ગૉલ, ચાર્લ્સ આંદ્રે મૅરી, દ

February, 2011

ગૉલ, ચાર્લ્સ આંદ્રે મૅરી, દ (જ. 22 નવેમ્બર 1890, લીલ ફ્રાન્સ; અ. 9 નવેમ્બર 1970, કોલમ્બે) : વિખ્યાત ફ્રેન્ચ સેનાપતિ, રાજદ્વારી મુત્સદ્દી તથા પાંચમા ફ્રેન્ચ પ્રજાસત્તાકના સર્જક અને સર્વસત્તાધીશ નેતા. ઇતિહાસકારો અને સાહિત્યસર્જકોના મધ્યમવર્ગીય કૅથલિક કુટુંબમાં જન્મ. પિતા પૅરિસ ખાતેની જેસ્યુઇટ કૉલેજમાં તત્વજ્ઞાન અને સાહિત્યના પ્રોફેસર. પરંપરાગત શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી 1908માં ગૉલ લશ્કરની તાલીમ આપતી સંસ્થામાં દાખલ થયા. 1911માં ફ્રેન્ચ લશ્કરમાં અધિકારી બન્યા. 1913માં વિખ્યાત ફ્રેન્ચ સેનાપતિ પેતાંની રેજિમેન્ટમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન સાહસ અને નેતૃત્વના ગુણો બતાવી યુદ્ધમોરચે ત્રણ વાર ઘવાયા. 1916માં જર્મન સૈનિકો દ્વારા બંદી બનાવાયા પછી, બે વર્ષ આઠ માસ સુધી યુદ્ધકેદી રહ્યા અને તે દરમિયાન પાંચ વાર નાસી જવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા. 1920–21માં પોલૅન્ડ ખાતે ખાસ લશ્કરી કામગીરીમાં જોડાયા. 1925માં યુદ્ધની સલાહકાર પરિષદ(war council)માં બઢતી મળી. સાથોસાથ લશ્કરની તાલીમ આપતી સંસ્થામાં રણવિદ્યાના ઇતિહાસના અધ્યાપક અને માર્શલ પેતાંના લશ્કરી મદદનીશ જેવી કામગીરી બજાવી. 1940માં જનરલના હોદ્દા પર બઢતી મળી. તે જ વર્ષે જૂનમાં પૉલ રેનાંના મંત્રીમંડળમાં યુદ્ધખાતાના ઉપસચિવ નિમાયા.

18 જૂન 1940ના રોજ એક તરફ ફ્રાન્સના સરસેનાપતિ માર્શલ પેતાં જર્મની સામે શરણાગતિની પેરવી કરતા હતા તે જ સમયે દ ગૉલ ફ્રાન્સ છોડીને વિમાનમાર્ગે ઇંગ્લૅન્ડમાં ઊતર્યા. 23 જૂન, 1940ના રોજ તેમણે ઇંગ્લૅન્ડની ભૂમિ પર ‘ફ્રેન્ચ રાષ્ટ્રીય હકૂમત’ (French National Command)ની સ્થાપના કરી અને તે દ્વારા જર્મની સાથે યુદ્ધનો નવો મોરચો ઊભો કર્યો.

ચાર્લ્સ આંદ્રે મૅરી દ ગૉલ

આ હકૂમતને ઘણી ફ્રેન્ચ વસાહતોનું સમર્થન મળ્યું. સપ્ટેમ્બર, 1941માં લંડન ખાતે સ્વતંત્ર ‘ફ્રેન્ચ રાષ્ટ્રીય પરિષદ’ (council) સંગઠિત કરી, જે વધારે વ્યાપક ઉદ્દેશો ધરાવતી હતી. જર્મની સામે લડત આપનારાં બધાં જ ફ્રેન્ચ જૂથોએ હવે દ ગૉલનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. જૂન 1943માં તેઓ ‘ફ્રેન્ચ કમાન્ડર ફૉર નૅશનલ લિબરેશન’ના સહઅધ્યક્ષ બન્યા અને પોતાનું મુખ્યમથક લંડનથી અલ્જિયર્સ ખાતે ખસેડ્યું. એપ્રિલ 1944માં જર્મનવિરોધી બધા જ ફ્રેન્ચ સૈનિકોના તેઓ સરસેનાપતિ બન્યા અને હિંદીચીન બાદ કરતાં બધી જ ફ્રેન્ચ વસાહતો પર તેમનું આધિપત્ય પ્રસ્થાપિત થયું. 1944માં જર્મનીના કબજામાંથી ફ્રાન્સ મુક્ત થયા પછી દ ગૉલ વિજયોલ્લાસ સાથે પૅરિસ પાછા આવ્યા અને ફ્રાન્સના યુદ્ધોત્તર કાળના કામચલાઉ પ્રમુખ બન્યા. જૂન, 1946માં આ પદ પરથી રાજીનામું આપી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. 1947માં ‘રેલી ઑવ્ ધ ફ્રેન્ચ પીપલ’ નામના નવા રાજકીય પક્ષના વડા બન્યા. 1953માં રાજકારણમાંથી બીજી વાર સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી અને પોતાનો મોટા ભાગનો સમય સંસ્મરણો તથા આત્મચરિત્ર લખવામાં, ફ્રાન્સની વિદેશી વસાહતોના પ્રવાસ ખેડવામાં તથા રાજકીય નેતાઓ સાથે સંપર્ક સાધવામાં વિતાવ્યો (1953–58). 1958માં અલ્જિરિયા તથા કૉર્સિકા જેવી ફ્રેન્ચ વસાહતોમાં ફ્રાન્સવિરોધી બળવા થતાં જે રાજકીય સંકટ ઊભું થયું તેમાંથી દેશને બચાવવા માટે દ ગૉલ ફરી સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને દેશના સર્વસત્તાધીશ બન્યા, તેમના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફ્રાન્સની પ્રતિષ્ઠા પુન: સ્થાપિત થઈ. જૂન, 1960માં અલ્જિરિયાની સ્વાધીનતાના પ્રશ્ને તેમને સત્તા પરથી દૂર કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો. નવેમ્બર, 1962માં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં તેમને ભવ્ય વિજય સાંપડ્યો. 1963–65ના ગાળામાં તેમણે દેશવિદેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો અને તે દ્વારા જનમાનસમાં પોતાની પ્રતિષ્ઠા વધારવામાં સફળતા મેળવી. પરિણામે 1965ની સામાન્ય ચૂંટણીમાં ફરી સાત વર્ષ માટે તેઓ ફ્રાન્સના પ્રમુખ ચૂંટાયા. 1967ના પ્રારંભમાં દેશમાં વિદ્યાર્થીઓમાં વ્યાપક અસંતોષનું મોજું આવ્યું તથા ઠેર ઠેર હડતાળો યોજાઈ જેને પરિણામે તેમના નેતૃત્વને પડકારવામાં આવ્યું. જોકે દેશની સંસદની ચૂંટણીમાં પાતળી બહુમતીથી તેમના પક્ષનો વિજય થયો. જૂન, 1967માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષને નોંધપાત્ર બહુમતી મળી. પોતાની વહીવટી સત્તાઓ વધારવા, સંસદની કાયદા ઘડવાની સત્તાની ઉપરવટ જઈ કારોબારીની સત્તા વધારવા તથા દેશના વહીવટી માળખાનું વિકેન્દ્રીકરણ કરવાના તેમના પ્રસ્તાવો પર ફ્રાન્સમાં યોજાયેલ સાર્વત્રિક મતદાનમાં તેમનો પરાજય થયો. 28 એપ્રિલ, 1969ના રોજ તેમણે રાજીનામું આપ્યું અને પોતાનાં સંસ્મરણો લખવાનું અધૂરું રહેલું કામ પૂરું કરવા તેઓ કોલમ્બે જતા રહ્યા. નવેમ્બર, 1970માં ત્યાં જ તેમનું અવસાન થયું.

દીર્ઘ કારકિર્દી દરમિયાન તેમની વિચક્ષણ નેતૃત્વશક્તિનો દુનિયાને વારંવાર પરિચય થયો. પરાજિત જર્મની પરથી મિત્રરાષ્ટ્રોનું લશ્કરી વર્ચસ્ લગભગ વિસર્જિત કરવાની પહેલ કરનાર, ‘બૉન બંધારણ’નો સખત વિરોધ કરનાર મિત્ર રાષ્ટ્રોના નેતાઓમાં તેઓ એકમાત્ર નેતા હતા. 1963માં યુરોપીય સહિયારા બજારમાં ઇંગ્લૅન્ડનો પ્રવેશ અટકાવવા માટે વિશેષાધિકાર(veto)નો તેમણે ઉપયોગ કરેલો; તે જ અરસામાં ‘નાટો’ હેઠળના લશ્કરને પરમાણુ પ્રક્ષેપાસ્ત્રોથી સુસજ્જ કરવાના અમેરિકાના પ્રયાસ તેમણે જ અવરોધ્યા હતા તથા આંશિક પરમાણુ પ્રતિબંધક કરાર (PNT) પર સહી કરવાની તેમણે ચોખ્ખી ના પાડી હતી. 1966માં ‘નાટો’ હેઠળના લશ્કરમાંથી ફ્રેન્ચ ટુકડીઓ પાછી બોલાવવાનું તથા ફ્રાન્સની ભૂમિ પરથી ‘નાટો’નું લશ્કર તથા તે સંગઠનનું મુખ્ય મથક હઠાવી લેવાની હાકલ કરવાનું સાહસ તેમણે બતાવેલું; વિયેતનામમાં અમેરિકાના હસ્તક્ષેપને તેમણે ખુલ્લેખુલ્લો વખોડી કાઢ્યો હતો. 1968માં ફ્રાન્સના પ્રધાનમંત્રી જ્યૉર્જ પૉમ્પિદુ(1962–68)ને દૂર કરીને ફ્રાન્સની નેતાગીરી અંગે લોકમાનસમાં સર્જાયેલા પ્રશ્નનો સજ્જડ જવાબ તેમણે આપ્યો હતો. 1940માં જર્મનીના આક્રમણ સામે તથા 1958માં આંતરિક ભાંગફોડ અને નાગરિક ઉત્પાત સામે ફ્રાન્સમાં સંયુક્ત મોરચો ઊભો કરવામાં તેમણે મેળવેલી સફળતા તેમની અજોડ નેતૃત્વશક્તિના દાખલા પૂરા પાડે છે.

ચાર ખંડોમાં પ્રકાશિત થયેલો તેમનાં યુદ્ધોત્તર સંસ્મરણોનો ગ્રંથ ‘Le Renouveau’ (The Hope) જાણીતો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે