ગૌર, હરિસિંગ (સર) (જ. 26 નવેમ્બર 1870, સાગર; અ. 25 ડિસેમ્બર 1949, સાગર) : જાણીતા કેળવણીકાર, ધારાશાસ્ત્રી તથા પ્રખર રાષ્ટ્રવાદી સાંસદ. જન્મ ક્ષત્રિય ખેડૂત કુટંબમાં. હરિસિંહ બાળલગ્નના વિરોધી હોવાથી જ્ઞાતિમાં મોટી ઉંમરની કન્યા ન મળતાં તેઓ ઑલિવિયા નામની ખ્રિસ્તી કન્યા સાથે પરણ્યા. માધ્યમિક શાળાની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પાસ થયા અને સરકારની શિષ્યવૃત્તિ મેળવી. મૅટ્રિકની તથા ઇન્ટરની બંને પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. 1889માં ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દાખલ થયા, જ્યાંથી 1892માં બી.એ. (ઑનર્સ) તથા 1905માં લંડન યુનિવર્સિટીમાંથી ડી. લિટ. ની પદવી પ્રાપ્ત કરી. પાછળથી ટ્રિનિટી કૉલેજ, ડબ્લિને પણ તેમને ડી. લિટ. ની માનદ પદવી આપી હતી. ઇંગ્લૅન્ડમાં ભણતા હતા ત્યારે એક પ્રભાવશાળી વક્તા તરીકે તેઓ ખ્યાતિ પામેલા તથા ઇન્ડિયન મજલિસના પ્રમુખ તરીકે ચૂંટાયેલા.

1892માં સ્વદેશ પાછા ફર્યા પછી તત્કાલીન મધ્ય પ્રાંતના ભંડારા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિમાયા; પરંતુ ત્રણ માસ પછી રાજીનામું આપી જાહેર જીવનમાં ઝંપલાવ્યું તથા ભંડારા મ્યુનિસિપાલિટીના સભ્યપદે ચૂંટાયા. સાથોસાથ વકીલાતના વ્યવસાયમાં રાયપુર અને પછી નાગપુર અને અવારનવાર ભારતની વડી અદાલતો તથા પ્રિવી-કાઉન્સિલ સમક્ષ મહત્વના કેસો લડ્યા. ભારતીય રાષ્ટ્રીય કાગ્રેસના મવાળ જૂથના અગ્રણી નેતાઓમાં તેમની ગણના થતી હતી. 1914માં મધ્ય પ્રાંત તથા વરહાડ પ્રાંતીય પરિષદના અધિવેશનમાં અધ્યક્ષનું સ્થાન શોભાવ્યું. હોમરૂલ લીગની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો. 1918માં નાગપુર નગરપાલિકાના અધ્યક્ષ બની પ્રશંસનીય કાર્ય કર્યું. 1921–35 દરમિયાન કેન્દ્રીય ધારાસભાના સભ્ય તથા તે દરમિયાન અવારનવાર વિરોધપક્ષના નેતા તરીકે કાર્ય કર્યું. 1933માં સંસદની સંયુક્ત સમિતિ પર ચૂંટાયા. કેન્દ્રીય ધારાસભામાં ભારતના ઉદ્યોગોને વિદેશી હરીફાઈથી રક્ષણ આપવાની હિમાયત કરી. ભારતની બંધારણસભાના સભ્ય રહ્યા તે પહેલાં 1938–44ના ગાળામાં ઇંગ્લૅન્ડના નિવાસ દરમિયાન ભારતમાં સ્વશાસન માટે ઝુંબેશ ચલાવી.

શિક્ષણક્ષેત્રમાં તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિપદે નિમાયા અને બે મુદત સુધી ત્યાં કામ કર્યું. તે પછી નાગપુર તથા સાગર યુનિવર્સિટીઓના કુલપતિપદે પણ રહ્યા. સાગર યુનિવર્સિટીની સ્થાપના માટે તેમણે એક કરોડ રૂપિયાની સખાવત કરી હતી જે ભારતમાં શિક્ષણક્ષેત્રે કોઈ એક વ્યક્તિએ તે સમય સુધી આપેલા દાનની સૌથી મોટી રકમ હતી.

ઇંગ્લૅન્ડમાં ભણતા હતા તે અરસામાં ‘સ્ટેપિંગ વેસ્ટવર્ડ’ અને ‘રૅન્ડમ રાઈમ’ શીર્ષકથી તેમના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા હતા. ઉપરાંત, ‘લેટર્સ ફ્રૉમ હેવન’ નામની ગદ્યરચના, ‘હિઝ ઓન્લી લવ’ નામની નવલકથા, ‘ફૅક્ટ્સ ઍન્ડ ફૅન્સિઝ’ નામનો નિબંધસંગ્રહ, ‘ધ સ્પિરિટ ઑવ્ બુદ્ધિઝમ’ નામનો પ્રબંધ (જેનું પુરોવચન રવીન્દ્રનાથ ઠાકુરે લખ્યું હતું) તથા 1944માં પ્રકાશિત તેમની આત્મકથા તેમનું સાહિત્યિક પ્રદાન છે. કાયદાશાસ્ત્રમાં તેમણે લખેલા ત્રણ ગ્રંથો ‘લૉ ઑવ્ ટ્રાન્સફર ઇન બ્રિટિશ ઇન્ડિયા’ (1902), ‘પીનલ લૉ ઑવ્ બ્રિટિશ ઇન્ડિયા’ (1914) તથા ‘હિંદુ લૉ કોડ’ (1918) યાદગાર ગણાય છે. સામાજિક સુધારણાના ક્ષેત્રે તેમના પ્રદાનમાં ‘સિવિલ મેરેજીઝ ઍક્ટ’, ‘વિમેન્સ ફ્રીડમ ઍક્ટ’ અને ‘રેસિપ્રૉસિટી ઍક્ટ’ના ઘડતરમાં તેમણે સક્રિય ફાળો આપ્યો હતો. ‘હિંદુ મેરેજીઝ ડિઝોલ્યૂશન બિલ’ તથા ‘ધ એજ ઑવ્ કન્સેન્ટ બિલ’ના તેઓ ઘડવૈયા હતા.

ભારતમાં જ્ઞાતિપ્રથાનું નિર્મૂલન તથા આંતરજ્ઞાતિવિવાહને લગતા કાયદાના તેઓ પ્રખર હિમાયતી હતા.

1925માં બ્રિટિશ સરકારે તેમને ‘સર’નો ખિતાબ એનાયત કર્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે