ગોપાલ-2 (ઈ. સ.ની દસમી સદી) : બંગાળના પાલ વંશનો સાતમો અને નબળો રાજા. દસમી સદીની મધ્યમાં બંગાળનું પતન થઈ રહ્યું હતું. રાજ્યપાલ, તેના પુત્ર ગોપાલ બીજાએ અને તેના પુત્ર વિગ્રહપાલે લગભગ 80 વર્ષ બંગાળ ઉપર રાજ્ય કર્યું. દસમી સદીની મધ્યમાં કંબોજે પાલ રાજા પાસેથી ગંડ જીતી લીધું અને ત્યાં પોતાની સત્તા સ્થાપી. ગોપાલ બીજાએ નાસી જઈને મગધ અને મિથિલામાં આશ્રય લીધો હતો. યશોવર્માએ આ સમયે પાલ અને કંબોજનાં રાજ્યો ઉપર આક્રમણો કર્યાં. તેણે ગંડ અને મિથિલા જીતી લીધાં. ત્રિપુરાના કલચુરિ રાજા યુવરાજ પહેલાએ ગંડ ઉપર ચડાઈ કરી ગોપાલ બીજાને હરાવ્યો હતો. આ રીતે પાલ રાજાના સમયમાં બંગાળની ખાનાખરાબી થઈ હતી.

યતીન્દ્ર દીક્ષિત