ગોપકાવ્ય (pastoral poetry) : મુખ્યત્વે ગ્રામીણ જીવનના આનંદઉલ્લાસને આલેખતી કાવ્યકૃતિ. ‘પૅસ્ટોરલ’ એટલે ગોપજીવનને કે ગ્રામજીવનને લગતું. ગ્રામજીવનનો મહિમા આલેખવાની ખૂબ પ્રાચીન કાળથી ચાલી આવેલી આ સાહિત્યિક પરંપરા છેક આધુનિક યુરોપીય સાહિત્ય પર્યંત જળવાઈ રહી છે. કેટલાક આને પલાયનવાદમાંથી પ્રગટેલો સાહિત્યપ્રકાર (escape literature) લેખે છે; પરંતુ યુરોપભરમાં ખાસ કરીને આલ્બેનિયા, ગ્રીસ, સાર્ડિનિયા, મોન્ટેનગ્રો જેવા દેશોમાં કાવ્યો અને ગીતોની રચના કરનારા તથા બંસીવાદન વડે નિજાનંદમાં સમય વ્યતીત કરનારા ઘણાય ગોપસમૂહો જોવા મળે છે.

મોટે ભાગે આ પ્રકારની કૃતિઓમાં આદર્શ ગોપજીવન આલેખવામાં આવતું; એટલે કે આ ગોપસમાજ શહેરી જીવનનાં દુરાચાર તથા કુટિલતાથી તદ્દન અલિપ્ત રહેલો દાખવવામાં આવે છે. એ રીતે પ્રસન્નચિત્ત, શાન્ત અને નિરુપદ્રવી જીવનરીતિનું નમૂનેદાર ર્દષ્ટાંત રજૂ કરવામાં આવતું; પરંતુ ‘આઇડિલ’ નામે ઓળખાતી આ કાવ્યરચનાઓ શહેરી જીવનથી જ નહિ પણ ગ્રામીણ વાસ્તવજીવનથી પણ ઘણી વિમુખ બની જતી. આ કૃતિઓમાં બહુધા બે કે વધારે ગોપજનોની સામસામી ગાયક ટુકડી આલેખવામાં આવતી; પરંતુ એ ગોપ-ગોપીઓના સ્વાંગમાં કવિ તથા તેમના મિત્રોનાં ભાવ તથા ભાવનાઓ વ્યક્ત કરાતાં. પ્રેમ અને મૃત્યુ એ બે વિષયનું તેમાં પ્રાધાન્ય રહેતું.

આ ગોપકાવ્યોનાં મૂળ તથા તેની તમામ લાક્ષણિકતાઓ સૌપ્રથમ ગ્રીક કવિ થિયૉક્રિટસ(આશરે ઈ. સ. પૂ. 316થી 200)ની રચનાઓમાં જોવા મળે છે. ‘આઇડિલ’ કે ‘બ્યુકૉલિક’ નામે ઓળખાતી તેમની આવી રચનાઓ પૅસ્ટોરલ કવિતાનો સર્વપ્રથમ નમૂનો છે. તેમણે ઍલેક્ઝાન્ડ્રિયાના સુશિક્ષિત પ્રજાજનો માટે આવાં ગોપકાવ્યો લખ્યાં હતાં. તેમાં પુરાણકથાનાં ટૂંકાં વર્ણનકાવ્યો, ગ્રામજીવનનાં કાવ્યો ઉપરાંત ગોવાળો, ભરવાડો, રબારીઓ, ખેડૂતો તથા માછીમારોના જીવનપ્રસંગો પર આધારિત સંવાદો તથા એકોક્તિઓનો પણ સમાવેશ થાય છે.

ગ્રીસથી આ સાહિત્યિક પરંપરા રોમ પહોંચી. રોમમાં વર્જિલે (ઈ. સ. પૂ. 70થી 19) પોતાની ‘એકલૉગ’ નામક રચનાઓમાં થિયૉક્રિટસનો આદર્શ સ્વીકાર્યો ખરો; પરંતુ એમાં ગ્રામીણ સંસ્કૃતિનો નર્યો અતિરેક કરવાને બદલે ગ્રામજીવનનું બને તેટલું વફાદાર અને અધિકૃત ચિત્ર નિરૂપ્યું. એ ઉપરાંત વર્જિલે કૃષિ તથા રાજકારણ જેવા સમકાલીન પ્રશ્નોની આલોચના તથા અંગત જીવનની બાબતોની છણાવટ પણ આ કાવ્યોમાં કરી છે. આમ, પૅસ્ટોરલ કાવ્યોમાં સમકાલીન અને અંગત તત્વોનું નવું પરિમાણ ઉમેરાયું.

મધ્યયુગ (ઈ. સ. 600થી 1500) દરમિયાન આ કાવ્યપરંપરાનું સાતત્ય જળવાયું જણાતું નથી; પરંતુ સાંસ્કૃતિક નવોદય(renaissance)ના ગાળામાં ગોપસાહિત્યનો ફરીથી પ્રસાર વધે છે. ઇટાલિયન કવિ સાન્નાદ્ઝારો, ફ્રેન્ચ કવિ મારો અને આંગ્લ કવિ સ્પેન્સર આ નવપ્રવાહના લાક્ષણિક કવિઓ છે. આ ઉપરાંત વર્જિલની એકલૉગ રચનાઓનો ગાઢ પ્રભાવ ઝીલનારા અન્ય નવોદય કવિઓમાં ઇટાલીના ડૅન્ટિ, પૅટ્રાર્ક અને બોકૅશિયો તથા ફ્રાન્સના રોંસાર તેમજ સ્પેનના વેગા ઉલ્લેખનીય છે.

અંગ્રેજી કવિતામાં પૅસ્ટોરલ પ્રકારની કેટલીક રચનાઓ સોળમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં જોવા મળી હતી; પરંતુ 1579માં એડમંડ સ્પેન્સરનું ‘શેફર્ડ્ઝ કૅલેન્ડર’ પ્રગટ થયા પછી જ ગોપકાવ્યનો પ્રચાર અને લોકપ્રિયતા વધ્યાં. સ્પેન્સરની આ ખૂબ પ્રખ્યાત કૃતિમાં પૅસ્ટોરલની પ્રશિષ્ટ કાવ્યકૃતિઓ ઉપરાંત, ફ્રાન્સ અને ઇટાલીના નવોદયના કવિઓના પણ પ્રત્યક્ષ સંસ્કાર ઝીલવામાં આવ્યા છે. સર ફિલિપ સિડની, રૉબર્ટ ગ્રીન, ટૉમસ નૅશ, ક્રિસ્ટૉફર માર્લો, માઇકલ ડ્રેટન, ટૉમસ ડેકર, જ્હૉન ડન, સર વૉલ્ટર રૅલે, વિલિયમ બ્રાઉન, વિલિયમ ડ્રમંડ અને ફ્લેચર એ બધા જ આંગ્લ કવિઓ પૅસ્ટોરલ કવિતા લખવા લાગ્યા. અલબત્ત, શેક્સપિયરે આ પૅસ્ટોરલ ઘેલછા પરત્વે ‘ઍઝ યુ લાઇક ઇટ’ નાટકમાં કટાક્ષ વેર્યો છે ખરો – જોકે નાટક સ્વયં પૅસ્ટોરલ પ્લે પ્રકારનું જ છે ! પૅસ્ટોરલ પરંપરાની ચરમસીમા હૅરિક તથા ઍન્ડ્રુ મારવેલની કવિતામાં જોવા મળે છે; તેમની શૈલીમાં સ્ફૂર્તિલી તાજગી તથા અભ્યાસપૂર્ણ અનુકરણનું અનન્ય મિશ્રણ જોવા મળે છે.

સત્તરમી સદી પછી આ સાહિત્યપ્રકારનો ઝોક બદલાય છે. થિયૉક્રિટસની તથા તેના નમૂના પ્રમાણે લખાતી રહેલી કૃતિઓમાં શહેરી જીવનના દ્બાણ અને તણાવમાંથી પલાયનવૃત્તિનો મુખ્ય ઝોક હતો; હવેની કૃતિઓમાં ગ્રામીણ વાતાવરણમાં સ્થાયી ગ્રામજીવન જીવીને ખરેખરી નિરાંત અને શાંતિ તથા સ્થાયી આનંદ પામવાની શબ્દાળુ નહિ પણ સાચુકલી ઝંખના વ્યક્ત થાય છે. પ્રાકૃતિક માનવી તથા પ્રકૃતિની ગોદના આકર્ષણ વિશે વાસ્તવિક અને વ્યવહારુ અભિગમ કેળવાયો. જેમ્સ થૉમ્સન જેવા કવિઓએ ગ્રામજીવનના આનંદપ્રમોદના કાવ્યગુણ ગાયા તથા ગ્રામીણ વ્યવસાયોનો મહિમા સ્થાપ્યો. પ્રાકૃતિક સુંદરતાનાં મનોહર કાવ્યો લખ્યાં વર્ડ્ઝવર્થે. તેમની પ્રકૃતિ દાર્શનિક શક્તિ ધરાવે છે એવું કાવ્યમાં પ્રતિપાદિત કર્યું અને સાત્વિક આનંદ માટે માનવને પ્રકૃતિને શરણે જવાનો અનુરોધ કર્યો.

‘પૅસ્ટોરલ’ વિશેષણ કૃતિના સ્વરૂપને નહિ, પણ તેની વસ્તુસામગ્રીને અનુલક્ષીને જ ઉલ્લેખાય છે. એટલે અન્ય સાહિત્યપ્રકારો પણ આ વિશેષણ વડે ઓળખાવાય છે; જેમ કે પૅસ્ટોરલ રોમાન્સ (સિડનીકૃત ‘આર્કેડિયા’), પૅસ્ટોરલ પ્લે (ફ્લેચરકૃત ‘ધ ફેથફુલ શેફર્ડેસ’, શેક્સપિયરકૃત ‘ઍઝ યુ લાઇક ઇટ’) તથા પૅસ્ટોરલ ઍલેજી (મિલ્ટનકૃત ‘લિસિડાસ’ તેમજ શેલીકૃત ‘એડોનિસ’). ગ્રામીણ વાતાવરણ તથા તેનું ભાવજગત જેવી પૅસ્ટોરલલક્ષી લાક્ષણિકતાઓને કારણે જ રૉબર્ટ-ફૉસ્ટ જેવા કવિને પૅસ્ટોરલ કવિ તરીકે ઓળખાવાયા છે. કેટલાક કવિઓએ પોતે પણ પોતાના કોઈ વિશેષ ઉદ્દેશથી પૅસ્ટોરલ શૈલીનો ઉપયોગ કર્યો છે; જેમ કે, લુઈ મૅકનીશના ‘એકલૉગ’માં તેનો વક્રોક્તિપૂર્વક પ્રયોગ થયો જણાય છે, જ્યારે દુર્બોધતાના હેતુસર ડબ્લ્યૂ. એચ. ઑડેન પોતાની લાંબી કાવ્યરચના ‘ધ એજ ઑવ્ એંગ્ઝાઇટી’ને ‘બૅરોક એકલૉગ’ તરીકે ઓળખાવે છે.

આ સાહિત્યપ્રકારની કૃત્રિમતા તથા અતિરેક પરત્વે પ્રતિક્રિયા જન્મવાથી અને પ્રકૃતિમાં વસતા માનવ વિશે નવાં મનોવલણ કેળવાવાથી ગ્રામીણ ર્દશ્યો તથા પાત્રો-પ્રસંગોના નિરૂપણમાં કઠોર અને નકરી તથા ઉગ્ર અને કડવી વાસ્તવિકતા દાખલ થવા લાગી; રૉબર્ટ બર્ન્સ, જ્યૉર્જ ક્રેબ, વિલિયમ વર્ડ્ઝવર્થ, જ્યૉર્જ એલિયટ તથા ટૉમસ હાર્ડી જેવા કવિઓ–નવલકથાકારોની કૃતિઓમાં આ વલણ જોવા મળે છે. રોમૅન્ટિસિઝમનો ઉદભવ થવાની સાથે જ આ સાહિત્યિક પરંપરા મૃતપ્રાય બની ગઈ.

મહેશ ચોકસી