ગોળ ગુંબજ, બિજાપુર : મહંમદ આદિલશાહનો મકબરો. 1626થી 56માં બિજાપુર સલ્તનત દરમિયાન બંધાયેલ આ ઇમારત એક જ ભવ્ય ઘુમ્મટ નીચે બંધાયેલી હોવાને લીધે ગોળ ગુંબજ તરીકે ઓળખાય છે. દુનિયાનો આ સૌથી વધારે વિસ્તાર ધરાવતો, સૌથી વિશાળ ઘુમ્મટ છે. આના બાંધકામની રચના અત્યંત કાબેલિયત ધરાવે છે. ઘુમ્મટનું વજન અને વિશાળતા ઝીલવા માટે એકબીજીને છેદતી સંખ્યાબંધ કમાનો દ્વારા આયોજન કરી બધું વજન તેની વિશાળ સમચોરસ દીવાલોથી બંધાયેલ ઇમારત પર લેવામાં આવ્યું છે.

ગોળ ગુંબજ, બિજાપુર

ઇમારતના ખૂણા અષ્ટકોણાકાર મિનારાથી ટેકવાયા છે. ઘુમ્મટની નીચે અને કમાનોની ઉપરના ભાગમાં ગોળાકાર ફરી શકાય તેવી ભ્રમણી (whispering gallery) છે. ઘુમ્મટની જાડાઈ તેના પાયા પાસે લગભગ 10 ફૂટ જેટલી છે જેમાં થઈને આ ભ્રમણી પર જવાય છે. ઘુમ્મટની અંદરની વિશાળતાને લઈને ભ્રમણીમાં નાનામાં નાના અવાજના લગભગ સાત વાર પડઘા પડે છે, જેમાં અવાજની માત્રા પણ વધતી જાય છે.

આ ઘુમ્મટનો વ્યાસ 39.2 મી. છે અને નીચેની ઇમારતનો વિસ્તાર 41.3 મી. સમચોરસ છે જે રૉમના પૅન્થિયનથી પણ મોટો છે. ઘુમ્મટનો પાયો 54.3 મી.ની ઊંચાઈએ આવેલ છે. આ હકીકત લક્ષમાં લેતાં આ ઇમારતના બાંધકામની ભવ્યતા તથા કાબેલિયતભરી ઇજનેરી કૌશલનો ખ્યાલ આવે છે.

રવીન્દ્ર વસાવડા