ગૉથિક સ્થાપત્ય : પશ્ચિમ યુરોપમાં મધ્યકાલના ઉત્તર ભાગમાં રોમનસ્ક અને બાઇઝેન્ટાઇન કલાસ્વરૂપોમાંથી ઉદભવેલ સ્થાપત્યશૈલી. તે સોળમી સદીમાં પુનર્જાગૃતિકાળ સાથે સમાપ્ત થઈ. અનેક ઉત્તમ દેવળોનું બાંધકામ આ શૈલીમાં થયું છે. તેમાં ઉપરના

ગૉથિક સ્થાપત્યનો નમૂનો – રેઇમ્સ્ કેથીડ્રલ (1212–1300)

ભાગ સીધી ધારવાળી કમાન સાથે ખૂબ ઊંચા બાંધેલા હોય, એ એની વિશિષ્ટતા હતી. મોટા વજનદાર પથ્થરો અને સ્તંભો વગેરેથી જાણીતી ગ્રીક સ્થાપત્યશૈલીથી જુદી પડતી આ શૈલીમાં પાંસળીની જેમ ઝીણી પાતળી કમાનોથી બાંધકામ મજબૂત અને નયનરમ્ય બનાવાતું, જે ઊંચે જતાં કદમાં નાનું થઈ જતું. એ ઊંચી દીવાલો બાંધવા માટે અને ઊંચે જતી દીવાલોને પાતળી રાખવા માટે તથા એનાં વજન અને સ્થિરતાને ટેકો આપવા, એનાથી થોડે અંતરે કરવામાં આવતાં ચણતરો સાથે જોડવા વચ્ચે ખાસ બાંધકામો(flying butress)ની રચના કરાતી. આ અતિ ઊંચા ભવ્ય સીધા બાંધકામની શૈલી ઉચ્ચ ધાર્મિક અભિવ્યક્તિની દ્યોતક છે. આ શૈલીમાં વિશાળકાય બારીઓ ઉપર ઊંચી કમાનો સાથેના સ્ટેઇન્ડ ગ્લાસની કલાત્મક વિશિષ્ટતા અને એમાંથી ઝિલાઈને આવતો પ્રકાશ ભાવિકોમાં શ્રદ્ધા જગાવે તેવી અસર પાડતાં. આ શૈલીનો ચિત્રકલા, સંગીત, મૂર્તિકલા વગેરે પર પણ ખૂબ પ્રભાવ પડ્યો હોય તેવું જણાયું છે. એનાં નોંધપાત્ર ઉદાહરણો પૅરિસનું નોત્રદામ (1163–1235), એમાઇનસ્ કેથીડ્રલ, (1220–88), રેઇમ્સ્ કેથીડ્રલ (1212–1300) વગેરે છે.

મન્વિતા બારાડી