ગોપી : પશુપાલક જાતિની સ્ત્રી. ઋગ્વેદ(1-155-5)માં વિષ્ણુ માટે પ્રયોજાયેલ ‘ગોપ’, ‘ગોપતિ’ અને ‘ગોપા’ શબ્દ ગોપ-ગોપી પરંપરાનું પ્રાચીનતમલિખિત પ્રમાણ છે. એમાં વિષ્ણુને ત્રિપાદ-ક્ષેપી કહ્યા છે. મેકડૉનલ્ડ, બ્લૂમફિલ્ડ વગેરે વિદ્વાનોએ આથી વિષ્ણુને સૂર્ય માન્યો છે જે પૂર્વ દિશામાં ઊગીને અંતરીક્ષને માપીને ત્રીજા પાદ-ક્ષેપ વડે આકાશમાં ફેલાઈ જાય છે. આના અનુસંધાનમાં કેટલાક વિદ્વાનોએ ગ્રહો અને નક્ષત્રોને ગોપી કહેલ છે, જે સૂર્યની ફરતે ઘૂમ્યા કરે છે. વસ્તુતઃ આ પ્રતીકાત્મક તાત્પર્યોને બાજુએ રાખીએ તો ગોપી શબ્દનો વાસ્તવિક અર્થ પશુપાલક જાતિની સ્ત્રી કે કન્યા પ્રતીત થાય છે. પશુપાલકો, આભીરો કે આહીર જાતિ, પરંપરાથી ક્રીડાવિનોદપ્રિય મોજિલી જાતિ છે. આ જાતિના કુલદેવ ગોપાલકૃષ્ણ અત્યંત સુંદર, મોહક અને ગોપીઓના પ્રેમારાધ્ય હતા. આ જાતિમાં કૃષ્ણ અને ગોપીને લગતી કથાઓ તેમજ ગીતો છઠ્ઠી સદી સુધીમાં આખા દેશમાં પ્રચલિત થયાં હતાં. અને ધીમે ધીમે એ કથાઓ પુરાણોમાં ઉમેરીને તેને ધર્મપરક સ્વરૂપ અપાયું. દક્ષિણના આલવાર ભક્તિગીતોમાં ગોપી-કૃષ્ણ-લીલાનું મનોહર સ્વરૂપ પ્રગટ થયું છે. કાવ્યમાં સૌપ્રથમ ગાથાસપ્તસતીમાં ગોપી અને તેના વિશિષ્ટ નામવાળી રાધા અને કૃષ્ણના મિલન-વિરહને લગતા પ્રસંગો લૌકિક રીતે વર્ણવાયા છે. સંસ્કૃતમાં ગીતગોવિંદ(12મી સદી)માં શ્રીકૃષ્ણ અને રાધાનું મનોરમ ચિત્રણ મળે છે. જે ઉત્તરકાલીન લોકસાહિત્ય અને લલિત સાહિત્ય બંનેમાં સ્વીકારાયું.
મધ્યયુગમાં કૃષ્ણ-ભક્તિ-સંપ્રદાયોએ પુરાણો – ખાસ કરીને શ્રીમદ્ ભાગવત પુરાણનો આધાર લઈને ગોપી-કૃષ્ણના પ્રેમાખ્યાનને ધાર્મિક સંદર્ભમાં આધ્યાત્મિક રૂપ આપ્યું. તેની સાથે ગોપી અને ગોપીભાવનું આધ્યાત્મિક અર્થઘટન થવા લાગ્યું. ગોપીભાવ એટલે પરમાત્માને પામવા માટે અનન્ય પ્રેમ, મોહ-ત્યાગ, પૂર્ણ સમર્પણભાવના, નિર્ભિકતા, લોક-લાજમર્યાદાથી મુક્તિ, સામી તડપ અને વિરહથી નિર્મળ થયેલ ચિત્તથી નિષ્કામ માધુર્યભાવની અનન્ય ભક્તિ. શ્રીમદ્ ભાગવતનાં બધાં ગીતોમાં ગોપગીત મૂર્ધન્ય છે. જેમાં ગોપીઓનો કૃષ્ણપ્રેમ અને તેમને માટેનો વિરહ છલકાતો અનુભવાય છે. પદ્મપુરાણ અને બ્રહ્મવૈવર્તપુરાણમાં ગોલોકના નિત્યવૃંદાવનની વિશદ કલ્પના મળે છે. એમાં પરબ્રહ્મરૂપ શ્રીકૃષ્ણ, રાધા તેમજ ગોપીઓની સાથે નિત્ય પ્રેમકીડારત હોવાનું વર્ણવાયું છે. નિંબાર્કાચાર્યના સનક સંપ્રદાયમાં રાધા અને ગોપીઓને શ્રીકૃષ્ણની આહલાદિની શક્તિરૂપ ગણાવી છે. ચૈતન્યના ગૌડીય સંપ્રદાયમાં ગોપીઓને શ્રીકૃષ્ણની પ્રગટ અને અપ્રગટ એવી સઘળી લીલાઓમાં પરિકર રૂપે નિરંતર સાથે રહેનારો સખી-સમુદાય ગણાવ્યો છે. ચૈતન્યમતમાં ગોપીઓનાં યૂથ(જૂથ)નું વિવરણ મળે છે. એમાં મહાપ્રેમભાવ ધરાવતી રાધા યૂથેશ્વરી મનાય છે. વલ્લભસંપ્રદાય(પુષ્ટિમાર્ગ)માં ગોલોકના નિત્યરાસની ગોપીઓ શ્રીકૃષ્ણના પરમાનંદ-સ્વરૂપનો વિસ્તાર કરનારી તેમની જ સામર્થ્યશક્તિ રૂપ મનાય છે. એમની ઉત્પત્તિ સ્વયં શ્રીકૃષ્ણ બ્રહ્મના આનંદઅંગમાંથી થઈ છે. ગોપીઓ કૃષ્ણધર્મની ધર્મરૂપ છે અને રાધા એ ગોપીઓમાં આનંદની સિદ્ધ શક્તિ છે, તેથી તે સ્વામિની છે. રાધા અને ગોપીઓ રૂપે સ્વયં કૃષ્ણ પોતાનો પ્રસાર કરીને, જેમ બાળક પોતાનું પ્રતિબિંબ જોઈને પ્રસન્ન થાય છે એમ સ્વયં પ્રસન્ન થાય છે.
વસ્તુતઃ ગોપીઓ કૃષ્ણની રસ-શક્તિ છે અને તેમનાથી અભિન્ન છે, પરંતુ લીલામાં ભિન્ન અને ભક્તોમાં આનંદ-ભાવનો આવિર્ભાવ કરનારી રસાત્મક શક્તિનું પ્રતીક છે.
ગૌડીય અને વલ્લભી સંપ્રદાયોનો ગોપી અને ગોપીભાવનો મહિમા કૃષ્ણભક્તિના અન્ય સંપ્રદાયોમાં પણ પ્રવર્ત્યો. એમાં રાધા-વલ્લભ-સંપ્રદાય અને સખી સંપ્રદાય વિશેષ ઉલ્લેખનીય છે. એ બંનેમાં રાધા-કૃષ્ણને એક અને અદ્વૈત માનીને તેમની સખીઓને પણ તેમના અભિન્ન અંગરૂપ લેખી છે. આથી ભક્તગણ ગોપીઓના સખીભાવને અપનાવવા ઉત્સુક રહે છે. તેઓ ગોપીઓના સ્વરૂપનું ચિંતન કરીને તેમના જેવું આચરણ કરે છે અને તેમના ભાવને દૃઢ કરવા સતત પ્રયત્નશીલ રહે છે. તેમની સૌથી મોટી આકાંક્ષા તો કોઈ પણ પ્રકારે રાધા-કૃષ્ણની યુગલમૂર્તિની નિકટ રહીને તેમની પરિચર્યા કરવાનો અવસર મળે એ જ હોય છે.
પ્રવીણચંદ્ર પરીખ