ગોપસખા : શ્રીકૃષ્ણની સખાભાવની ભક્તિ કરનારા મોટા-નાના સખાઓ. જેમ ગોપીભાવની ભક્તિ પોતાને સખી રૂપે કલ્પીને કરવામાં આવે છે તેમ સખાભાવની ભક્તિમાં ભક્ત પોતાને શ્રીકૃષ્ણના ગોપ-સખાના રૂપે કલ્પીને કરે છે. શ્રીકૃષ્ણની બાળલીલા અને કિશોરલીલાના ગોપસખાઓ વય પ્રમાણે ત્રણ પ્રકાર મનાય છે. શ્રીકૃષ્ણથી વયમાં થોડા મોટા હોવા છતાં શ્રીકૃષ્ણ પ્રત્યે સખાભાવે ગોચારણ અને એ વખતના ક્રીડાવિનોદમાં શ્રીકૃષ્ણની સાથે રહે છે. હલધર(બળરામ)નો વાત્સલ્યમિશ્રિત સખાપ્રેમ. આ પ્રકારના સખાઓનો મુખ્ય ભાવ છે. આવા સખાઓને શ્રીકૃષ્ણની દુષ્ટોના સંહાર અને સખાઓના રક્ષણને લગતી પરાક્રમ લીલાઓ પ્રત્યે વિશેષ રૂચિ જોવામાં આવે છે. આવા વયસ્ક સખાઓ શ્રીકૃષ્ણની રાધા અને ગોપીઓ સાથેની નિકુંજ લીલામાં સામેલ નથી. શ્રીકૃષ્ણથી અવસ્થામાં  નાના સખાઓ ગોકુળની ગલીઓ, યમુનાતટ, વનવિહાર, ગોચારણ, ગેડી-દડાદિ રમતોમાં સામેલ થાય છે પરંતુ ગોપીઓની પ્રેમક્રીડા બાબતમાં એમની સામેલગીરી નથી. આવા ગોપબાળ સખાઓ શ્રીકૃષ્ણ પ્રત્યે મૈત્રીની સાથે શ્રદ્ધા અને ગૌરવનો ભાવ પણ ધરાવતા હોય છે. ત્રીજા પ્રકારના સમવયસ્ક સખાઓ શ્રીકૃષ્ણના અંતરંગ સખાઓ છે જેઓ એમની પ્રત્યેક લીલામાં એમને સાથ આપે છે. રાધા અને કૃષ્ણના અભિન્ન અનુરાગનો એમને પરિચય છે અને પનઘટ, દધિદાન તેમજ નિકુંજલીલામાં કામભાવથી તૃપ્ત ગોપીઓને પરિતૃપ્ત કરવામાં પોતાના પ્રિય સખા શ્રીકૃષ્ણની સહાયતા કરે છે. આ સખાઓમાં પ્રેમની સ્થિતિ સંયોગ અને વિયોગ બંને અવસ્થાઓમાં અનન્ય ભાવે ક્રિયાશીલ રહે છે.

પ્રવીણચંદ્ર પરીખ