ગોપીનાથ કવિરાજ (જ. 7 સપ્ટેમ્બર 1887, ધામરાઈ, પ. બંગાળ; અ. 12 જૂન 1976, વારાણસી) : 20મી સદીના આધ્યાત્મિક જ્ઞાન-વિજ્ઞાનના ઋષિતુલ્ય પંડિત પ્રવર. એમનો જન્મ મોસાળમાં હાલના બંગલા દેશમાં ઢાકા જિલ્લાના ધામરાઈ ગામમાં થયો હતો. પિતાનું નામ ગોકુલનાથ કવિરાજ હતું. બાલ્યાવસ્થામાં માતા-પિતાનો સ્વર્ગવાસ થયેલ હોઈ મામા કાલાચંદ સાન્યાલને ત્યાં કાંટાલિયા(જિ. મૈમનસિંહ)માં લાલનપાલન થયું. પ્રારંભિક શિક્ષણ ધામરાઈમાં થયું. પછી ઢાકાની જ્યુબિલી સ્કૂલમાં અભ્યાસ કર્યો. અહીં એમણે અંગ્રેજી અને સંસ્કૃતના ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો. 1907માં ઉચ્ચ શિક્ષણ માટે કૉલકાતા ગયા પણ ત્યાં અનુકૂળ ન પડતા જયપુર ગયા. ત્યાં જયપુર રાજ્યના દીવાન સંસારચંદ્ર સેનના પુત્ર અને પૌત્રના ટ્યૂટર તરીકે સેવાઓ શરૂ કરી.
દરમિયાનમાં સંસ્કૃત અને અંગ્રેજી ગ્રંથોનો સઘન અભ્યાસ ચાલુ રહ્યો. આ વખતે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના અધ્યયન તરફ વિશેષ ધ્યાન ગયું. એમણે જયપુરની પબ્લિક લાઇબ્રેરી, મહારાજા કૉલેજ લાઇબ્રેરી તેમજ કાંતિચંદ્ર મુખોપાધ્યાય દીવાન જયપુર રાજ્યની સમૃદ્ધ પારિવારિક લાઇબ્રેરીનો મનભર ઉપયોગ કર્યો. મહારાજા કૉલેજમાં પ્રવેશ વખતે પ્રવેશ માટે વર્ડ્ઝવર્થના એક સોનેટનું રસદર્શન કરાવવાનું કાર્ય એમને ભાગે આવ્યું અને એમણે એટલી અદભુત છણાવટ કરી કે સહુ આફરિન થયા અને એમને છાત્રવૃત્તિ સમેત પ્રવેશ પ્રાપ્ત થયો. 1910માં ત્યાંથી બી.એ. થયા. ત્યાંથી બનારસ જઈ ત્યાં કીન્સ કૉલેજમાં એમ.એ.ના અભ્યાસ માટે જોડાયા. પણ ત્યાં બીમાર પડતાં અભ્યાસ અધૂરો છોડી ચિકિત્સા માટે કૉલકાતા ગયા. ઠીક થતાં થોડો વખત હવાફેર માટે પુરી જઈને રહ્યા. ત્યાંથી બનારસ આવીને પોતાનો એમ.એ.નો અભ્યાસક્રમ પૂરો કર્યો. 1913માં એમ.એ.માં સર્વપ્રથમ આવ્યા. પ્રિન્સિપાલ ડૉ. વેનિસની સલાહથી અજમેર અને લાહોરની કૉલેજોની અધ્યાપકની ઓફર જતી કરીને બનારસમાં સરસ્વતીભવન લાઇબ્રેરીના ગ્રંથપાલ અને પછી તુરત સરસ્વતીભવનના અધ્યક્ષ તરીકે 1914માં નિયુક્તિ પામ્યા. અહીં તેઓ સઘન સંશોધનકાર્યમાં પ્રવૃત્ત થયા અને અન્ય સંશોધકોને માર્ગદર્શન પણ આપતા રહ્યા. એમનાં સંશોધનો યુ.પી. રિસર્ચ સોસાયટીના જર્નલમાં પ્રગટ થવા લાગ્યાં. તેમના આગ્રહથી ‘સરસ્વતીભવન સ્ટડી’ નામની પત્રિકા અને ‘સરસ્વતીભવન ટેક્ષ’ નામે પ્રકાશન શ્રેણી સ્થપાઈ. આ બંને વિભાગ પણ એમણે જ સંભાળ્યા. 1924માં એમની કીંસ કૉલેજના આચાર્ય તરીકે નિયુક્તિ થઈ. ત્યારથી સંખ્યાબંધ ગ્રંથોનું લેખન, સંપાદન અને પ્રકાશનનો પ્રારંભ થયો. તેઓ સંસ્કૃત કૉલેજના અધ્યક્ષપદે 1937 સુધી રહ્યા. ડૉ. વેનિસની જેમ તેઓ આ કૉલેજના અધ્યક્ષ, સંસ્કૃત પરીક્ષાઓના રજિસ્ટ્રાર, સુપરિન્ટેન્ડન્ટ અને સંસ્કૃત સ્ટડીઝ વગેરેનો કાર્યભાર સંભાળતા રહ્યા. એમના પ્રકાંડ પાંડિત્યની કદર રૂપે ભારત સરકારે એમને 1934માં મહામહોપાધ્યાયની પદવીથી નવાજ્યા. કવિરાજના ગુરુ યોગસમ્રાટ પરમહંસ વિશુદ્ધાનંદજીનો 1937માં દેહોત્સર્ગ થતાં કવિરાજે ગુરુજીના નામથી ‘વિશુદ્ધાનંદ’ નામના પાંચ ગ્રંથોનું પ્રકાશન કર્યું. એ ઉપરાંત ‘વિશુદ્ધાનંદ-વાણી’ નામના સાત ખંડોમાં એક વિશિષ્ટ ગ્રંથની રચના કરી હતી. નિવૃત્ત થયે કવિરાજ કાશીમાં સ્થિર થયા અને એકાંત સેવન કરતાં કરતાં ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન, વિજ્ઞાન, તંત્ર, વિવિધ સાધનાપદ્ધતિઓ તેમજ અધ્યાત્મની ચર્ચા કરતા રહ્યા. એમની સાથે દેશ-વિદેશમાંથી ઘણા વિદ્વાનો ચર્ચા માટે આવતા. દરમિયાનમાં એમના ‘અખંડ મહાયોગ’, ‘ભારતીય સંસ્કૃતિ ઔર સાધના’, ‘તાંત્રિક સાહિત્ય’, ‘કાશીકી સારસ્વત સાધના’, ‘History of Eastern and western shakta philosophy’ અને સુપ્રસિદ્ધ ગ્રંથ ‘તાંત્રિક વાઙમયમેં શાક્ત દૃષ્ટિ’ વગેરે પ્રકાશિત થયાં. હિંદી, અંગ્રેજી, બંગલા અને સંસ્કૃતમાં એમના 200–250 જેટલા લેખો પ્રકાશિત થયા. દરમિયાનમાં 1947માં અલાહાબાદ યુનિવર્સિટીએ અને 1956માં બનારસ હિંદુ યુનિવર્સિટીએ તેમનું ડિ.લીટની ડિગ્રી એનાયત કરી સન્માન કર્યું. ઉત્તરપ્રદેશની સરકારે 1965માં સાહિત્ય વાચસ્પતિની ઉપાધિ પ્રદાન કરી. ભારત સરકારે 1964માં તેમને પદ્મવિભૂષણથી સંમાન્નિત કર્યા અને 1965માં સાહિત્ય અકાદમીએ એમના ‘ગ્રંથ તાંત્રિક વાઙમયમેં શાક્તદૃષ્ટિ’ને સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી વિભૂષિત કર્યા.
પ્રવીણચંદ્ર પરીખ