ગોપથ બ્રાહ્મણ : અથર્વવેદ(પૈપ્પલાદ અને શૌનક શાખા)નો એકમાત્ર ઉપલબ્ધ બ્રાહ્મણ. તેના સંકલનકાર આચાર્ય ગોપથ પૈપ્પલાદ શાખાના અને મધ્ય દેશના નિવાસી હોવાનું કેટલાક વિદ્વાનોનું માનવું છે.

અથર્વ પરિશિષ્ટ (4.5) અનુસાર ગોપથ બ્રાહ્મણ 100 પ્રપાઠકોનું હતું. સાંપ્રત ઉપલબ્ધ ગોપથ બ્રાહ્મણ કેવળ 11 પ્રપાઠકોનું જ છે. આ સંક્ષિપ્ત સંકલન પાછળના સમયમાં થયેલું છે. તેમાં આથર્વણ (શાન્ત) અને આંગિરસ (ઘોર) – એમ બેય વિષયોનું નિરૂપણ હોઈ તેનો અથર્વવેદ સાથેનો સંબંધ સ્પષ્ટ છે.

ગોપથ બ્રાહ્મણ(ગો. બ્રા.)ના પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગ છે. પૂર્વ ગોપથ બ્રાહ્મણના 5 અને ઉત્તર ગોપથ બ્રાહ્મણના 6 મળીને 11 પ્રપાઠક અને 258 (135 + 123) કંડિકાઓ છે.

પૂ. ગો. બ્રા.માં ઔપનિષદ શૈલીનું સર્ગવર્ણન, ૐકારમાંથી વિશ્વની ઉત્પત્તિ, ગાયત્રીમંત્રનો મહિમા, બ્રહ્મચારીના ધર્મો, દેવયજન, ઋત્વિજોનાં કર્મ, સહસ્રદક્ષિણ અશ્વમેધ, પુરુષમેધ આદિ યજ્ઞો, દર્શ પૌર્ણમાસ, અગ્નિહોત્ર, અગ્નિષ્ટોમ, સત્રયજ્ઞ વગેરેનું નિરૂપણ, આભિપ્લવ નિરૂપણ, નાની નાની આખ્યાયિકાઓ, બ્રહ્મૌદન, બ્રહ્મા અને ઋત્વિજનો મહિમા વગેરે છે. આખ્યાયિકાઓમાં ઇધ્મ આંગિરસ, બર્હિઆંગિરસ વગેરેના ઉલ્લેખો છે.

ઉ. ગો. બ્રા.માં કામ્યેષ્ટિ, આગ્રયણ, ચયન, ચાતુર્માસ્ય અગ્નિષ્ટોમ, તાનૂનપ્ત્ર, પ્રવર્ગ્ય, ઉપસદ વગેરેનું નિરૂપણ, સ્તોમમંત્રો, એકાહ, ત્રણ સવનો, ષોડશી, અતિરાત્ર, સૌત્રામણી, વાજપેય આપ્તોર્યામ, અહીન વગેરે યાગો અને પુનર્જન્મ અંગેના વિચારોનું નિરૂપણ છે.

ગો. બ્રા. (1.1.31-38) સાવિત્રી ઉપનિષદ છે. તેમાં ગાયત્રી મંત્રનું અનેક પ્રકારે વ્યાખ્યાન કરાયું છે. ઋક્, યજુ, સામ એ ત્રણેય વેદો અને ૐકારની ઉત્પત્તિ અથર્વવેદમાંથી થયેલી બતાવી છે અને ત્રણેય વેદો પૂર્વે અથર્વવેદ ભણવાનું કહ્યું છે. ૐકારની ત્રણ માત્રાઓનો બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર સાથે સંબંધ અને તે માત્રાઓનો રક્ત, કૃષ્ણ અને કપિલ વર્ણોનો ઉલ્લેખ નવો છે.

ઉ. ગો. બ્રા. સંકલન જેવું લાગે છે. કૌષીતકિ અને શતપથ બ્રાહ્મણોના કેટલાક અંશો સાથે ગો. બ્રા.ના કેટલાક અંશોની સમાનતા જણાય છે. ઉ. ગો. બ્રા.નું સંકલન પાછળથી થયું લાગે છે. ઋક્સંહિતા, તૈત્તિરીય અને મૈત્રાયણી સંહિતા, ઐતરેય, શતપથ, કૌષીતકિ આદિ બ્રાહ્મણોમાંથી તેમાં સામગ્રી લીધેલી જણાય છે. ગો. બ્રા.માં બ્રહ્મજ્ઞાન, વિવિધ દેવતાઓ વિશેનું ગુહ્યજ્ઞાન, અથર્વવેદ-મહિમા, તેનું બ્રહ્મવેદ હોવાપણું વગેરે વિષયો નિરૂપાયા છે. અથર્વવેદનો બ્રહ્મજ્ઞાન સાથેનો સંબંધ હોવાથી પણ તે બ્રહ્મવેદ છે એવું વિધાન, બ્રહ્મા ઋત્વિજની મહત્તા, બ્રહ્મા યજ્ઞને સંસ્કારે છે તેથી તેનું કાર્ય મહત્વપૂર્ણ હોવાનું નિરૂપણ વગેરે વિષયો છે.

ગો. બ્રા.માં કુરુ પાંચાલ, અંગ, મગધ, કાશી, કોસલ, ઉશીનર વગેરે પ્રદેશોનાં નામ છે. વિપાશા નદીના તટે વસિષ્ઠશિલાઓ અને ત્યાંના આશ્રમોના ઉલ્લેખો છે. વ્યાસકુંડ અને કુલુ પ્રદેશોના ઉલ્લેખ છે. પરમપુરુષ બ્રહ્મ દ્વારા કમલમાં પ્રજાપતિ બ્રહ્માનો ઉદય એ આખ્યાયિકા પુરાણની આ પ્રકારની આખ્યાયિકાના મૂળમાં છે.

આ બ્રાહ્મણ પર કોઈ ભાષ્ય ઉપલબ્ધ નથી. અથર્વવેદની શૌનક શાખા ગુજરાતમાં પ્રચલિત હતી. નર્મદા-તટના પ્રદેશોમાં હજીય વિરલ સંખ્યામાં અથર્વવેદના વેદજ્ઞો છે.

સુરેશચંદ્ર કાંટાવાળા