ગોકર્ણ : શિવનો એક અવતાર. સિદ્ધના પ્રસાદથી ગાયના પેટે જન્મેલ એક સિદ્ધ પુરુષ. તે નામનું એક પ્રસિદ્ધ જ્યોતિર્લિગ તીર્થ કર્ણાટકમાં કારવાર અને તંદ્રી બંદરોની વચ્ચે આવેલું છે.
સૃષ્ટિના આરંભે પ્રજાપતિ બ્રહ્માએ શિવને સૃષ્ટિ રચવાનું કામ સોંપ્યું, પણ તેમણે તે કામ કર્યું નહિ. તેથી સ્વયં બ્રહ્માએ પૃથ્વી રચી. શિવને એ ગમ્યું નહિ તેથી તે પૃથ્વીને આઘાત આપવા લાગ્યા. ત્યારે પૃથ્વીએ શિવને પ્રસન્ન કર્યા અને પોતે ગાયનું રૂપ ધારણ કરેલું. તેના કાનમાંથી નીકળી જવા વીનવ્યા. ગાયના કાનમાંથી જન્મ્યા માટે શિવ ગોકર્ણ કહેવાયા અને આ ઘટના જ્યાં બની તે સ્થળ ગોકર્ણતીર્થ કહેવાયું. વાયુપુરાણ અને શિવપુરાણમાં આ કથા છે.
ભાગવતની કથા અનુસાર આત્મદેવ નામે એક નિ:સંતાન બ્રાહ્મણને એક સિદ્ધ પુરુષે પુત્રોત્પત્તિ થાય એવું ફળ આપ્યું. આત્મદેવની પત્નીએ તેની સગર્ભા નાની બહેનના સૂચનથી ફળ ગાયને ખવડાવ્યું. તે ગાયને જન્મેલો કુમાર તે ગોકર્ણ. તેના કાન ગાય જેવા હતા. ગોકર્ણે આત્મદેવ અને તેની પત્નીનો ઉદ્ધાર કર્યો અને તેમના કહેવાતા દુષ્ટ પુત્રનો પણ ભાગવતકથાનું શ્રવણ કરાવી ઉદ્ધાર કર્યો. જે સ્થળે ભાગવતની કથા કરાઈ તે સ્થાન ગોકર્ણતીર્થ તરીકે પ્રસિદ્ધ થયું.
ગોકર્ણ એક પ્રસિદ્ધ તીર્થ છે. અહીંના મહાબળેશ્વર મહાદેવનું શિવલિંગ આત્મલિંગ છે. આ વિશે એવી પુરાણકથા છે કે રાવણની માતાના આદેશ અનુસાર રાવણે કૈલાસમાં શિવને પ્રસન્ન કરીને તેમની પાસેથી આત્મલિંગ માગ્યું. પ્રસન્ન થયેલા શિવે પોતાના હૃદયમાંથી શિવલિંગ કાઢી રાવણને આપ્યું. એ લઈ રાવણ લંકા જવા નીકળ્યો. દેવોને આ વાત ન ગમી. તેમણે કોઈ પણ રીતે એ લિંગ લંકા ન પહોંચે એવો ઉપાય કરવાનું કામ ગણપતિને સોંપ્યું. બટુકવેશે ગણપતિ ગોકર્ણતીર્થવાળા સ્થળે રાવણ પાસે આવ્યા. સંધ્યા-સમય હતો. રાવણ સાયંસંધ્યા કરવા ઇચ્છતો હતો. તેણે ગણપતિને જોઈ થોડો વખત લિંગ ધરી રાખવા કહ્યું. લિંગનો ભાર ન સહી શકવાથી ગણપતિએ ત્રણ વખત રાવણને બોલાવ્યો. પણ તેની સંધ્યા સમાપ્ત થઈ ન હતી તેથી તે ગણપતિ પાસે આવ્યો નહિ. ગણપતિએ લિંગ ભૂમિ પર મૂકી દીધું ને તે ત્યાં જ સ્થિર થઈ ગયું. રાવણ તેને ઉખાડી શક્યો નહિ. ગુસ્સે થયેલા રાવણે ગણપતિના માથે મુક્કો માર્યો. મુક્કાના આઘાતવાળી ગણપતિની મૂર્તિ ગોકર્ણતીર્થમાં છે. આ લિંગ એ જ મહાબળેશ્વરના મંદિરમાંનું આત્મલિંગ. આ સ્થાન તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. દક્ષિણના શૈવ સંપ્રદાયના લોકોનું આ મોટું તીર્થ છે.
ગોકર્ણનાં મંદિરો દક્ષિણ શૈલીનાં છે. મધ્યયુગના બ્રાહ્મણી રાજાઓએ આ તીર્થમાં મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. તે દક્ષિણનું કાશી ગણાય છે. પરશુરામે ગોકર્ણમાં ઊભા રહી પોતાની પરશુ દક્ષિણ તરફ ફેંકી તે જ્યાં પડી ત્યાં સુધીની ભૂમિ સમુદ્રતળમાંથી નીકળી આવી. એ રીતે કેરળ દેશની ઉત્પત્તિ થઈ. આજે પણ કેરળવાસીઓ આ કથાને યાદ કરે છે.
શિવપ્રસાદ રાજગોર
નટવરલાલ યાજ્ઞિક