ગોસ્વામી, હેમચંદ્ર (જ. 8 જાન્યુઆરી 1872, ગોલાઘાટ; અ. 2 મે 1928, ગુવાહાટી) : અસમિયા કવિ, નિબંધકાર, પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. તેમણે ગોલાઘાટમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. પછી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કૉલકાતા ગયા અને બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. થોડો સમય શિક્ષકની નોકરી કર્યા પછી સરકારી નોકરીમાં જોડાયા અને તેઓ ડેપ્યુટી કમિશનરને સ્થાને પહોંચ્યા. તેઓ અસમિયા સંસ્થાઓ ‘જોનાકી’, કામરૂપ અનુસંધાન સમિતિ; અસમ સાહિત્યસભા સાથે સંકળાયેલા હતા.

તેમની યુવાનીમાં તેમણે ‘ફૂલર ચાકિ’ નામક રંગદર્શી કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો (1907). તેમણે અસમિયા કવિતામાં ‘પ્રિયતમાર ચિઠ્ઠી’ નામક પ્રથમ સૉનેટ આપ્યું, જે અત્યંત નોંધપાત્ર પ્રણય-કાવ્ય હતું. ‘અસમબંધુ’ કાવ્યસંગ્રહ 1907માં પ્રગટ કર્યો. ‘કથાગીતા’ (1918), ‘પુરણિ અસમ બુરંજી’ (1922) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે.

પાછળથી તેમણે અસમિયા સાહિત્યની હસ્તપ્રતો અને પ્રાચીન આસામના શિલાલેખોની શોધતપાસ, સંપાદન અને પ્રકાશનમાં ખૂબ રુચિ દાખવી. તેમણે અસમિયા હસ્તપ્રતોનું વર્ણનાત્મક કૅટલૉગ તૈયાર કર્યું, જે 1933માં કૉલકાતા યુનિવર્સિટીએ પ્રગટ કર્યું. કોસ રાજાઓ વિશે સૂર્યખંડિ દેવજ્ઞે 18મી સદીમાં રચેલો સચિત્ર અર્ધ-ઐતિહાસિક દસ્તાવેજ ‘દરંગ-રાજ-વંશાવલી’ તેમણે સંપાદિત કરીને પ્રગટ કરી. ‘અસમિયા સાહિત્યેર ચાનેકિ’ (1929) અને ‘હેમ કોશ’ (1940) તેમના મહત્વના વિવેચનગ્રંથો છે.

અસમિયા ભાષા અને સાહિત્ય પ્રત્યેની તેમની લગન બ્રિટિશ અધિકારીઓ દ્વારા ખૂબ પ્રશંસાપાત્ર બની હતી. અસમિયા ભાષા સુધારણા મંડળના તેઓ એક અગ્રેસર હતા. સાહિત્યિક સામયિક ‘જોનાકિ’નું સંપાદન તેમણે સંભાળ્યું હતું.

ઇન્દિરા ગોસ્વામી