ગોગૅં, પૉલ (જ. 7 જૂન 1848, પૅરિસ; અ. 8 મે 1903, લાડોમિનિક, માર્કેસઝ ટાપુઓ) : ઓગણીસમી સદીના ક્રાંતિકારી ફ્રૅંચ ચિત્રકાર. પૅરિસમાં જન્મ્યા પણ પ્રણાલીથી છૂટવા તાહિતીમાં જઈ વસ્યા. ત્યાંની મુક્ત જીવનશૈલી તેમના મુક્ત ચિત્રણમાં મદદરૂપ થઈ. તેમના જીવનનાં પાછલાં વર્ષો દુ:ખ, ગરીબી અને માંદગીમાં – સિફિલિસના રોગી તરીકે ગયાં.

1855માં તેમનું કુટુંબ ફ્રાન્સ પાછું આવ્યું. 1873માં શ્રીમંત કુટુંબ સોફિયા ગેડ સાથે તેમનાં લગ્ન થયાં. 35 વર્ષની ઉંમરે શૅરદલાલીની ધીકતી કમાણી છોડી ચિત્રકલાને જીવન અર્પ્યું અને નવી કલાશૈલી ને જીવન માટે 1891માં તાહિતી ગયા. ત્યાં પોતાનો સ્ટુડિયો બનાવીને રહ્યા. 1893માં પૅરિસ પાછા આવી આનાં ધ જાવાનીઝ સાથે રહ્યા. 1895માં વળી તાહિતી ગયા.

તેજસ્વી રંગની અગમ્ય મિલાવટ સાથે આદિમ તત્વ ધરાવતાં તેમનાં ચિત્રો દ્વિપરિમાણી છે. તેમનું મોટામાં મોટું ચિત્ર ‘વ્હેર વી ગો… વ્હેર વી કમ ફ્રૉમ’ છે. તેમણે તાહિતીના જીવન પરથી અનેક ચિત્રો કર્યાં છે. ચિત્રોનો આકાર સાદો અને છાયાપ્રકાશવિહોણો હોય છે. તેમાં ગહનતા હોય છે. આમાં ‘રેડ ફ્લાવર્સ’ નોંધપાત્ર ગણાયું છે.

તેમણે પોતાની પત્નીના પત્રમાં લખ્યું છે : ‘પોતે મહાન ચિત્રકાર છે.’ તેમના મૃત્યુ પછી ત્રણ વર્ષે પૅરિસની ગૅલરીમાં તેમનાં ચિત્રો બતાવાયાં હતાં. પૉલ ગોગૅંએ કલાકારોને પશ્ચિમની વાસ્તવિક પ્રણાલીમાંથી સાચે જ મુક્ત કર્યા. તેમને સેઝાન ને પીસારો સાથે કામ કરવાની તક મળી હતી. વાન ગોગના નિમંત્રણથી બે માસ તેમની સાથે રહેલા. દુ:ખના દિવસોમાં તે કહેતા કે મુક્તિ માટે મૃત્યુ એકમાત્ર માર્ગ છે.

નટુભાઈ પરીખ