ગોસ્વામી, જય (જ. 10 નવેમ્બર 1954, કૉલકાતા, બંગાળ) : બંગાળી કવિ અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગલી તોમાર સંગે’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પત્રકારની હેસિયતથી ‘આનંદ બજાર સમાચારપત્ર’ સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં મુખ્ય આ છે : ‘પ્રત્નજીવ’ (1978), ‘ઉન્માદેર પાઠક્રમ’ (1986), ‘ઓહ સ્વપ્ન’, ‘ભૂતુમ ભગવાન’ તેમના કાવ્યસંગ્રહો છે. ‘મનોરામેર’ અને ‘સેઇ સબ સેયાલેરા જારા વૃષ્ટિતે ભિજેછિલા’ તેમની નવલકથાઓ છે.

જય ગોસ્વામી

તેમને બે વાર આનંદ પુરસ્કારથી, બાંગ્લા અકાદમી પુરસ્કાર અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘પાગલી તોમાર સંગે’ તેમની સર્જનાત્મક ક્ષમતાનું સર્વોત્તમ નિદર્શન છે, જેમાં બંગાળી ભાષાની મહાન લયાત્મક પરંપરા વ્યક્ત થાય છે. આ સંગ્રહનાં કાવ્યો માત્ર પ્રેમપ્રવણ હોવા સાથે આનંદ અને વિષાદથી સભર છે અને એ રીતે આ સંકલન આધુનિક બંગાળી ગીતવિધાનું પ્રતિનિધિ-સંકલન બની રહ્યું હોવાથી બંગાળીમાં લખાયેલ ભારતીય કવિતાના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાનરૂપ છે.

બળદેવભાઈ કનીજિયા