ગોપ, સાગરમલ (જ. 3 નવેમ્બર 1890, જેસલમેર, રાજસ્થાન; અ. 3 એપ્રિલ 1946, જેસલમેર) : સ્વાતંત્ર્યસંગ્રામના શહીદ. તેમના પિતાનું નામ અક્ષયરાજ હતું. તેમણે માધ્યમિક શાળા સુધી અભ્યાસ કર્યો હતો. તે જાણીતા રાજકીય નેતા હતા. તેમણે અસહકારની ચળવળ(1921)માં નાગપુરમાં ભાગ લીધો હતો. 1930માં તેમણે જેસલમેર રાજ્યના રાજા સામે લોકઆંદોલન કર્યું; તેથી તેમને જેસલમેર છોડવાની ફરજ પડી હતી. તેઓ નાગપુર ગયા અને ત્યાં જઈને જેસલમેરની ત્રાસવાદી આપુખદ સરકાર સામે પ્રચાર શરૂ કર્યો. હૈદરાબાદમાં આર્યસમાજ દ્વારા, નિઝામની સરકાર સામે શરૂ કરવામાં આવેલ સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો. ઈ. સ. 1938માં તેમણે નાગપુરમાં રહેતા, જેસલમેરના વતનીઓનું એક સંગઠન સ્થાપ્યું. જેસલમેરમાં પ્રજાપરિષદને આર્થિક

સાગરમલ ગોપ

સહાય કરી અને લોકઆંદોલન કચડી નાખવા બદલ, રાજા સામે લડત આપી. તેઓ મે, 1941માં જેસલમેર ગયા અને રાજ્યમાં જવાબદાર સરકાર સ્થાપવા માટે રાજકીય આંદોલન શરૂ કર્યું. તેથી પોલીસ દ્વારા 25 મે, 1941ના રોજ, વૉરન્ટ વિના તેમની ધરપકડ કરવામાં આવી અને જેલમાં પૂરી રાખવામાં આવ્યા. કોઈ પણ આરોપ મૂક્યા વિના એક વર્ષ સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા. જૂન, 1942માં બળવો કરવાનો આરોપ મૂકી, કેસ ચલાવીને તેમને આઠ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી. જેલમાં તેમના ઉપર અત્યાચારો ગુજારવામાં આવ્યા અને એકલા પૂરી રાખવામાં આવ્યા. તેમણે રાજાને તથા બ્રિટિશ રેસિડેન્ટને કરેલી ફરિયાદો અને વિરોધો નિષ્ફળ ગયા. શારીરિક તથા માનસિક યાતનાઓ અસહ્ય બની અને તેઓ અવસાન પામ્યા. સરકારી વૃત્તાન્ત મુજબ, તેમણે પોતાના શરીર પર કેરોસીન છાંટીને, આગ લગાડીને આપઘાત કર્યો. તેમના કુટુંબના કોઈ સભ્યને તેમને મળવા દેવામાં આવ્યા ન હતા.

બંસીધર શુક્લ