ગ્વાએકમ (અં. Lignum vitae, ગુ. દિવ્યા)

February, 2011

ગ્વાએકમ (અં. Lignum vitae, ગુ. દિવ્યા) : દ્વિદળીના યુક્તદલાના કુળ Zygophyllaceae-નું 8–10 મીટર ઊંચું ભરાવદાર છત્રી આકારનું વૃક્ષ. તે કુળના સહસભ્યોમાં કચ્છ અને ખારાઘોડામાં મળતો ધમાસો Fagonia, બરડા ડુંગર ઉપરથી જયકૃષ્ણ ઇન્દ્રજીએ મેળવેલો પેગિયો તે Peganum, ફક્ત કચ્છમાંથી ફા. બ્લેટરે નોંધેલો Seetzenia, જવલ્લે જ ભૂજિયા ડુંગર ઉપર મળતો પટલાણી તે Zygophyllum અને સર્વત્ર ચોમાસામાં ઊગતું ગોખરુ તે Trybulus-નો સમાવેશ થાય છે.

દિવ્યા અમેરિકાની વતની છે. તેને વૃક્ષ થતાં વર્ષો લાગે છે. પર્ણો સંયુક્ત, નાનીમોટી પર્ણિકાઓ પાનખરમાં ખરી પડે છે. વસંત ઋતુમાં ભૂરા રંગનાં ફૂલોથી આખું ઝાડ લચી પડે છે ત્યારે તે આકર્ષક લાગે છે.

તેનું એક બહુ જ સુંદર ઝાડવું ગુજરાત કૉલેજ(અમદાવાદ)ના વનસ્પતિ-ઉદ્યાનને શોભાવે છે.

મ. ઝ. શાહ