% લોકો યુરોપિયનો છે. અહીંની સત્તાવાર ભાષા સ્પૅનિશ છે, પણ 40% વસ્તી ઇન્ડિયન બોલીઓનો ઉપયોગ કરે છે. 900 મીટરથી વધુ ઊંચા પહાડી થાળાંઓમાં કે પહાડી ઢોળાવો પરના સમશીતોષ્ણ આબોહવાવાળા વિભાગમાં દેશની મોટા ભાગની વસ્તીનું કેન્દ્રીકરણ થયેલું છે. ગરમ આબોહવા ધરાવતાં ઉત્તરનાં મેદાનોમાં તદ્દન નહિવત્ વસ્તી છે. માત્ર મોટાગ્વા નદી-ખીણમાં ખાસ કરીને પ્યુર્ટો બારિયોસ અને લિવિંગ્સ્ટન જેવાં બંદરોમાં વસ્તી છે.
મોટા ભાગના લોકો અત્યંત ગરીબ છે અને આશરે અર્ધા ભાગની વસ્તી અભણ છે. લૅટિન અમેરિકાના અન્ય દેશોની જેમ ખેતીની જમીનોના વિતરણ તથા માલિકી હકની બાબતમાં આ દેશમાં પણ ઘણી અસમાનતા પ્રવર્તે છે. માત્ર 2% વસ્તી 70% જેટલી ખેતીની જમીનો ધરાવે છે. હવે ધીમે ધીમે વિશાળ એસ્ટેટ નાબૂદ કરીને જમીનના પુન:વિતરણ દ્વારા જમીનવિહોણા ખેડૂતોનો સામાજિક ઉત્કર્ષ સાધવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અહીંના મૂળ વતની ઇન્ડિયન લોકો મધ્યસ્થ પહાડી પ્રદેશની કેટલીક જમીનો પર લાંબા સમયથી માલિકી-હક ધરાવે છે, જે આ દેશની એક વિશિષ્ટતા ગણાવી શકાય. સ્વાવલંબી નિર્વાહલક્ષી ખેતી કરતા મોટા ભાગના આવા ખેડૂતો 3 હેક્ટરથી ઓછી જમીનો ધરાવે છે, પણ તે જૂનાં સાધનોથી ખેતી કરતા હોવાથી ઉત્પાદન ઓછું થાય છે અને કુટુંબનું ભરણપોષણ થઈ શકતું નથી. આવા લોકોને અન્યત્ર બાગાયતોમાં કે મોટી વાડીઓમાં ઋતુગત મજૂરી કરવાની ફરજ પડે છે.
ગ્વાટેમાલા (શહેર) : દેશમાં મોટાં નગરોનું પ્રમાણ ઓછું છે. 1773ના ભયંકર ભૂકંપથી જૂનું પાટનગર ઍન્ટિગ્વા નાશ પામ્યું, તે પછી ઈ. સ. 1776માં નવું શહેર ગ્વાટેમાલા વસાવવામાં આવ્યું. તે ગ્વાટેમાલાનું પાટનગર તથા તે જ નામના પ્રાંતનું વહીવટી મથક છે. તે 14° 38´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 90° 22´ પ. રેખાંશવૃત્ત પર દેશના દક્ષિણ ભાગમાં પ્રસરેલી સિયેરા માદ્રે પર્વતશ્રેણીમાં આશરે 1,500 મી.ની ઊંચાઈએ આવેલું છે. ઊંચાઈને લીધે તેની આબોહવા ખુશનુમા અને આરોગ્યદાયક રહે છે. આ શહેરનો મોટો ભાગ ઈ. સ. 1917–18ના ભૂકંપ પછીથી ફરીથી બાંધવામાં આવ્યો છે. અહીંનાં મકાનો, કચેરીઓ તથા હોટલો બહુમાળી છે અને તેમને આધુનિક ઢબે સિમેન્ટ કૉંક્રીટથી બાંધેલાં છે. જૂના શહેરની સીમા પાસે પણ સુંદર રહેઠાણો બંધાયાં છે.
આ શહેરમાં વ્યાપારી પ્રતિષ્ઠાનો, સરકારી કચેરીઓ તથા સેવાઓનું કેન્દ્રીકરણ થયેલું છે. વળી દેશનું અર્ધા ભાગનું મૂડીરોકાણ આ શહેરની ઔદ્યોગિક વ્યાપારી અને અન્ય પ્રવૃત્તિઓમાં થયેલું છે. અહીં ખાદ્ય ચીજવસ્તુઓને પ્રક્રમણ કરવાના તથા કાપડ, પગરખાં, ટાયર, સિમેન્ટ વગેરેને લગતા ઉદ્યોગોનો વિકાસ થયો છે. વળી તે પથ્થરો પરના શિલ્પકામ માટે પ્રખ્યાત છે. આ સિવાય તે પાન અમેરિકન ધોરી માર્ગ દ્વારા મેક્સિકો, અલ સૅલ્વાડૉર તથા હોન્ડુરાસ જેવા પડોશી દેશોનાં અગત્યનાં નગરો સાથે સંકળાયેલું છે. વળી તે રેલમાર્ગે પૂર્વમાં કૅરિબિયન કિનારે આવેલા પ્યુર્ટો બારિયોસ તેમજ દક્ષિણ પૅસિફિક કિનારે આવેલા સાન હોઝે બંદરો સાથે જોડાયેલું છે. આ શહેરની વસ્તી 31,60,000 જ્યારે બૃહદ શહેરની વસ્તી 1,83,13,743 (2024 મુજબ) જેટલી છે અને સંયોગીભૂમિમાં આવેલાં બધાં શહેરોમાં તે સૌથી મોટું શહેર છે.
દેશના સાંસ્કૃતિક વિકાસમાં આ શહેરનો ઘણો મોટો ફાળો રહેલો છે. તે દેશની સાન કાર્લોસ યુનિવર્સિટીની મુખ્ય વિદ્યાશાખાઓનું વડું મથક છે. આ સિવાય તે લલિતકળાઓ, ભૂગોળ અને ઇતિહાસનાં મંડળો તેમજ ધંધાકીય, વ્યાપારી અને સૈન્યના શિક્ષણને લગતી સંસ્થાઓ ધરાવે છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં રાજમહેલ, રાષ્ટ્રીય પુસ્તકાલય, સિટી હૉલ, પુરાતત્વ તથા ઇતિહાસને લગતાં સંગ્રહસ્થાનો, મધ્યસ્થ બજાર, મિનર્વા પાર્કમાં આવેલો દેશની પ્રાકૃતિક રચનાનો નકશો, ઑલિમ્પિક સિટી (ઈ. સ. 1950માં સેન્ટ્રલ અમેરિકન ઑલિમ્પિક રમતો માટે બાંધવામાં આવ્યું છે) વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય અહીં અનેક ખ્રિસ્તી દેવળો આવેલાં છે. આ શહેરની બાજુના એક ગામમાં માયા સંસ્કૃતિના અવશેષો આવેલા છે. સરકારના પુરાતત્વ-વિભાગ દ્વારા તેની સારસંભાળ રાખવામાં આવે છે.
ઇતિહાસ : ગ્વાટેમાલાની પ્રાચીન સંસ્કૃતિ ઈ. સ. પૂ. 1,000 વર્ષ જેટલી જૂની છે. ઉચ્ચ પ્રદેશના લાસ ચરકાસ ખાતે વસતા લોકો મકાઈ ઉગાડતા, માટીનાં વાસણો વાપરતા અને ચટાઈ ને દોરડાંનો ઉપયોગ કરતા હતા. માયા ઇન્ડિયનોની સંસ્કૃતિ ઈ. સ. 300થી 900 સુધી અસ્તિત્વમાં હતી. તેમની દસેક લાખની વસ્તી હતી. તેમણે પથ્થરનાં કોતરકામવાળાં જંગી, સુંદર સ્મારકો ઉત્તરના મેદાનમાં ઊભાં કર્યાં હતાં. આ ઉપરાંત મંદિરો, મહેલો અને પિરામિડો બાંધ્યાં હતાં. પથ્થરનાં ચોસલાંઓ ઉપર તેમણે મહત્વના પ્રસંગોની તારીખો ચિત્રલિપિમાં નોંધી છે. સૂર્ય, ચંદ્ર અને શુક્રની ગતિને આધારે તેમણે અટપટા પણ ચોક્કસ પંચાંગ(calendar)ની શોધ કરી હતી. ગણિત અને ખગોળશાસ્ત્રમાં દુનિયાના કોઈ પણ સમકાલીન સમાજ કરતાં તેઓ આગળ વધેલા હતા. તે શૂન્ય માટે ચોક્કસ પ્રતીક(symbol)નો ઉપયોગ કરતા હતા.
રાજાશાહીનો સ્થાપક ક્વેટઝલકોટ્લ (Quetzalcotl) દેવ રાજા હતો. માયા રાજા પુરોહિત, અમીરો અને લશ્કરની સહાયથી રાજ્યનું સંચાલન કરતા હતા. અમીરોના પુત્રો વંશપરંપરાગત અમીરપદ ભોગવતા હતા. તે લોકો 35 જેટલી બોલી બોલતા હતા. માયા લોકોના રાજ્યમાં બીજી જાતિઓ પણ વસતી હતી, જે તેમના તાબામાં હતી. ઈ. સ. 900માં આ સંસ્કૃતિનો નાશ ખેડૂતોના બળવા, રાજકર્તાઓના આંતરિક કલહ કે જમીનના સખત ઘસારાથી ફળદ્રૂપતાના નાશને કારણે થયો હતો. ત્યારબાદ મેદાન છોડીને તે લોકો ઉચ્ચ પ્રદેશમાં વસ્યા હતા. યુકાટાન અને ગ્વાટેમાલાના દક્ષિણ ભાગમાં સ્પૅનિયાર્ડો આવ્યા ત્યાં સુધી આ સંસ્કૃતિ ટકી હતી. ક્યૂરી જાતિના નેજા નીચે તેઓ બધા સંગઠિત થયા હતા. મોટા ભાગના લોકો ખેડૂતો હતા અને મકાઈ અને કોકો ઉગાડતા હતા. કોકોનું દૈવી પીણું ઉત્સવોના પ્રસંગે તૈયાર કરી પીતા હતા. કોકોની શિંગનો ચલણ તરીકે ઉપયોગ કરાતો હતો. આ ઉપરાંત કપાસ, વિવિધ ફળો વગેરે ખેતીની અન્ય પેદાશો હતી. માયા લોકોના ધર્મમાં નરબલિને મુખ્ય સ્થાન હતું. આકાશી દેવોને પ્રસન્ન કરવા તથા સર્વનાશને દૂર રાખવા આ યજ્ઞ કરાતો હતો.
ઇન્ડિયનોના લાંબા વખતના સામના બાદ મેક્સિકોના ‘ન્યૂ સ્પેન’માંથી આવેલા પેડ્રો ડ અલ્વરાડોએ આ પ્રદેશ 1523માં જીતી લીધો હતો. અહીં સામંતશાહી (feudal) સમાજની રચના થઈ હતી. સ્પેનના રાજાએ આ વસાહતીઓને વિશાળ જમીનો આપી અને કાયદા કરી અમેરિકન ઇન્ડિયનોને કર આપવા તથા ખેતરોમાં મજૂરી કરવા ફરજ પાડી. સ્પૅનિશ વસાહતીઓએ બગીચા-ખેતી વિકસાવી હતી. ઘરગથ્થુ વપરાશ માટે અનાજ ઉપરાંત તેઓ કોકો, ગળી અને ચામડાં નિકાસ કરતા હતા. સોના અને રૂપાની ખાણો શોધીને તેઓ ધનિક થયા હતા. 1570માં સ્પેને હાઈકોર્ટના ન્યાયાધીશો અને વહીવટકર્તાઓની બનેલી ‘ઓડિયેન્સિયા’ નામની સમિતિની રચના કરીને તેના આગેવાનને ‘કૅપ્ટન્સી જનરલ’ નામ આપ્યું. આ રાજ્યમાં હાલનું મેક્સિકો, બેલીઝ, ગ્વાટેમાલા, અલ સૅલ્વાડૉર, નિકારાગુઆ, હોન્ડુરાસ અને કોસ્ટારિકાના સમગ્ર પ્રદેશનો સમાવેશ થયો હતો. આ પ્રદેશની રાજધાની ઍન્ટિગ્વા હતી. તેનું સ્થાન હવે ગ્વાટેમાલાએ લીધું છે. ગ્વાટેમાલા ન્યૂ સ્પેનના સૂબાને અધીન હતું.
અઢારમી સદીના અંત સુધીમાં સ્પૅનિશ વસાહતીઓ અને તેના વંશજોનું વસ્તીમાં પ્રમાણ અલ્પ હતું, જ્યારે સ્થાનિક ઇન્ડિયનો અને મેસ્ટીઝોની વસ્તી વધારે હતી. ઇન્ડિયનોના બળવા દબાવી દેવામાં આવ્યા હતા અને વિવિધ યુક્તિઓ દ્વારા તેમને ગુલામો જેવી સ્થિતિમાં રાખ્યા હતા. મિશ્ર જાતિના ક્રિઓલો પણ રાજશાસનથી અસંતુષ્ટ હતા. 1811માં નિષ્ફળ બળવો થયો હતો. મેક્સિકોએ સ્પૅનિશ શાસન 15મી સપ્ટેમ્બર, 1821માં ફગાવી દીધા બાદ ગ્વાટેમાલાએ સ્વતંત્રતા જાહેર કરી. ઑગસ્ટસ ઈટુરલાઇડે સ્થાપેલા ન્યૂ મેક્સિકન સામ્રાજ્યમાં તે જોડાયું. 1823માં ઈટુરલાઇડને પદભ્રષ્ટ કર્યા બાદ મધ્ય અમેરિકાના પ્રતિનિધિઓએ ગ્વાટેમાલામાં મળીને ‘યુનાઇટેડ પ્રૉવિન્સ ઑવ્ સેન્ટ્રલ અમેરિકા’ રાજ્યની રચના કરી. રૂઢિચુસ્ત જમીનદારોને ચર્ચ અને ઉદારમતવાદીઓ વચ્ચેના ઘર્ષણ બાદ 1826માં ઉદારમતવાદી માન્વેલ હોસે આર્સે (Manual Jose Arce) પ્રથમ પ્રમુખ થયા. રૂઢિચુસ્તો સાથે તે ભળી જતાં આંતરવિગ્રહ શરૂ થયો અને હોન્ડુરાસના ઉદારમતવાદી નેતા ફ્રાન્સિસ્કો મોરઝેને ગ્વાટેમાલા કબજે કર્યું. સ્થાનિક હરીફાઈ, આર્થિક અસ્થિરતા વગેરે કારણોસર 1838માં કૉન્ફેડરેશન તૂટી પડ્યું.
ઇન્ડિયન સૈનિક રાફેલ કરેરાએ ચર્ચ અને જમીનદારોનો પક્ષ લઈને સત્તા કબજે કરીને 1838થી 1865 સુધી લશ્કર અને ઇન્ડિયન ખેડૂતોના સહકારથી શાસન કર્યું.
કરેરાનું 1865માં મૃત્યુ થયા પછી સત્તાની ખેંચતાણ ચાલી અને રંગના ભાવ બેસી જવાથી દેશ મોટી કટોકટીમાં સપડાયો. ઉદારમતવાદીઓએ યુવાન લશ્કરી અધિકારી કૂસ્તો રુફીનો બારિયૉસે (Justo Rufino Barrios) સત્તા ગ્રહણ કરી અને સરમુખત્યાર તરીકે વર્તીને દેશને સ્થાપિત હિતોથી બચાવી અર્થતંત્રને મજબૂત તથા આધુનિક બનાવવા ચર્ચ અને રાજ્યને અલગ કર્યાં; રેલવે, ટેલિગ્રાફ, બક અને બંદરોનું આયોજન કર્યું. સેન્ટ્રલ અમેરિકાના એકીકરણ માટે લડતાં બીજી એપ્રિલ, 1885ને રોજ તેનું મૃત્યુ થયું.
1898માં એસ્ટ્રાડા કાબ્રેરા સત્તા ઉપર આવ્યો. તેને કૉફી ઉગાડનારા, લશ્કર અને યુ.એસ. મૂડી રોકનારાઓનો ટેકો હતો. તેમની મદદથી બંધારણમાં ફેરફાર કરી, ચૂંટણીમાં ગોલમાલ કરી તે 1920 સુધી સત્તા ઉપર રહ્યો. 1920માં વિદ્યાર્થીઓ અને રાજકારણીઓએ મળીને તેને પદભ્રષ્ટ કર્યો ત્યારે અર્થતંત્ર કથળી ગયું હતું. આ બધી અંધાધૂંધી બાદ 1931માં ક્રાંતિ બાદ જનરલ જ્યૉર્જ ઉબિકો સત્તા ઉપર આવ્યા. 1941માં જર્મની સામેના યુદ્ધમાં જોડાઈ તેમણે જર્મન કૉફીના બગીચા જપ્ત કર્યા; છતાં આર્થિક સ્થિતિ સુધરી નહિ. 1944માં ગ્વાટેમાલા શહેરના વિદ્યાર્થીઓએ તેમની વિરુદ્ધ દેખાવ કર્યા અને 1944ના જુલાઈની પહેલીએ તેમણે રાજીનામું આપ્યું. લશ્કરે સત્તા ગ્રહણ કરી. ચૂંટણી અને નવા બંધારણનું વચન આપ્યું. પ્રોફેસર જુઆન હોસ અહેવલો 1945માં પ્રમુખ થયા. તેમના શાસન દરમિયાન (1945–51) સુધારાનો યુગ પ્રવર્ત્યો. તેમણે પ્રથમ વાર ખેડૂતોને જમીન અપાવી અને તેમને શિક્ષણ અને સામાજિક સલામતીના લાભો બક્ષ્યા. મજૂર મંડળોને યુનિયન રચવાનો હક ને બીજા લાભો મળ્યા. તેમનું દસ વરસનું શાસન પ્રગતિશીલ હતું.
1954માં અમેરિકાએ ગ્વાટેમાલાના રાજકારણમાં દરમિયાનગીરી શરૂ કરી અને ડાબેરી પ્રમુખ જાકાબો અરબઝ ગુઝમાનને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. તે સમયથી ગ્વાટેમાલા દેશમાં વિવિધ લશ્કરી અને નાગરિક સરકારો રચાઈ તેમજ બળવા, દમન અને આંતરવિગ્રહનો લાંબો દોર ચાલ્યો. 1960–70ના દાયકામાં આતંકવાદ અને રાજકીય હત્યાઓનો દોર ચાલ્યો. 1976માં ગ્વાટેમાલા શહેર ધરતીકંપનો ભોગ બન્યું; જેમાં 22,000 લોકોની જાનહાનિ થઈ હતી.
માર્ચ 1982માં લશ્કરી અધિકારીઓએ સત્તા હાથ કરીને પ્રજાને ‘અધિકૃત લોકશાહી’ (ઑથેન્ટિક ડેમૉક્રસી) સ્થાપવાની ખાતરી આપી. રાજકીય હિંસાને કારણે ગ્વાટેમાલાના ઘણાં લોકોએ મેક્સિકોમાં નિરાશ્રિત તરીકે આશ્રય લીધો. ઑક્ટોબર, 1983માં ફરી લશ્કરી કૂ’દેતા અને 1986માં દેશમાં નાગરિક શાસન સ્થપાયું. જૂન, 1993માં જોર્ગ સેરાનો ઇલિયાસની કટોકટીઓથી તંગ આવી ગયેલી સરકારને ઉથલાવી દેવામાં આવી. 1996માં નવા પ્રમુખ અલવારો અરઝુ આયરીગોયન ચૂંટાયા. આ જ વર્ષે ત્યાંની સરકાર અને ડાબેરી બળવાખોરો વચ્ચે ડિસેમ્બરમાં શાંતિ-કરાર થયા. આ કરારથી છેલ્લા 35 વર્ષથી ચાલતા આંતરવિગ્રહનો અંત આવ્યો. જે સત્તાસંઘર્ષ લશ્કર, અન્ય જૂથો અને લોકો વચ્ચે ચાલ્યો હતો તેમાં કુલ 2,00,000 (બે લાખ) લોકો મરાયા હતા. તેમાં સરકારો અને અર્ધલશ્કરી દળો કારણભૂત હતાં તેમ માનવામાં આવતું.
1999ની ચૂંટણીમાં આલ્ફાન્સો પોર્ટિલો પ્રમુખ બન્યા (જોકે તેમના પર બે માણસોની હત્યાનો આરોપ હતો). બીજી તરફ 1999ની ચૂંટણીને અંતે જમણેરી વલણો ધરાવતા ગ્વાટેમાલન રિપબ્લિક ફ્રંટનો ત્યાંની ધારાસભા પર અંકુશ સ્થપાયો. 2003માં ઓસ્કાર બર્જર પરડોમો પ્રમુખ બન્યા. આ જ વર્ષોમાં દુષ્કાળ અને નબળી નિકાસોને કારણે ગ્વાટેમાલાની ગરીબ પ્રજા પર આર્થિક ભીંસ ખૂબ વધી. 2007માં અલવારો કોલોમ કેબેલરોસ નવા પ્રમુખ ચૂંટાયા અને જાન્યુઆરી, 2008થી તેઓ આ હોદ્દા પર કાર્યાન્વિત છે.
ગ્વાટેમાલા એકગૃહી ધારાસભા ધરાવતો દેશ છે. ન્યાયિક કાર્યવહી માટે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ એકમ તરીકે કાર્ય કરે છે.
બીજલ પરમાર
શિવપ્રસાદ રાજગોર