ગૌતમીપુત્ર શાતકર્ણિ

February, 2011

ગૌતમીપુત્ર શાતકર્ણિ (શાસનકાળ આશરે ઈ. સ. 106થી 130) : દક્ષિણાપથનો સાતવાહન વંશનો પરાક્રમી રાજા. એણે ક્ષહરાત વંશની સત્તાનો અંત આણ્યો ને સાતવાહન કુળના યશને પુન: પ્રતિષ્ઠિત કર્યો. એણે મહારાષ્ટ્ર, વિદર્ભ, માળવા, સુરાષ્ટ્ર અને રાજસ્થાનના પ્રદેશ જીતી લીધા ને સાતવાહનોની સત્તા વિંધ્યથી મલય (ત્રાવણકોર) અને મહેન્દ્ર પર્વત(પૂર્વઘાટ)થી સહ્ય (પશ્ચિમઘાટ) પર્યંત પ્રસારી. ગૌતમીપુત્રે પશ્ચિમ ભારતમાં શક, યવન અને પહ્લવ સત્તાનો પણ અંત આણ્યો. બ્રાહ્મણ વર્ણના આ પ્રતાપી રાજવીએ ક્ષત્રિયોના દર્પનું મર્દન કર્યું. નાસિક પ્રદેશનો વહીવટ કરતા અમાત્ય વિષ્ણુપાલિત અને શ્યામકને ગૌતમીપુત્ર શાતકર્ણિએ રાજ્યકાલના વર્ષ 18મા અને 24મા વર્ષે તેમણે ત્રિરશ્મિ પર્વત (નાસિક પાસે) પર આવેલી ગુફાઓમાં વસતા ભિક્ષુઓને આપેલા ભૂમિદાનને લગતા લેખો ઉપલબ્ધ છે. પુરાણોમાં આ રાજાએ 21 વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાવ્યું છે; પરંતુ ગુફાલેખો પરથી એણે 24 વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાય છે. એના ઉત્તરાધિકારી વાસિષ્ઠીપુત્ર પુળુમાવિના નાસિક ગુફાલેખમાં આ રાજાનાં પરાક્રમોની વિગતવાર પ્રશસ્તિ આપેલી છે; જેમાં એની અનેક રાજ્યપ્રદેશો ઉપરની જીતો, એનાં યશસ્વી પરાક્રમો અને પ્રશસ્ય ચરિતનું નિરૂપણ કરેલું છે. આ લેખમાં ગૌતમીપુત્રને ‘રાજ-રાજ’ કહ્યો છે અને એની શૂરવીરતા તથા દાનશીલતાની પ્રશંસા કરેલી છે. એની માતા ગૌતમી બલશ્રી ધર્મિષ્ઠ હતી ને એણે ત્રિરશ્મિ પર્વત પર ગુફા કરાવી ભિક્ષુઓને દાનમાં દીધી હતી.

જોગલથંબી(જિ. નાસિક)માંથી પ્રાપ્ત નહપાનના 13,270 સિક્કાઓમાંથી 9,270 સિક્કાઓ ઉપર ગૌતમીપુત્ર શાતકર્ણિએ પોતાની છાપ પડાવેલી જોવા મળે છે.

ભારતી શેલત