ગોળમેજી પરિષદો : બ્રિટિશ સરકારે 1919ના મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારામાં ફેરફાર સૂચવવા માટે 1927માં નિયુક્ત કરેલ સાઇમન કમિશને કરેલી ભલામણ અનુસાર ભારતના ભાવિ બંધારણ, જવાબદાર રાજ્યતંત્ર તથા પ્રાંતિક સ્વરાજ્યનું સ્વરૂપ નિશ્ચિત કરવા માટે લંડનમાં જેમ્સ મહેલમાં 1930, 1931, તથા 1932માં બોલાવેલી પરિષદો. તેમાં બ્રિટિશ હિંદના રાજકીય પક્ષો, દેશી રાજાઓ તથા ઇંગ્લૅન્ડના ત્રણ રાજકીય પક્ષો(રૂઢિચુસ્ત, મજૂર તથા લિબરલ)ના પ્રતિનિધિઓને નિમંત્રવામાં આવ્યા હતા; પરંતુ આ સમયે ભારતમાં સવિનય કાનૂનભંગની લડત (1930) ચાલતી હોવાથી હિંદી રાષ્ટ્રીય મહાસભા(કાગ્રેસ)ના કોઈ પ્રતિનિધિ પ્રથમ ગોળમેજી પરિષદમાં હાજર રહ્યા નહોતા એટલે ભારતનું પ્રતિનિધિત્વ પરિષદમાં તદ્દન પાંખું રહ્યું હતું.
પ્રથમ ગોળમેજી પરિષદ (12–11–1930થી 19–1–1931) : ઇંગ્લૅન્ડના રાજા જ્યૉર્જ પાંચમાએ 12–11–1930ના રોજ પરિષદનું ઉદઘાટન કર્યું. ઇંગ્લૅન્ડના મજૂર પક્ષના વડાપ્રધાન રામ્સે મૅકડોનાલ્ડના પ્રમુખપદે મળેલી આ પરિષદમાં કુલ 89 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાં બ્રિટિશ હિંદના કાગ્રેસ સિવાયના રાજકીય પક્ષોના 57, દેશી રાજાઓના 16 તથા ઇંગ્લૅન્ડના ત્રણ રાજકીય પક્ષોના 16 પ્રતિનિધિઓ હતા. મુસ્લિમ પ્રતિનિધિઓની પસંદગી વાઇસરૉયની કારોબારીના મુસ્લિમ સભ્ય ફઝલી હુસેનની ભલામણ મુજબ કરાઈ હતી અને તેમાં એક પણ રાષ્ટ્રવાદી મુસ્લિમને સ્થાન અપાયું ન હતું.
પ્રથમ ગોળમેજી પરિષદની કાર્યસૂચિના મુદ્દાઓના હિંદને આપવાના (1) સમવાયી ઢબના બંધારણ, (2) સાંસ્થાનિક સ્વરાજ્ય, (3) કેન્દ્રમાં જવાબદાર રાજ્યતંત્ર તથા (4) પ્રાંતિક સ્વરાજ્યના સ્વરૂપ વિશેની ચર્ચા-વિચારણા મુખ્ય ગણાવી શકાય.
ઇંગ્લૅન્ડના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમાં વિશેષ અપવાદો તથા નિયંત્રણો મૂકવાના અભિપ્રાયના હતા, જ્યારે હિંદી પ્રતિનિધિઓ તેમાં ઓછામાં ઓછા અપવાદો રાખવાના મતના હતા. બ્રિટિશ પ્રતિનિધિઓએ હિંદને સ્વશાસન તથા કેન્દ્રમાં જવાબદાર રાજ્યતંત્ર આપવાની માગણીને વહેલી તેમજ કસમયની ગણાવી. તેમણે કેન્દ્ર સરકારને કેન્દ્રીય ધારાસભાને જવાબદાર બનાવવાની માગણીનો પણ વિરોધ કર્યો, જ્યારે હિંદી પ્રતિનિધિઓ તેજબહાદુર સપ્રુ, એમ. આર. જયકર, મહંમદઅલી ઝીણા વગેરેએ હિંદને સ્વશાસન, સમવાયતંત્ર, જવાબદાર રાજ્યતંત્ર તથા પ્રાંતિક સ્વરાજ્ય આપવાની માગણીની પ્રબળ રજૂઆત કરી. બિકાનેરના મહારાજા, ભોપાલના નવાબ વગેરે રાજવી પ્રતિનિધિઓએ પણ હિંદી પ્રતિનિધિઓની માગણીને ટેકો આપ્યો. ચોક્કસ અપવાદો સાથે હિંદને પ્રાંતિક સ્વરાજ્ય આપવા સંબંધમાં પ્રતિનિધિઓમાં ખાસ મતભેદ હતા નહિ.
ત્યારબાદ સમવાયી બંધારણ, જવાબદાર રાજ્યતંત્ર, પ્રાંતિક સ્વરાજ્ય, લઘુમતીઓનું પ્રતિનિધિત્વ, મતદાનપદ્ધતિ વગેરેને લગતી વિગતો નક્કી કરવા અલગ અલગ પેટાસમિતિઓ નિયુક્ત કરવામાં આવી, જેમણે પોતાનો અહેવાલ થોડા દિવસમાં જ આપી દીધો; પરંતુ તેમાં ઝીણા તેમજ અન્ય મુસ્લિમ પ્રતિનિધિઓએ મુસ્લિમો માટે, ડૉ. આંબેડકરે દલિત વર્ગ માટે, શીખ પ્રતિનિધિઓએ શીખો માટે અને ઍંગ્લો-ઇન્ડિયન, ઇન્ડિયન ખ્રિસ્તી તથા યુરોપિયન પ્રતિનિધિઓએ પોતપોતાની કોમો માટે વિશેષ પ્રતિનિધિત્વ (weightage) સાથે અલગ મતદારમંડળની માગણી કરતાં પ્રશ્નનો ઉકેલ મુશ્કેલ બન્યો. સપ્રુ અને જયકરે સંયુક્ત કે મિશ્ર પ્રકારનાં મતદારમંડળોની કરેલી રજૂઆતનો છેવટે અસ્વીકાર કરવામાં આવ્યો. વાઇસરૉયની કારોબારીના સભ્ય ફઝલી હુસેનના ખાસ સંદેશાએ મુસ્લિમ પ્રતિનિધિઓની ઉપર દર્શાવેલી આગ્રહભરી માગણીમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. આમ બ્રિટિશ સરકારનો હિંદને વિશેષ વિભાજિત કરવાનો હેતુ આ પરિષદમાં સફળ થયો.
આશરે 67 દિવસની કાર્યવહી બાદ 19મી જાન્યુઆરી, 1931ના રોજ પરિષદનું સમાપન કરતાં વડાપ્રધાન મૅકડોનાલ્ડે જાહેર કર્યું કે બ્રિટિશ સરકારનું ધ્યેય હિંદને ચોક્કસ અપવાદો અને સલામતીઓ સાથે સાંસ્થાનિક સ્વરાજ્ય તથા જવાબદાર રાજ્યતંત્ર આપવાનું, બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજાઓના પ્રતિનિધિઓનું બનેલું દ્વિગૃહી સમવાયતંત્ર રચવાનું તથા અમુક જોગવાઈઓ અને લઘુમતીઓનાં હિતોની બાંયધરીઓ સાથેનું પ્રાંતિક સ્વરાજ્ય દાખલ કરવાનું છે.
બીજી ગોળમેજી પરિષદ (15–9–1931 થી 11–2–1931) : પ્રથમ ગોળમેજી પરિષદ દરમિયાન હિંદમાં સવિનય કાનૂનભંગની લડત ચાલતી હોવાથી કાગ્રેસે તેમાં ભાગ લીધો ન હતો; પરંતુ બ્રિટિશ તથા હિંદની સરકારને કૉંગ્રેસની હાજરી પરિષદની સફળતા માટે અનિવાર્ય લાગતાં સરકાર અને કૉંગ્રેસ વચ્ચે સમાધાનના પ્રયત્નોના પરિણામે ગાંધી-અર્વિન કરાર થયા (5મી માર્ચ 1931) અને કૉંગ્રેસે પોતાના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીને બીજી ગોળમેજી પરિષદમાં મોકલવાનું ઠરાવ્યું. પ્રથમ પરિષદના લગભગ મોટા ભાગના પ્રતિનિધિઓ ઉપરાંત અન્ય ખાસ નોંધવાલાયક પ્રતિનિધિઓમાં ગાંધીજી, કવિ મહંમદ ઇકબાલ, હિંદી ખ્રિસ્તીઓ વતી એસ. કે. દત્ત તથા હિંદના ઉદ્યોગપતિઓ તરફથી જી. ડી. બિરલા હતા.
પરિષદની કામગીરી મુખ્યત્વે બે સમિતિઓ : (1) સમવાયતંત્રના માળખાને લગતી સમિતિ તથા (2) લઘુમતીઓના પ્રતિનિધિત્વને લગતી સમિતિ મારફત કરવામાં આવી. ગાંધીજી બંને સમિતિઓના સભ્ય હતા. ગાંધીજીએ હિંદનું ભાવિ બંધારણ સમવાયી રાખવાના સ્વીકાર સાથે નાણાતંત્ર, લશ્કર, સંરક્ષણ તથા પરરાજ્ય બાબતો પરના અંકુશ સહિત કેન્દ્રમાં સંપૂર્ણ જવાબદાર રાજ્યતંત્ર અને પ્રાંતોમાં પૂર્ણત: પ્રાંતિક સ્વરાજ્ય તાત્કાલિક અમલમાં મૂકવાની સબળ રજૂઆત કરી; પરંતુ ઝીણા તેમજ રાષ્ટ્રવાદી મુસ્લિમો સહિતના મુસ્લિમ પ્રતિનિધિઓએ મુસ્લિમો માટેનાં અલગ મતદારમંડળો તેમજ કેન્દ્ર અને પ્રાંતોમાં અમુક પ્રમાણ (weightage) સાથેના મુસ્લિમ પ્રતિનિધિત્વનો સ્વીકાર થાય તો જ ગાંધીજીની દરખાસ્તને ટેકો આપવાની ખુશી બતાવી. વળી, હિંદુ સિવાયના અન્ય કોમોના પ્રતિનિધિઓએ પણ પોતપોતાની કોમો માટે સમવાયતંત્રમાં ખાસ જોગવાઈઓની માગણી કરતાં ગાંધીજીની દરખાસ્ત નિષ્ફળ ગઈ.
લઘુમતીઓના પ્રતિનિધિત્વને લગતી સમિતિની કાર્યવહીમાં ગાંધીજીને સૌથી મોટી નિરાશા સાંપડી. હિંદુ સિવાયના પ્રત્યેક કોમના પ્રતિનિધિઓ પોતાની કોમ માટે અલગ મતદારમંડળ તેમજ લઘુમતીઓનાં હિતોનાં રક્ષણ માટે ખાસ જોગવાઈઓનો આગ્રહ રાખતા, જુદી જુદી કોમોના પ્રતિનિધિઓ વચ્ચે એકતા સાધવાનો તેમજ ભારતની રાષ્ટ્રીયતાને અખંડપણે જાળવી રાખવાના ગાંધીજીના સર્વે પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. આમાં બ્રિટિશ પ્રતિનિધિઓ, બ્રિટિશ સરકાર તથા કોમી અને વર્ગીય તત્વો મોટા ભાગે જવાબદાર હતાં તેમ બ્રિટિશ પ્રતિનિધિઓના ગુપ્ત પરિપત્ર પરથી પુરવાર થાય છે.
કોમી ચુકાદો અને પૂના (પુણે) કરાર : બીજી ગોળમેજી પરિષદમાં હિંદી પ્રતિનિધિઓ ધારાસભામાં લઘુમતીઓના પ્રતિનિધિત્વના પ્રશ્ન પરત્વે સર્વસંમતિ સાધી શક્યા નહિ, એટલે ઇંગ્લૅન્ડના વડાપ્રધાન રામ્સે મૅકડોનાલ્ડે 17મી ઑગસ્ટ, 1932ના રોજ પોતાની સરકાર વતી કોમી ચુકાદો જાહેર કર્યો, જેમાં અન્ય કોમો અને વર્ગો ઉપરાંત દલિત વર્ગોને પણ અલગ મતદારમંડળો આપવામાં આવ્યાં. આ સમયે સવિનય કાનૂનભંગની લડતનો બીજો તબક્કો ચાલતો હોવાથી ગાંધીજી પુણેની યરવડા જેલમાં હતા, જ્યાં તેમણે આ ચુકાદા સામે આમરણ ઉપવાસ જાહેર કર્યા. ગાંધીજીનું જીવન બચાવવા દલિત વર્ગોના નેતા ડૉ. આંબેડકર તથા કૉંગ્રેસના નેતાઓ વચ્ચે થયેલી વાટાઘાટોને પરિણામે સપ્ટેમ્બર 1932માં પુણે કરાર થયા, જે અનુસાર પ્રાંતિક ધારાસભાઓમાં પછાત જાતિઓને હિસ્સે આવતી બેઠકો કરતાં લગભગ બમણી બેઠકો તેમને ફાળવવાનો કૉંગ્રેસે સ્વીકાર કર્યો. આથી ડૉ. આંબેડકરે પછાત જાતિઓ માટેનાં અલગ મતદારમંડળનો આગ્રહ જતો કર્યો. આ ચુકાદા તેમજ કરારની અસર ટૂંકમાં મળનારી ત્રીજી ગોળમેજી પરિષદની કાર્યવહી પર પડી.
ત્રીજી ગોળમેજી પરિષદ (17–11–1932થી 24–12 –1932) : ત્રીજી ગોળમેજી પરિષદમાં ફક્ત 46 પ્રતિનિધિઓએ હાજરી આપી. સવિનય કાનૂનભંગની લડતના બીજા તબક્કાને લીધે કૉંગ્રેસે પણ તેનો બહિષ્કાર કર્યો. સૂચિત સમવાયતંત્રની નાણાકીય જોગવાઈ માટે સૂચનો કરવા રચાયેલી પર્સી સમિતિ, સમવાયતંત્રમાં દેશી રાજાઓને સામેલ કરવા તથા તેમના પ્રતિનિધિત્વને લગતી ભલામણો સૂચવવા નિયુક્ત થયેલી ડેવિડસન સમિતિ અને મતદાનપદ્ધતિની ભલામણો કરવા નિમાયેલી લોધિયન સમિતિની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો, કેન્દ્ર અને પ્રાંતો વચ્ચેના સંબંધો નિશ્ચિત કરવામાં આવ્યા તેમજ કેન્દ્ર અને પ્રાંતીય વિષયો સંબંધી પણ નિર્ણયો લેવામાં આવ્યા. અગાઉની બંને ગોળમેજી પરિષદોના ઠરાવોને બહાલી આપવામાં આવી. અલગ સમવાયી અદાલત, અલગ રેલવેતંત્ર તથા અલગ રિઝર્વ બૅંકની સ્થાપના કરવાનું ઠરાવવામાં આવ્યું. ત્રણે ગોળમેજી પરિષદોના નિર્ણયોના સારરૂપ કહી શકાય કે બ્રિટિશ સરકારે હિંદનું સ્વરાજ્ય ઢીલમાં મૂકવા તથા તેમાં વિઘ્નો ઊભાં કરવા હિંદનાં રાષ્ટ્રીય તત્વોને બદલે કોમી, વર્ગીય, પ્રત્યાઘાતી તથા રાજાશાહી તત્વોને ખાસ પ્રાધાન્ય આપ્યું હતું.
ર. ક. ધારૈયા