ગોખલે, વિદ્યાધર (જ. 4 જાન્યુઆરી 1924, અમરાવતી; અ. 26 સપ્ટેમ્બર 1996, મુંબઈ) : વિખ્યાત મરાઠી નાટ્યકાર તથા અગ્રણી પત્રકાર. પિતા શંભાજીરાવ ભૂતપૂર્વ મધ્યપ્રદેશ(Central Provinces)માં શિક્ષણમંત્રી હતા. શરૂઆતનું શિક્ષણ અમરાવતી ખાતે. 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા માટે કૉલેજ છોડી. પછી નાગપુર યુનિવર્સિટીમાંથી 1944માં સંસ્કૃત, મરાઠી અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. તથા 1947માં મરાઠી સાથે એમ.એ. થયા. 1944માં મુંબઈ આવ્યા અને 1944–47ના ગાળામાં કુર્લા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું. ત્યારપછી ‘નવભારત’ નામના મુંબઈથી પ્રસિદ્ધ થતા દૈનિકમાં ઉપસંપાદક તરીકે જોડાયા. થોડાક સમય પછી ‘વિવેક’ સાપ્તાહિકના તંત્રીપદે કાર્ય કર્યું. 1949માં મુંબઈથી પ્રસિદ્ધ થતા દૈનિક ‘લોકસત્તા’માં ઉપસંપાદક તરીકે જોડાયા, 1962માં તેના સહસંપાદક બન્યા, 1979–84ના ગાળામાં દૈનિક ‘લોકસત્તા’, દર રવિવારે ખાસ પ્રસિદ્ધ થતા ‘લોકસત્તા’ તથા ‘લોકપ્રભા’ અને ‘ચિત્રરંગ’ના મુખ્ય સંપાદક તરીકે કામ કર્યું; સાથોસાથ અન્ય મરાઠી વૃત્તપત્રો અને સામયિકોમાં લેખનકાર્ય કર્યું.

તેઓ મહારાષ્ટ્ર રાજ્ય ઉર્દૂ અકાદમીના સભ્ય, અખિલ ભારતીય મરાઠી નાટ્ય પરિષદના અધ્યક્ષ, 66મા અખિલ ભારતીય મરાઠી નાટ્ય સંમેલનના અધ્યક્ષ, નવમી લોકસભાના સભ્ય તથા 1983–86 દરમિયાન સાહિત્ય અકાદમી, દિલ્હીના સભ્યપદે હતા. મહારાષ્ટ્ર સરકારે તેમને રાજ્ય રંગમંચ નિયંત્રણ મંડળ(Drama Censor Board)નું સભ્યપદ આપ્યું હતું, જે તેમણે સૈદ્ધાંતિક બાબતોને અનુલક્ષીને સ્વીકાર્યું ન હતું.

નાટ્યલેખક તરીકે આધુનિક મરાઠી નાટ્યક્ષેત્રે તેમનું સ્થાન ઘણું ઊંચું છે. મરાઠી રંગમંચ પર સંગીત-નાટ્ય(opera)ને પુનર્જીવિત કરવામાં તેમનો ફાળો નોંધપાત્ર છે. મરાઠીના અગ્રણી નાટ્યકાર અણ્ણાસાહેબ કિર્લોસ્કર તથા કૃષ્ણાજી પ્રભાકર ખાડિલકરને તેઓ તેમના ગુરુસ્થાને સ્વીકારે છે. તેમની નાટ્યકૃતિઓમાં ‘સુવર્ણતુલા’, ‘પંડિતરાજ જગન્નાથ’, ‘મન્દારમાલા’, ‘મદનાચી મંજરી’, ‘જયજય ગૌરીશંકર’, ‘મેઘ મલ્હાર’, ‘સ્વરસમ્રાજ્ઞી’, ‘રૂપરંજની’ અને ‘બાવનખણી’ વિશેષ નોંધપાત્ર છે. નાટ્યલેખન ઉપરાંત તેમણે ‘શાયરે આઝમ ગાલિબ’, ‘હિંદુત્વાચા મહામેરુ’, ‘મર્દાની ઝાંસીવાલી’, ‘દીપમાળ’, ‘સૌરભ’ જેવાં પ્રેરક જીવનચરિત્રો તથા ‘ગડકરી નાટ્યદર્શન’, ‘ખાડિલકર નાટ્યદર્શન’, ‘કેશવવંદના’, ‘રંગગંધર્વ’, ‘ગીત-સિદ્ધાર્થ’, ‘પ્રેયસી તે પરમેશ્વર’ જેવા લેખો આપ્યા છે. ઉપરાંત ‘કવિકથા’ (મરાઠી, સંસ્કૃત, ઉર્દૂ અને હિંદી કવિઓની કથાઓ), ‘જુલેખા’ નામનો કથાસંગ્રહ, ‘રંગ ઇન્દ્રધનૂચે’ શીર્ષક હેઠળ લલિત નિબંધસંગ્રહ તથા ઉર્દૂ શાયરીનો પરિચય આપતો ‘શાયરીચા શાલીમાર’ ગ્રંથ ઉલ્લેખનીય છે.

તેમનાં નાટકોમાંથી 100 જેટલાં ગીતોની ધ્વનિમુદ્રિકાઓ (records) પ્રસારિત થયેલી છે.

એક ઉત્તમ વક્તા તરીકે પણ તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે