ગોહિલ, પાર્થિવ (જ. 18 ફેબ્રુઆરી 1976, ભાવનગર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ ‘ધ્રુપદ-ધમાર’ ગાયનશૈલીમાં વિશેષ રૂપે અને સંગીતમાં સર્વસામાન્ય રીતે નિપુણતા ધરાવતા ગુજરાતના યુવાકલાકાર. તેમણે બી.કૉમ.ની તથા શાસ્ત્રીય સંગીતમાં ‘વિશારદ’ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ શાસ્ત્રીય સંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીત અને ફ્યૂઝન (fusion) સંગીતના પણ અગ્રણી ગાયક કલાકાર છે. શિક્ષણકાળ દરમિયાન રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શાસ્ત્રીય તેમજ સુગમ સંગીતની સ્પર્ધાઓમાં તેમણે વિજેતાપદ પ્રાપ્ત કર્યું છે. 1990–1994 દરમિયાન પંડિત ઓમકારનાથ ઠાકુર સ્મૃતિ સ્પર્ધામાં ભાગ લઈ પારિતોષિકો હાંસલ કર્યાં છે. વર્ષ 1992માં ‘સ્પીક મૅકે’ સંસ્થા વતી ગુરુશિષ્ય પરંપરા હેઠળ ‘ધ્રુપદ-ધમાર’ શાસ્ત્રીય ગાયનશૈલીના જાણીતા ગાયક કલાકાર ઉસ્તાદ ઝિયા ફકરુદ્દીન ડાગરસાહેબ પાસે તાલીમ પ્રાપ્ત કરી. 1994માં આકાશવાણીના રાજકોટ કેન્દ્રના સુગમ સંગીતના કલાકાર તરીકે માન્યતા પ્રાપ્ત કરી. 1997–98માં ઝી–ટી.વી. ચૅનલ પર આયોજિત સંગીત સ્પર્ધા ‘સા….રે….ગ….મ’ની અંતિમ સ્પર્ધા તથા મેગા ફાઇનલમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત, ઝી – ટી.વી.ના ગુજરાત ચૅનલ દ્વારા તથા ઈ – ટી.વી. દ્વારા પ્રસ્તુત ‘સૂર પંચમને મેળે’ શીર્ષક હેઠળ પ્રસ્તુત કરવામાં આવેલ સુગમ સંગીતની સ્પર્ધાનું સંચાલન કર્યું. લોકપ્રિય બનેલા હિંદી ચલચિત્ર ‘દેવદાસ’ના શીર્ષક-ગીતનું પ્રસ્તુતીકરણ તેમણે કર્યું અને તે દ્વારા ચલચિત્ર-જગતમાં ગાયક કલાકાર તરીકે પ્રવેશ કર્યો. 2006માં ગુજરાતી ચલચિત્રના ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે પારિતોષિક મેળવ્યું. ‘સંપૂર્ણ ભગવદગીતા’ શીર્ષક હેઠળ શ્રીમદ્ ભગવદગીતા ગ્રંથના ગુજરાતી અનુવાદને ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગોમાં સૌપ્રથમ વાર ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરવામાં તેમણે સફળતા મેળવી.

પાર્થિવ ગોહિલ

અત્યાર સુધી (2008) તેમની વિવિધ પ્રકારના સંગીતની સાત સીડી/કૅસેટો બહાર પડી છે. ઉપરાંત દેશવિદેશમાં તેમના વિવિધ પ્રકારના સંગીતને લગતા જાહેર કાર્યક્રમો સતત થયા કરે છે. તેમણે હવે મુંબઈ નગરીને પોતાની કર્મભૂમિ બનાવી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે