ગોસ્વામી, ચુન્ની (જ. 15 જાન્યુઆરી 1938, કૉલકાતા; અ. 30 એપ્રિલ 2020 કોલકાતા) : ફૂટબૉલના ભારતીય ખેલાડી. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં તેમનું નામ તેમની સિદ્ધિ માટે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. અસલ નામ સુબિમલ ગોસ્વામી. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. પોતાના બાળપણના દિવસોમાં મિત્રોને ફૂટબૉલ રમતા જોઈ તેમણે પણ ફૂટબૉલ રમવાનું શરૂ કરેલું. મોહન બાગાનના અધિકારીઓ તેમની રમત જોઈને પ્રભાવિત થયા હતા. ચુન્નીની ઉંમર ફક્ત 16 વર્ષની હતી ત્યારે, એટલે કે 1954માં જ મોહન બાગાનની ટીમમાં પસંદ થઈ ત્યારથી તેમણે લીગ મૅચોમાં ગોલ કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારપછી મોહન બાગાનની ટીમના કૅપ્ટન તરીકે ફરજો બજાવી અને ભારતમાં યોજાતી બધા જ પ્રકારની ટૂર્નામેન્ટમાં મોહન બાગાનને તેમણે વિજય અપાવ્યો હતો.
1955થી તેમણે નૅશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 1960માં બંગાળની ટીમના કૅપ્ટન બન્યા હતા. 1960ના વર્ષ દરમિયાન રોમ ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા ગયેલી ભારતીય ફૂટબૉલ ટીમના ખેલાડી તરીકે તે પસંદગી પામ્યા હતા.
1956ના મેલબૉર્ન ઑલિમ્પિક રમતોત્સવમાં ચુન્ની ભારતીય ફૂટબૉલ ટીમમાં પસંદગી પામ્યા ન હતા; પરંતુ 1958માં ટોકિયોના એશિયન રમતોત્સવમાં ભારતીય ટીમ તરફથી તે રમ્યા હતા. ત્યારબાદ ઑલ ઇન્ડિયા કમ્બાઇન્ડ યુનિવર્સિટી ફૂટબૉલ ટીમના કૅપ્ટન બનીને કાબુલમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સેઇડમાં ભાગ લીધો હતો. 1962માં ચુન્નીની ભારતીય ટીમના કૅપ્ટન તરીકે પસંદગી થઈ અને 80 જેટલી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ મૅચોમાં 500 કરતાં પણ વધુ ગોલ કરવાનું બહુમાન તેમણે મેળવ્યું હતું.
1962માં જાકાર્તામાં એશિયાઈ રમતોત્સવમાં ભારતની જે ફૂટબૉલ ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું એ ટીમના તે કૅપ્ટન હતા. તેમના નેતૃત્વ હેઠળ તેલ-અવીવની એશિયાઈ કપ અને કુઆલાલમ્પુરની મર્ડેકા કપ હરીફાઈમાં ભારતીય ટીમ બીજું સ્થાન મેળવી શકી હતી.
1962 અને 1964માં ચુન્નીને એશિયાના સર્વશ્રેષ્ઠ ફૉરવર્ડ ખેલાડી જાહેર કરાયા હતા.
ચુન્ની ફૂટબૉલના સારા ખેલાડી તો હતા જ; પરંતુ સાથે સાથે ક્રિકેટ પણ સારું રમતા હતા. બંગાળની ક્રિકેટ ટીમમાંથી તે રણજી ટ્રૉફી મૅચો રમતા હતા. 1966માં પૂર્વ અને મધ્ય ઝોનની ક્રિકેટ ઇલેવનમાં પસંદ કરાયા હતા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે રમ્યા હતા.
1963માં ચુન્નીને ભારત સરકાર તરફથી અર્જુન ઍવૉર્ડ અપાયો હતો. 1962માં જાકાર્તામાં યોજાયેલ એશિયાઈ રમતોત્સવમાં ભારત વિરોધી વાતાવરણ હોવા છતાં ભારતીય ફૂટબૉલ ટીમે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. તે અવસરને તે પોતાના જીવનનો સૌથી સારો અને ગૌરવભર્યો અવસર માને છે.
જાકાર્તામાં સેમીફાઇનલમાં વિયેટનામ સામે રમતાં ચુન્નીએ આશરે 23 મીટર દૂરથી ગોલ કરેલ. તે ગોલ તેમના જીવનનો સર્વશ્રેષ્ઠ ગોલ હતેા તેવું તેમનું માનવું છે.
હર્ષદભાઈ પટેલ