ગોગી, સરોજ પાલ (જ. 3 ઑક્ટોબર 1945, નેઓલી, ઉત્તરપ્રદેશ; અ. 27 જાન્યુઆરી 2024, દિલ્હી) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. વનસ્થલી(રાજસ્થાન)ની આર્ટ કૉલેજમાં અભ્યાસ કર્યા પછી લખનૌની આર્ટ કૉલેજમાંથી ડિપ્લોમા મેળવ્યો.

સરોજ પાલ ગોગી
1970–77 સુધીમાં ખંડસમયના વ્યાખ્યાતા તરીકે કલાશિક્ષણની જુદી જુદી સંસ્થાઓમાં કામ કર્યું. 1991 સુધીમાં દિલ્હી, મુંબઈ, વડોદરા, બૅંગાલુરુ, ચેન્નાઈ તથા કૅનેડામાં મળીને 11 એકલ પ્રદર્શન યોજાયાં છે. તેઓ તેમની કલામાં સ્ત્રી-ભાવાત્મક અભિગમ ધરાવી, સંવેદનાને વહેતી મૂકે છે. રૂપકો સરળ, સીધાં અને આકૃતિપ્રધાન હોય છે. તેમને ભારતની પ્રથમ ત્રિવાર્ષિકીમાં અને ક્યૂબાની આંતરરાષ્ટ્રીય દ્વિવાર્ષિકીમાં ભાગ લેવાનો યોગ પ્રાપ્ત થયો હતો. વળી તેમણે ભારત તથા ભારત બહાર વિદેશમાં વિખ્યાત કલાકારોનાં વૃંદો સાથે પ્રદર્શનો યોજ્યાં હતા. દિલ્હીમાં 1980માં ‘સંસ્કૃતિ’ પારિતોષિક તેમને અપાયું હતું. અલ્જિરિયામાં આંતરરાષ્ટ્રીય નિર્ણાયકો દ્વારા ‘ઉત્કૃષ્ટતા’ને સૂચક પ્રમાણપત્ર અપાયેલું. 1990માં ભારતમાં ‘રાષ્ટ્રીય ઍવૉર્ડ’ અપાયો. કલાકારોની કાર્યશિબિરોમાં તેમણે અનેક વાર ભાગ લીધો હતો. વળી લલિતકલા અકાદમી તથા ભારતના સંસ્કૃતિ વિભાગની સંશોધનાત્મક શિષ્યવૃત્તિઓ પણ તેમણે મેળવી હતી.

સરોજ પાલ ગોગીએ દોરેલું ચિત્ર
કનુ નાયક