ગ્રીક સ્થાપત્ય (ઈ. પૂ. 3000થી ઈ. પૂ. 146) : ગ્રીક સ્થાપત્ય અને મૂર્તિકલાએ સૌંદર્ય અને પૂર્ણતાની પરિસીમા એટલે સુધી હાંસલ કરી હતી કે ગ્રીસની કલાકૃતિઓ સૌંદર્યનો પર્યાય ગણાય છે. પછીની અન્ય સંસ્કૃતિઓ પણ ગ્રીસના કલાધોરણે જ મપાવા લાગી હતી. ગ્રીક સ્થાપત્યે અન્ય પશ્ચિમી સ્થાપત્યશૈલી પર ભારે પ્રભાવ પાડ્યો છે.

આકૃતિ 1 : પાર્થિનૉન મંદિર (દેવી અથીનીનું મંદિર, એક્રૉપોલિસ), ઍથેન્સ

ગ્રીસનો ડુંગરાળ પ્રદેશ ભૂમધ્ય અને ઈજિયન સમુદ્રોથી ઘેરાયેલો છે. તેની મુખ્ય ખનિજસંપત્તિ આરસપહાણ છે, જેનો સુંદર અને મહાકાય ઇમારતો માટે ઉપયોગ થયેલો છે. આરસમાં બારીકાઈથી વિશિષ્ટ કામ શક્ય બને છે. ગ્રીસમાં વર્ષનો મોટો ભાગ ખૂબ ઠંડી પડતી અને થોડો વખત જ ગરમી વરતાતી. ગરમીને કારણે જન્મતી નિષ્ક્રિયતા અને ઠંડીને કારણે આવતી સ્ફૂર્તિનાં પરિણામો આ વિશિષ્ટ સંસ્કૃતિમાં દેખાય છે.

ગ્રીક સ્થાપત્યને બે મહત્વના સ્તબકમાં વહેંચી શકાય – પહેલો સ્તબક ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 700 સુધી અને બીજો હેલિનિક સમય – ઈ. પૂ. 700થી ઈ. પૂ. 146 સુધી. મહત્વનું ગ્રીક સ્થાપત્ય હેલિનિક સમયમાં બંધાયું. એમાંય સૌથી મહત્વનાં સ્થાપત્યો પર્શિયનોની હાર (ઈ. પૂ. 480) અને ઍલેક્ઝાન્ડરના મૃત્યુ (ઈ. પૂ. 323) દરમિયાનનાં દોઢસો વર્ષોમાં બંધાયાં હતાં.

ગ્રીક બાંધકામની કલાપદ્ધતિ : ગ્રીસમાં સીધી અને સરળ પદ્ધતિથી સ્તંભો અને મોભથી વિશાળ, મહાકાય ઇમારતો બંધાતી. સ્તંભો વચ્ચેનો ગાળો નાનો રહેતો, કારણ કે આરસ-પથ્થરોના માપની એક પ્રકારની મર્યાદા રહેતી. પથ્થરોને જોડવા રેતી-ચૂનાનો ગારો ન વપરાતો પણ પથ્થરો એકબીજામાં બેસી જાય તે રીતે સાલવીને ગોઠવવામાં આવતા.

ર્દષ્ટિભ્રમસુધાર : આ સમયની ઇમારતોને તેમણે વિકસાવેલા ‘ર્દષ્ટિભ્રમ-સુધાર’ના સિદ્ધાંતો પ્રમાણે ડિઝાઇન કરી બાંધવામાં આવતી. લાંબી સીધી રેખાઓ વાસ્તવમાં દૂરથી જોતાં વચ્ચેથી વળાંકવાળી, ત્રાંસી લાગે; આ હકીકતને ધ્યાનમાં લઈને સ્થપતિઓ મોભ જેવી આડી રેખાઓને પહેલેથી જ બહિર્ગોળ વળાંક આપતા. સ્તંભોને અંદરની તરફ ઢળતા રખાતા જેથી દૂરથી જોતાં આપણા ઉપર ધસી આવતા હોય એમ ન લાગે. પાર્થિનૉન(દેવી અથીનીનું મંદિર, એક્રૉપોલિસ, ઍથેન્સ)માં પણ આ પ્રમાણેનું બાંધકામ જોવા મળે છે. શિલાલેખોના અક્ષરો ઉપરની બાજુએ મોટા અને નીચે નાના થતા રખાતા જેથી દૂરથી એક જ સરખા હોય એવા લાગે.

આકૃતિ 2 : ‘ર્દષ્ટિભ્રમ-સુધાર’ના સિદ્ધાંતો પ્રમાણેની ડિઝાઇન
‘ક’ ઇમારત આમ બંધાતી જેથી ‘અ’ જેવી દૂરથી દેખાય. જો તેમ બાંધવામાં ન આવે તો ‘બ’ જેવી દેખાય. આમ ર્દષ્ટિભ્રમ-સુધાર કરવામાં આવતો.

ગ્રીક સ્થાપત્યમાં ગ્રીક મંદિરો ખૂબ જ મહત્વની ઇમારતો ગણાય છે. મંદિરો ‘ટેમેનોસ’ એટલે કે પવિત્ર પરિસરમાં બંધાતાં. એના ગોખલા(naos)માં દેવી કે દેવતાની મૂર્તિ રાખવામાં આવતી. ક્યારેક બહારના સ્તંભોની હાર સાથે ભંડારકક્ષ પણ બાંધવામાં આવતો. લાકડાની છત ઉપર આરસના પથ્થરના પાટ મુકાતા.

આકૃતિ 3 : શૈલી-પદ્ધતિનું ચિત્ર

ગ્રીક સ્થાપત્યશૈલીમાંની ડૉરિક પદ્ધતિ ખૂબ જ મજબૂત દેખાતી. આ શૈલીના સ્તંભોને નીચેના પાયા વગર જ સીધા ‘સ્ટાઇલબેટ’ પર ઊભા રખાતા. પાયાના વ્યાસ કરતાં ડૉરિક સ્તંભોની લંબાઈ ચારથી સાડા છ ગણી હોય છે. સ્તંભોની ગોળાઈ પર 20 જેટલી રેખા કોતરાયેલી રહેતી. આ સ્તંભોના સ્તંભશીર્ષ બે ભાગમાં વહેંચાયેલા હોવાથી એક ‘ઍકિનસ’ અને બીજો ‘ઍબકસ’ તરીકે ઓળખાતો.

આયૉનિક શૈલીમાં સ્તંભશીર્ષ ભૂંગળા આકારનું હોય. આ સ્તંભ ડૉરિક આકારના સ્તંભ કરતાં પ્રમાણમાં વધુ પાતળો લાગતો. આયૉનિક સ્તંભોની ઊંચાઈ પહોળાઈથી આઠથી દસ ગણી રખાતી; એના ઉપર 24 રેખાઓ કોતરવામાં આવતી.

કોરિન્થિયન શૈલી હેલિનિક સમયના છેલ્લા ભાગમાં મળી આવે છે. આ શૈલીનો ઉપયોગ જોકે ગ્રીસમાં ઓછો જોવામાં આવે છે. આયૉનિક કરતાં આ સ્તંભશીર્ષ ઘંટાકાર રહેતા. એના પર એકન્થસનાં પાંદડાંના બે સ્તર કોતરવામાં આવતા.

આ સ્થાપત્યશૈલીની અન્ય ઇમારતોમાં મહેલો, અગોરા કે હાટ, કબરો, દરવાજા, તબેલા, ક્રીડાંગણો, ઍમ્ફિ થિયેટરો વગેરે જોવા મળે છે.

મન્વિતા બારાડી