ગોરડ : બાવળની જાતનું નાના કદનું કાંટાવાળા પાનખર જંગલનું વૃક્ષ. શાસ્ત્રીય નામ : એકેસિયા સેનેગાલ (Acacia senegal); કુળ માઇમૉસેસી (Mimosaceae). ગોરડનાં ઝાડ 4.6થી 6 મીટર (15–20 ફૂટ) ઊંચાઈનાં થાય છે. તે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વગેરે સ્થળે અર્ધશુષ્ક કાંટાવાળા પાનખર જંગલ કે વગડામાં કે નદીના વાંઘામાં ઊગતાં જોવા મળે છે. તે ખેર બાવળ(એકેસિયા કેટેચ્યુ) (કાથાનો બાવળ)ને ઘણો મળતો આવે છે. ગોરડની છાલ ફીકા ધોળા રંગની અને ગૂગળના ઝાડની છાલ માફક પાતળી ત્વચા જેવી છૂટી પડે છે. ગોરડના ઝાડની ખાસ લાક્ષણિકતા એ છે કે તેમાં અન્ય કાંટાવાળા બાવળની માફક બે કંટકો(શૂળ)ને બદલે ત્રણ કંટકો જોવા મળે છે, તે પૈકીના બે કંટકો શૂળ ઉપપર્ણ(stipules)નું રૂપાન્તર છે, જ્યારે ત્રીજો કંટક અવશિષ્ટ ડાળીનું રૂપાન્તર છે (Thorn) આવું જ લક્ષણ ‘એકેસિયા સુમા’ નામના બાવળમાં પણ જોવા મળે છે.
એકેસિયા કેટેચ્યુ કે એકેસિયા ચુંદ્રા – ખેરનો ગુંદર મધુ, બલકર તથા ધાતુવર્ધક છે. તેનો સાર કફ તથા મોઢાના રોગો અને રક્તદોષ રોકે છે.
અન્ય બાવળની જાતિ માફક ગોરડનાં પાન દ્વિશાખી સંયુક્ત છે.
ગોરડનો પુષ્પવિન્યાસ કલગી પ્રકારનો હોય છે. 5.07થી 7.06 સેમી. (2–3 ઇંચ) લાંબી સળી ઉપર પીળાશ પડતાં સફેદ પુષ્પો આવે છે.
ઉપયોગિતા : વનસ્પતિનાં બધાં જ અંગો ઔષધિક ગુણો ધરાવે છે. ગોરડના ઝાડમાંથી પીળાશ પડતો રાતો કે સફેદ ગુંદર નીકળે છે. તેને ગોરડિયો ગુંદર કહે છે. આ ગુંદર પૌષ્ટિક ગણાય છે. ગોરડનો ગુંદર ઉપલેપક તરીકે ઉધરસ, સંગ્રહણી, પ્રમેહ વગેરે સામે વપરાય છે.
ગોરડનું ઝાડ રબારી લોકોનું આદિ ઝાડ છે. લગ્નપ્રસંગે માંડવાની સાથે માણેકસ્તંભને બાંધે છે. માણેકસ્તંભ માટે ગામડાંઓમાં મરૂઢ (ડાયક્રોસ્ટ્રેચિસ સિનેરિયા ગુલાબી અને પીળા રંગવાળાં સુંદર ફૂલો માટે જાણીતું છે.) બાવળનું લાકડું પણ વપરાય છે. ગોરડનું લાકડું ખેડૂતો કોદાળી-પાવડાના હાથા માટે વાપરે છે. (સંદર્ભ : વનસ્પતિશાસ્ત્ર – જયકૃષ્ણ ઇન્દ્રજી)
પ્રાગજી મો. રાઠોડ
રા. ય. ગુપ્તે