ગોપી, એન. (જ. 25 જૂન 1948, ભોંગરી, જિ. નાલગોંડા, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કાલાન્નિ નિદ્ર પોનીવ્વનુ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1979માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ બોર્ડ ઑવ્ સ્ટડીઝના અધ્યક્ષ અને તેલુગુ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય રહ્યા. હાલ તેઓ પોટ્રી શ્રી રામુલુ તેલુગુ વિશ્વવિદ્યાલય, હૈદરાબાદના ઉપકુલપતિ તરીકે કાર્યરત છે.

તેમણે 20 ગ્રંથો આપ્યા છે. તેમાં 7 કાવ્યસંગ્રહ, 4 વિવેચનગ્રંથ અને 3 શોધ-પ્રબંધ મુખ્ય છે. ‘તંકેદુપૂલુ’ (1976), ‘મિલુરાયી’ (1983), ‘ચિત્ર દીપાલુ’ (1989), ‘કાલાન્નિ નિદ્ર પોનીવન્નુ’ (1998) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. ‘ગવાક્ષમ’ (1992), ‘નિબુવેતુ તેલુગુ સંતકન સિનારે વ્યક્તિત્વમ્’ (1992) – એ બંને સાહિત્યિક નિબંધો છે. ‘પ્રજાકવિ વેમન’ (1980) શોધ-પ્રબંધ છે, જ્યારે ‘નેનુ ચૂસિન મૌહિતિઅસ’ (1996) પ્રવાસકથા અને ‘જ્ઞાનદેવ’ (1982) અનૂદિત વિવરણાત્મક ગ્રંથ છે.

તેમને તેલુગુ યુનિવર્સિટી ઍવૉર્ડ, ફ્રી વર્સ ફ્રન્ટ ઍવૉર્ડ, કૃષ્ણ શાસ્ત્રી ઍવૉર્ડ, દિલ્હી-તેલુગુ અકાદમી ઍવૉર્ડ, ડૉ. દાશરથિ પુરસ્કાર, કુરુંગંતી સીતારમય્યા પુરસ્કાર, સુગુણમણિ સાહિત્યિક પુરસ્કાર અને સાહિત્યરત્ન નીલા જંગય્યા સાહિત્ય પુરસ્કાર જેવા 13થી અધિક પુરસ્કાર પ્રાપ્ત થયા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કાલાન્નિ નિદ્ર પોનીવ્વનુ’માંનાં કાવ્યોમાં મુખ્યત્વે માનવજીવન સાથે જટિલ સમયની સંબદ્ધતા અભિવ્યક્ત થાય છે. તેની અભિનવ સંરચના અને વિષયવસ્તુના નવા ઉન્મેષને લીધે આ કૃતિ તેલુગુમાં લખાયેલ સમકાલીન ભારતીય કવિતાનું એક વિશિષ્ટ પ્રદાન છે.

બળદેવભાઈ કનીજિયા