ગ્રીઝ : જાનવરોનાં અંગઉપાંગમાંથી કાઢેલ અખાદ્ય ચરબી અથવા પેટ્રોલમાંથી મેળવેલું કે સંશ્લેષણ દ્વારા મેળવેલું પ્રગાઢક (thickening agent) ઉમેરેલું તેલ.

ગ્રીઝનો વિશાળ સમૂહ મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (ક) ખનિજતેલ તથા ઘન ઊંજણોનું મિશ્રણ; (ખ) મીણ, ચરબી, રાળ (resin), તેલ તથા પિચનાં વિવિધ મિશ્રણો, (ગ) સાબુ ઉમેરી ઘટ્ટ બનાવેલ ખનિજતેલ.

સફેદ ગ્રીઝ ડુક્કરની અખાદ્ય ચરબી છે. તેમાં મુક્ત ચરબીજ (fatty) ઍસિડ ઘણા ઓછા પ્રમાણમાં હોય છે. બ્રાઉન ગ્રીઝમાં ગાય, બકરાં તથા ડુક્કરના માંસની ચરબી હોય છે. ઊંજણ માટે વપરાતું ગ્રીઝ ઘન યા અર્ધઘન દ્રવ્ય છે, જે પ્રવાહી ઊંજણમાં પ્રગાઢક તરીકે ઉમેરેલો પદાર્થ છે. આવા પદાર્થોમાં પ્રવાહી જ મુખ્ય ઘટક હોય છે. આ પ્રવાહી સામાન્યત: ઊંજણતેલ હોય છે; જે રંગ, પ્રકાર તથા શ્યાનતાની વિવિધતા દર્શાવે છે. સંશ્લેષિત ઊંજણપ્રવાહીઓ ચોક્કસ પ્રકારના ઉપયોગ માટે ખર્ચાળ હોવા છતાં બનાવવામાં આવે છે. ડાઇ-2-ઇથાઇલ હેક્ઝાઇલ સીબાસેટ જેવાં ડાઇએસ્ટર – 57° થી 149° સે. તાપમાન સુધીના ઉપયોગ માટે તથા અવિસ્થાપિત પૉલિફિનાઇલ ઈથરવાળાં ગ્રીઝ વિકિરણોત્સર્ગ (radiation), ઉપચયન તથા ઊંચા તાપમાન માટે વપરાય છે. ગ્રીઝમાં પ્રગાઢક તરીકે સાબુ તથા અકાર્બનિક અને કાર્બનિક બિનસાબુ જેવા પદાર્થો વપરાય છે. સાબુ દ્રવ્યોમાં Al, Ba, Ca, Li, Na, Pb અથવા Srનાં ધનાયનો હોય છે જે મુખ્યત્વે ઊંજણતેલમાં ધાતુબેઝના ચરબીજ ઍસિડ કે ગ્લિસરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા બનતાં હોય છે. આ ઉપરાંત બીજાં ઍસિડિક સંયોજનો (જેવાં કે રૅઝિન, મીણ, નૅફ્થેનિક ઍસિડ, સંશ્લેષિત ચરબીજ ઍસિડ) પણ વાપરી શકાય. નીચા અણુભારવાળા ઍસિડનાં સહતટસ્થીકરણ(coneutralization)થી બનતા સંકીર્ણ લવણ-સાબુ પણ પ્રગાઢક તરીકે વપરાય છે. ઍલ્યુમિનિયમ સ્ટીઅરેટ કે લિથિયમ 12-હાઇડ્રૉક્સિ સ્ટીઅરેટ જેવા સાબુ ગ્રીઝ પ્રગાઢકો તરીકે વપરાય છે. આવા સાબુથી ઘટ્ટ બનાવેલા ઊંજણ ગ્રીઝનું તાપમાન-સ્થાયિત્વ તેમાં રહેલા સાબુના પ્રકાર ઉપર આધાર રાખે છે. કેટલાક કાર્બનિક બિનસાબુ (nonsoapy) પ્રગાઢકો ઊંચા તાપમાને સ્થાયિત્વના ગુણને કારણે મોંઘા હોવા છતાં પણ વપરાય છે. એરાઇલ યૂરિયા, ઇન્ડાથ્રિન તથા પ્થેલોસાયનિન સંયોજનો આવાં ઉદાહરણો છે.

કેટલાંક ઊંજણ ગ્રીઝમાં ઉપચયન પ્રતિરોધકો (antioxidants) (એમાઇન્સ, ફીનૉલ્સ) ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રીઝમાં ધાતુ નિષ્ક્રિયકારકો (deactivators), ધાતુ નિષ્ક્રિયકો (passivators) વગેરે કાટ અટકાવવા માટે ઉમેરાય છે. ઘસારા-પ્રતિકારકો (stringiness additives), ધ્વનિરોધક દ્રવ્યો (acryloid polymers) પણ તેમાં ઉમેરવામાં આવે છે. ગ્રીઝમાં પૂરક તરીકે ગ્રૅફાઇટ, કાર્બન બ્લૅક, ઍસ્બેસ્ટૉસ, શંખજીરું, ધાતુનાં પાઉડર યા પતરી, ધાતુના ઑક્સાઇડ વગેરે ઉમેરવામાં આવે છે.

સિલિકોન ગ્રીઝમાં બેઝ તથા તેલ બંને સંશ્લેષિત પ્રકારનાં હોય છે. સંશ્લેષિત ગ્રીઝ જળદ્રાવ્ય તથા જળ-અભેદ્ય સ્વરૂપે બને છે, જે ઊંચા તાપમાનમાં પણ લાંબા સમય સુધી વાપરી શકાય છે. આવું ગ્રીઝ કુદરતી કે સંશ્લેષિત રબર જેવા પદાર્થો સાથે સંસર્ગમાં રાખવા માટે વપરાય છે, કારણ કે તેનાથી રબર નરમ પડતું નથી. વિશિષ્ટ પ્રકારનાં ગ્રીઝમાં બે કે વધુ સાબુ બેઝ તરીકે આવા વિશિષ્ટ આસંજકો (adhesives) ચોક્કસ ગુણધર્મો મેળવવા માટે ઉમેરવામાં આવે છે.

જ. પો. ત્રિવેદી