ગોળવલકર, માધવ સદાશિવ (જ. 19 ફેબ્રુઆરી 1906, નાગપુર; અ. 5 જૂન 1973, નાગપુર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘસંચાલક તથા હિંદુત્વની વિચારસરણીને વરેલા રાષ્ટ્રવાદી સંગઠક. પિતા પ્રથમ ડાકતાર ખાતામાં અને પછી શિક્ષક. માતા લક્ષ્મીબાઈ. મહારાષ્ટ્રના કોંકણ ભૂભાગનું ગોળવલી ગામ એ તેમનું મૂળ વતન, જેના પરથી કુટુંબનું ‘ગોળવલકર’ નામ પડ્યું.

તત્કાલીન મધ્યપ્રાંતના સરાયપલ્લી ગામમાં પ્રાથમિક શિક્ષણ પછી 1922માં ચંદ્રપુર જિલ્લાના ચાંદા હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ શિક્ષણનાં પ્રથમ બે વર્ષ નાગપુર ખાતેની હિસ્લૉપ કૉલેજમાં અને તે પછી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી 1926માં બી.એસસી. તથા 1928માં પ્રાણીશાસ્ત્ર વિષય સાથે એમ.એસસી.ની પરીક્ષાઓ પ્રથમ વર્ગમાં પાસ કરી. તે દરમિયાન અંગ્રેજી, હિંદી અને મરાઠી આ ત્રણે ભાષાઓમાં વક્તૃત્વ અને લેખનમાં નૈપુણ્ય પ્રાપ્ત કર્યું તથા પારિતોષિકો મેળવ્યાં. વ્યાયામ અને રમતગમત ઉપરાંત સંગીત અને અધ્યાત્મનો વ્યાસંગ કેળવ્યો. 1930–33 દરમિયાન બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપકના પદ પર કામ કર્યા પછી નાગપુર પાછા આવ્યા, જ્યાં કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કર્યા પછી વકીલાત શરૂ કરી; પરંતુ 1936માં નાગપુર છોડી બંગાળના સારગાલી ખાતેના રામકૃષ્ણ આશ્રમમાં જોડાયા અને દીક્ષા ગ્રહણ કરી. 1937માં ફરી નાગપુર પાછા આવ્યા.

માધવ સદાશિવ ગોળવલકર

1930માં તેઓ બનારસમાં પ્રાધ્યાપક હતા તે દરમિયાન પહેલી વાર તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા. નાગપુર પાછા ફર્યા ત્યારથી આ સંગઠનની પ્રવૃત્તિમાં સક્રિય રસ લેતા થયા અને 1939થી તેમણે તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠનને અર્પણ કર્યું. સંગઠનના સંસ્થાપક ડૉ. બળિરામ હેડ્ગેવારે તેમને સંઘના પ્રથમ સરકાર્યવાહક બનાવ્યા. 1940માં હેડ્ગેવારનું અવસાન થતાં ગોળવલકર સંઘના દ્વિતીય સરસંઘચાલક બન્યા.

1948માં મહાત્મા ગાંધીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તથા 1 ફેબ્રુઆરી, 1948ના રોજ ગોળવલકરની ધરપકડ કરવામાં આવી. તે જ વર્ષે ઑગસ્ટમાં ગોળવલકરને કારાવાસમાંથી બિનશરત મુક્ત કરવામાં આવ્યા, છતાં સંઘ પરનો પ્રતિબંધ ચાલુ રહ્યો જે ઉઠાવી લેવા માટે ગોળવલકરે દેશવ્યાપી સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો. 12 જુલાઈ, 1949ના રોજ સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. તે પછી ગોળવલકરે સંઘના પ્રચારાર્થે સમગ્ર દેશનો પ્રવાસ ખેડ્યો તથા સંગઠનને સમાજસેવાનો ઓપ આપ્યો જેના ભાગ રૂપે કૉલકાતા ખાતે વસ્તુહારા સહાય સમિતિ, આસામના ભૂકંપ પીડિતો માટે સહાય સમિતિ, બિહારના દુષ્કાળગ્રસ્ત લોકો માટે રાહતકાર્યો, ગોહત્યા પ્રતિબંધ આંદોલન વગેરેનું સંચાલન કર્યું. ઉપરાંત કનયાકુમારી ખાતે વિવેકાનંદ સ્મારકની સ્થાપના તથા 1964માં વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના કરી.

તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વર્તુળમાં ‘ગુરુજી’ નામથી જાણીતા હતા.

વિઠ્ઠલ માધવ પાગે

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે