ગૌરીબિદનુર રેડિયો ઑબ્ઝર્વેટરી, કર્ણાટક

February, 2011

ગૌરીબિદનુર રેડિયો ઑબ્ઝર્વેટરી, કર્ણાટક : બૅંગાલુરુ નજીક ગૌરીબિદનુર ખાતેની અવકાશી પદાર્થોના ખગોલીય અભ્યાસ માટેની વેધશાળા. તેમાં અવકાશી પદાર્થ દ્વારા રેડિયોતરંગ વિસ્તારમાં ઉત્સર્જિત થતા વિકિરણનું અવલોકન કરવાની સુવિધા છે. આવા અભ્યાસ માટે બે વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓ : (1) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રોફિઝિક્સ અને (2) રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી બનાવેલો એક રેડિયો ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવેલો છે, જે 34.5 મેગાહટર્ઝ એટલે કે આશરે 9 મીટર તરંગલંબાઈના રેડિયોતરંગ-વિસ્તારમાં ખગોલીય પદાર્થો દ્વારા ઉત્સર્જિત થતાં રેડિયો-વિકિરણોની તીવ્રતા માપી શકે છે. અંગ્રેજી મૂળાક્ષર T આકારમાં ગોઠવેલા 1,000 જેટલા ડાયપોલવાળી આ ટેલિસ્કોપની ઍન્ટેનાની હારમાળા(array)નું ક્ષેત્રફળ 18,000 ચોમી. જેટલું છે. આ હારમાળાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 1.4 કિમી. તથા ઉત્તર-દક્ષિણ લંબાઈ 0.45 કિમી. છે. 26´x 42´ની વિભેદનક્ષમતા (resolution) ધરાવતો આ ટેલિસ્કોપ સૂર્ય, ગુરુ તથા પલ્સાર જેવા પ્રબળ રેડિયોતરંગો ઉત્સર્જન કરતા અન્ય અવકાશી પદાર્થના અભ્યાસ માટે અગત્યનો છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ