ગોંડોલા : વેનિસ શહેરમાં પ્રવાસ કરવા માટેની વિશિષ્ટ હોડી. તે છીછરા પાણીમાં વપરાતી હોવાથી તેનું તળિયું સપાટ હોય છે. હોડીનો મોરાનો ભાગ અને પાછળનો ભાગ શણગારેલો હોય છે. સ્ટારબોર્ડ નજીકથી એક જ ખલાસી ઊભો રહીને તેનું સંચાલન કરે છે. શરૂઆતમાં ગોંડોલાનું 12 હલેસાં મારનારાઓ દ્વારા સંચાલન થતું હતું; પણ સોળમી સદીથી તેની રચના અને આકાર ચોક્કસ થયાં, જે હાલ પણ અનુસરાય છે. તેના આગળના અને પાછળના છેડા પાણી ઉપર ઢળતા રહે છે. સામાન્ય રીતે આ હોડી 9 મી. લાંબી અને 1 મી.થી થોડી વધુ પહોળી હોય છે. સાત પાંખિયો ધાતુનો ફેરો મોરાના આગળના ભાગને સુશોભિત કરે છે. તેનું વજન 18 કિલો હોય છે જે સામે ઊભા રહેલા ખલાસીના વજન સામે હોડીને સમતોલ રાખે છે. તેનો રંગ ઈ. સ. 1562થી કાળો રખાયો છે. આ હોડીનો ઉપરનો ભાગ ઢંકાયેલો હોય છે જે વરસાદ, પવન વગેરેથી રક્ષણ આપે છે.

ગોંડોલા

આ હોડી દ્વારા 6 થી 12 મુસાફરોનું વહન થાય. ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધી જ્યાં સુધી વરાળયંત્રની શોધ થઈ ન હતી ત્યાં સુધી 10,000 ગોંડોલા વેનિસમાં ફરતી હતી પણ વરાળથી સંચાલિત હોડીના આગમનને કારણે તેની સંખ્યા 500 જેટલી થઈ ગઈ છે. મોટા ભાગની ગોંડોલા ભાડે ફરતી હોય છે, પણ સુખી પૈસાદાર લોકોની ગોંડોલા તેમની માલિકીની હોય છે અને રંગબેરંગી પોશાકવાળા નોકરો દ્વારા તેનું સંચાલન થાય છે. આ ગોંડોલાનું સ્થાન હાલ નાની સ્ટીમરે લીધું છે. જે વરાળ કે અન્ય ઊર્જાથી સંચાલિત હોય છે. આ ઉદ્યોગ હવે મૃતપ્રાય છે.

શિવપ્રસાદ રાજગોર