ગ્રીનગાર્ડ પૉલ (જ. 11 ડિસેમ્બર 1925, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.; અ. 13 એપ્રિલ 2019, મેનહટ્ટન, ન્યૂયોર્ક, યુ. એસ.) : 2000ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા, આણ્વિક અને કોષીય ચેતાવિજ્ઞાની (neurologist). તેમણે જોન્સ હૉપકિન્સ યુનિવર્સિટી, બાલ્ટિમોરમાંથી 1953માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. અનુસ્નાતક-કાર્ય કર્યા પછી તેમણે ગાયગી રિસર્ચ લૅબોરેટરી, આર્ડસ્લે, ન્યૂયૉર્કમાં 1959–67 સુધી સેવા આપી. ત્યારબાદ તેઓ આલ્બર્ટ આઇન્સ્ટાઇન કૉલેજ ઑવ્ મેડિસિન, ન્યૂયૉર્ક સિટીમાં 1961–70 સુધી અને યેલ યુનિવર્સિટીમાં 1968–83 સુધી પ્રાધ્યાપકપદે રહ્યા. 1983માં તેઓ લૅબોરેટરી ઑવ્ મૉલેક્યુલર ઍન્ડ સૅલ્યુલર ન્યૂરોસાયન્સ, રૉકફેલર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે જોડાયા.

ગ્રીનગાર્ડ પૉલ

ગ્રીનગાર્ડે 1960ના દસકામાં પુરસ્કાર-વિજયી સંશોધનનો પ્રારંભ કર્યો. ડોપામાઇન, નૉરએડ્રિનાલિન અને સેરેટોનિન મંથર અંતર્ગ્રથની-પ્રેષણ(synaptic transmission)ની સંકેતનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવતા ચાવીરૂપ ચેતાપ્રેષકો (neurotransmitters) છે. ગ્રીનગાર્ડે જણાવ્યું કે મંથર અંતર્ગ્રથની-પ્રેષણ સાથે પ્રોટીન ફૉસ્ફૉરીકરણ સંકળાયેલું છે. આ પ્રક્રિયામાં ફૉસ્ફેટનો અણુ પ્રોટીન સાથે જોડાઈ પ્રોટીનના કાર્યમાં ફેરફાર કરે છે. ગ્રીનગાર્ડે સંકેત-પારક્રમણ(signal-transduction)ના પથ વિશે સંશોધનો કર્યાં. આ પથ ડોપામાઇનથી શરૂ થાય છે. તે ચેતાકોષના બાહ્યપટલમાં આવેલા ગ્રાહકો સાથે જોડાય છે. તેથી દ્વિતીયક સંદેશક, ચક્રીય AMP(ઍડિનોસાઇન મૉનોફૉસ્ફેટ)માં વધારો થાય છે. આ અણુ એક ઉત્સેચકને સક્રિય બનાવે છે, જે ચેતાકોષમાં ફૉસ્ફેટના અણુને અન્ય પ્રોટીનોમાં ઉમેરે છે. પ્રોટીન ફૉસ્ફૉરીકરણ ચેતાકોષમાં વિવિધ રીતે અસર કરે છે; જેમાં ચેતાસંકેતોની ઝડી વરસાવવાની સંવેદનાના પ્રારંભનો સમાવેશ થાય છે.

કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, સ્ટૉકહોમ દ્વારા 2000ના વર્ષનો આયુર્વિજ્ઞાન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર ગ્રીનગાર્ડને ડોપામાઇન અને અન્ય ચેતાપ્રેષકો ચેતાતંત્રમાં કેવી રીતે કાર્ય કરે છે – તે વિશેના નોંધપાત્ર સંશોધન બદલ સહવિજેતા તરીકે એનાયત કરવામાં આવ્યો. આ ઉપરાંત ડિકસન પ્રાઈઝ-મેડિસિનમાં અને ન્યૂરોસાયન્સમાં એનએએસ ઍવોર્ડ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ પટેલ