ગોપાલ-1 (શાસનકાળ લગભગ ઈ. સ. 750–770) : પાલ વંશના આદ્ય સ્થાપક. ગોપાલ પહેલાનો જન્મ પુંડ્રવર્ધન (જિ. બોગ્રા.) નજીક બંગાળમાં થયો હતો. તેના પિતા સેનાપતિ વપ્પટે દુશ્મનોનો નાશ કર્યો હતો. પિતામહ દયિતવિષ્ણુ વિદ્વાન હતા. બંગાળમાં ઈ. સ.ની આઠમી સદીમાં ફેલાયેલી અરાજકતાથી કંટાળીને પ્રજાએ રાજા તરીકે ગોપાલની પસંદગી કરી. પાલ રાજાઓ બંગપતિ અને ગંડેશ્વર તરીકે ઓળખાતા. એટલે કે તેઓ પૂર્વ અને પશ્ચિમ બંગાળ ઉપર રાજ્ય કરતા હતા. રાજાના નામને છેડે ‘પાલ’ શબ્દ આવતો હોવાથી આ રાજવંશ ‘પાલ વંશ’ તરીકે પ્રસિદ્ધ છે. આ વંશની ઉત્પત્તિ સૂર્ય અને સમુદ્ર સાથે સંબંધિત હોવાની પૌરાણિક કલ્પના છે. આ રાજાઓ પરમેશ્વર પરમભટ્ટારક અને મહારાજાધિરાજનું બિરુદ ધરાવતા હતા.
ગોપાલ બૌદ્ધધર્મી હતો. તેણે નાલંદા વિદ્યાપીઠ અને બીજા અનેક બૌદ્ધવિહારો બંધાવ્યા હતા. બૌદ્ધ ધર્મગુરુઓને ખૂબ દાન કર્યાં હતાં. આ સમયે એક બૌદ્ધ ઉપાસકે ઓદંતપુરીનો વિહાર બાંધ્યો હતો. મહાન દાર્શનિક અને નૈયાયિક શાંતરક્ષિત નાલંદા વિદ્યાપીઠના પ્રખ્યાત આચાર્ય તરીકે જાણીતો હતો. તે સમયમાં બંગાળમાં સુખસમૃદ્ધિ, સુંદર વહીવટ અને પ્રજાને શાંતિ મળ્યાં હતાં.
યતીન્દ્ર દીક્ષિત