ગોહાઈ, હીરેન (જ. 1939, ગોલાઘાટ, અસમ) : અસમિયા લેખક. તેમની લખેલી ‘જાતીય જીવનાત મહાપુરુષીયા પરંપરા’ કૃતિને સાહિત્ય અકાદમી તરફથી 1989ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો.

તેઓ નામાંકિત લેખક હોવા સાથે વિદ્વત્તા ધરાવતા વિચારક છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવી એમ.એ.ની ડિગ્રી મેળવી; 1969માં તેઓ મિલ્ટન વિશે પીએચ.ડી. કક્ષાના અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા. 1962થી તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય આરંભ્યું. 1980થી તેઓ ગુવાહાટી યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. કેટલાંક વર્ષોથી તેઓ ભોપાળના ભારત ભવનના ટ્રસ્ટી છે.

તેમણે મિલ્ટન તથા શેક્સપિયર વિશે અંગ્રેજીમાં પાંડિત્યપૂર્ણ લખાણો આપ્યાં છે. તેમણે અસમમાંના ‘વિદેશી આંદોલન’ (1979–84) વિશે પણ લખ્યું છે. અસમિયા ભાષામાં તેમણે મહત્ત્વની બારેક કૃતિઓ રચી છે; તેમાંની મોટા ભાગની રચનાઓ સામાજિક તથા સાંસ્કૃતિક ઇતિહાસ તથા સાહિત્ય વિશેના નિબંધસંગ્રહો છે. તેમણે માકર્સવાદી ર્દષ્ટિબિંદુથી રાજકારણની આલોચનાને લગતાં પુસ્તકો પણ આપ્યાં છે.

ઍવૉર્ડપ્રાપ્ત કૃતિ ‘જાતીય જીવનાત મહાપુરુષીયા પરંપરા’માં મહાપુરુષ શંકરદેવ તથા તેમના અનુયાયીમંડળે અસમની સંસ્કાર- પરંપરા તેમજ રૂઢિ-રિવાજના ક્ષેત્રે જે સામાજિક-આર્થિક-સાહિત્યિક પરિવર્તનનું નિર્માણ કર્યું તેનું માકર્સવાદી ર્દષ્ટિએ અર્થપૂર્ણ અર્થઘટન આપ્યું છે. તેમના ચીવટપૂર્ણ પાંડિત્ય તથા જિવાતા જીવન વિશેના તેમના આગવા અભિગમવાળા અર્થઘટનના કારણે પ્રસ્તુત પુસ્તક અસમિયા સાહિત્યમાં વિશિષ્ટ લેખાયું છે.

હીરેન ગોહાઈ

તેમની પ્રથમ કૃતિ ‘સાહિત્યેર સત્ય’ (1970) અસમિયા વિવેચનાના ઇતિહાસની ગણનાપાત્ર કૃતિ ગણાય છે. ‘બસ્તાવર સ્વપ્ન’(1972)માં સાહિત્ય તથા વર્ગભેદનિર્ભર સમાજરચના વચ્ચેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ છે. ‘સાહિત્ય અરુ ચેતના’(1977)માં 1971થી ’77માં લખાયેલા નિબંધોનો સંચય છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેમનું પ્રતિપાદન એવું રહ્યું છે કે રાજકારણથી નિરપેક્ષ રીતે ‘શુદ્ધ સાહિત્ય’નું સર્જન કરવાનો પ્રયાસ મિથ્યા અને અશક્ય છે.

કાવ્યલેખન તેમની પ્રથમ પસંદગીનો વિષય રહ્યું છે, પણ જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલાં તેમનાં કાવ્યો ગ્રંથસ્થ થયાં નથી. તેમાં ઊંચી કોટિની રંગદર્શિતા હોવા છતાં તેમની સામાજિક જાગરૂકતા અછતી રહેતી નથી.

મહેશ ચોકસી