ગોલપારા (Goalpara) : અસમ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 25´ ઉ. અ. અને 89° 25´ પૂ. રે. આજુબાજુનો 1824 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બ્રહ્મપુત્ર નદીથી અલગ પડતા ધુબરી, બૉંગાઇગાંવ અને બારપેટા જિલ્લા તથા દક્ષિણ તરફ મેઘાલય રાજ્યની સીમા આવેલાં છે. જિલ્લામથક ગોલપારા જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે.

ગોલપારા જિલ્લો

ભૂપૃષ્ઠજંગલોઆબોહવાજળપરિવાહ : જિલ્લાની આજુબાજુ ગારો ટેકરીઓ તેમજ અન્ય પર્વતો આવેલા છે. જમીનો પોચી અને રેતાળ છે. અહીંના પહાડી પ્રદેશમાં સદાહરિત પર્ણપાતી જંગલો આવેલાં છે. આ જંગલોમાં સાલ, સાગ, ખેર, સીસમ તથા અન્ય વૃક્ષો જોવા મળે છે. અહીંનાં જંગલોને અનામત જંગલો તથા બિનવર્ગીકૃત જંગલોમાં વિભાજિત કરેલાં છે. અહીંનાં જંગલોમાં ગેંડા, હાથી, જંગલી ભેંસ, વાઘ, દીપડા, રીંછ જેવાં જંગલી પ્રાણીઓ પુષ્કળ છે.

ભૂસ્તરીય દૃષ્ટિએ આ વિસ્તાર માટે ભૂકંપને પાત્ર પ્રદેશ ગણાય છે; તેનો દક્ષિણ વિભાગ ‘ભૂકંપનિર્ગમન કેન્દ્ર’નો પટ્ટીવિસ્તાર ગણાય છે.

અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. મોસમ પ્રમાણે તાપમાન 17° સે.થી 28.5° સે. વચ્ચે બદલાતું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 2280 મિમી. જેટલો પડે છે. 1900માં ફૂંકાયેલા વિનાશક વાવાઝોડાને કારણે અકલ્પ્ય તારાજી સર્જાઈ હતી. બ્રહ્મપુત્ર અહીંની મુખ્ય નદી છે.

ખેતીપશુપાલન : ડાંગર અહીંનો મુખ્ય પાક છે, તે વર્ષમાં ત્રણ વાર – ઉનાળામાં, શિયાળામાં અને શરદઋતુમાં  લેવાય છે. આ ઉપરાંત અન્ય મુખ્ય પાકોમાં ચા, શણ, રાઈ, ઘઉં અને કપાસ થાય છે. અહીં બધી જાતનાં કઠોળ  – મુખ્યત્વે મગ, મસુર, તુવેર – પણ થાય છે. સપાટ પ્રદેશમાં ઘાસ ઊગે છે.

ગાયો, ભેંસો, બળદ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ અહીંનાં મુખ્ય પશુઓ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે; માછલીઓ તથા રેશમના કીડા પણ ઉછેરવામાં આવે છે. જિલ્લામાં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો આવેલાં છે.

ઉદ્યોગોવેપાર : જિલ્લાના પહાડી પ્રદેશમાંથી થોડા પ્રમાણમાં મૅગ્નેટાઇટ, સીસું તેમજ માર્ગ બાંધકામ માટેના ક્વાર્ટઝાઇટ મળે છે. જિલ્લામાં ખાદ્યપેદાશોના, સુતરાઉ કાપડના, લાકડાં અને લાકડાની પેદાશોના, અધાત્વિક ખનિજ પેદાશોના તથા વીજળીના ઔદ્યોગિક એકમો આવેલા છે. અહીં બોંગાઇગાંવના સહયોગમાં નાના પાયા પરના ઘણા એકમો વિકસ્યા છે. જિલ્લામાં 4 હાથસાળ તાલીમકેન્દ્રો, 3 વણાટકામના વિસ્તરણસેવા એકમો તથા 1 હાથસાળ ઉત્પાદન કેન્દ્ર ઊભાં કરાયાં છે. અહીં આવેલી અશોક પેપર મિલ્સ લિ.માં કાગળ (લખવાના, છાપકામના) તથા કાગળનો માવો તૈયાર થાય છે.

ગોલપારા અને લખીમપુર આ જિલ્લાનાં મુખ્ય વેપારી મથકો છે. ડાંગર, શણ અને તેલીબિયાંની અહીંથી નિકાસ કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : જિલ્લામાં રેલમાર્ગ, સડકમાર્ગ અને જળમાર્ગની સગવડ ઉપલબ્ધ છે. સડકમાર્ગોની કુલ લંબાઈ 1078 કિમી. જેટલી છે, તે પૈકી 96 કિમી.ના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 97 કિમી.ના રાજ્ય ધોરીમાર્ગો અને 885 કિમી.ના PWD માર્ગો આવેલા છે. રાજ્ય પરિવહનની બસો જિલ્લાના જુદા જુદા ભાગોમાં અવરજવર કરે છે.

ગોલપારા ધોરીમાર્ગ દ્વારા ગુઆહાટી અને ધુબરી શહેરો સાથે જોડાયેલું છે. બ્રહ્મપુત્ર નદીના જળમાર્ગને કારણે અહીંથી ઘણી વસ્તુઓ બહાર જાય છે.

ગોલપારા નગર ખાતે તેમજ ટેકરીઓ પર ઘણાં મંદિરો આવેલાં છે. ગોલપારાથી 14 કિમી. અંતરે આવેલા સૂર્ય પહાડ ખાતે ઘણાં શિવલિંગ, સૂર્યમંદિર, જૈન-તીર્થંકરોની મૂર્તિઓ આવેલાં છે. અહીં બુદ્ધ, દુર્ગા, ગણેશ અને ચંદ્રની મૂર્તિઓ પણ છે. ક્રિશ્નાઈ ખાતે તુક્રેશ્વરી દેવાલય, તળાવ અને ઝરો આવેલાં છે. લખીમપુરમાં એક જૂનું શિવમંદિર અને જૂની મસ્જિદ છે. અહીંનાં શિવમંદિરોમાં શિવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે. વર્ષમાં બીજા કેટલાક ઉત્સવો પણ અહીં યોજાય છે.

વસ્તીલોકો : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 11,06,729 જેટલી છે, તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90% અને 10% જેટલું છે. જિલ્લામાં આસામી ભાષા બોલાય છે. અહીં ખ્રિસ્તી, હિન્દુ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે, જ્યારે જૈન, શીખ અને બૌદ્ધ લોકોની વસ્તી ઓછી છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 50% જેટલું છે. શહેરોમાં 70% અને ગામડાંઓમાં તે 45% જેટલું છે. જિલ્લાનાં 745 ગામોમાંથી 678 ગામોમાં એક કે બીજા પ્રકારની શિક્ષણ-સુવિધા છે. મોટા ભાગનાં ગામો પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સંસ્થાઓ ધરાવે છે. 3 જેટલાં પ્રૌઢ શિક્ષણકેન્દ્રો પણ છે. ગોલપાડા ખાતે 8 કૉલેજો આવેલી છે. દવાખાનાં, ચિકિત્સાલયો, પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો, કુટુંબકલ્યાણ-કેન્દ્રોની સગવડ પણ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને  ઉપવિભાગ,  સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં બે નગરો અને 834  ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ગોલપારા જિલ્લો સદીઓથી અલગ રાજકીય એકમ ન હતો. ભારતના પૂર્વના પ્રદેશોમાં વિવિધ રાજ્યો જુદા જુદા સમયે સ્થપાયાં તે મુજબ તેનો ઇતિહાસ મેળવી શકાશે. મહાભારતમાં જણાવ્યા પ્રમાણે આ પ્રદેશ કામરૂપનું પ્રાચીન હિંદુ રાજ્ય હતું. નરકાસુર, ભાગદત્ત વગેરે રાજાઓ ત્યાં થઈ ગયા. તે પછી અનાર્ય જાતિના રાજાઓ આ પ્રદેશ પર શાસન કરી ગયા. 10મી તથા 11મી સદીઓ દરમિયાન પાલવંશના શક્તિશાળી રાજાઓ આ વિસ્તારમાં શાસન કરતા હતા. 17મી સદીમાં મુર જુમલાએ પ્રાણ નારાયણને હરાવી અહોમ શાસકોનું પાટનગર ગોરગાંવ કબજે કર્યું. ત્યારથી 1965માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કબજામાં ગયું ત્યાં સુધી, તે મુસલમાનોના અંકુશમાં રહ્યું. અંગ્રેજોએ તેના કાર્યક્ષેત્રમાં વખતોવખત ફેરફારો કર્યા. આસામનો અલગ વહીવટી એકમ 1874માં બન્યો ત્યારે તે નવા પ્રાંતમાં સમાવ્યો. 1947માં દેશ સ્વતંત્ર થયો, તે પછી ત્યાં લોકશાહી સરકારની સ્થાપના થઈ.

જૈનાબસુલતાના અહમદ સૈયદ

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ