ગૉથિક રિવાઇવલ  (ઈ.સ. અઢારમી-ઓગણીસમી સદી) : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યના સંદર્ભમાં ગૉથિક શૈલીની સ્થાપત્યકલાનો પુન:પ્રસાર. આ સમય દરમિયાન ગૉથિક શૈલીનો મકાનોનાં આયોજનમાં ખૂબ જ પ્રભાવ રહ્યો, જે તત્કાલીન શૈલીઓથી અલગ વિચારધારા દર્શાવતો હતો. ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં અઢારમી સદીથી આની અસર સારી પ્રસરેલી હતી અને તેના દ્વારા ભારતમાં પણ અંગ્રેજ સમયનાં બાંધકામોમાં એ અસર આવી હતી. ફ્રાન્સ અને જર્મનીમાં તથા રશિયા અને ઇટાલીમાં પણ આનો પ્રભાવ જોવા મળે છે. દેવળોનાં બાંધકામ માટે તો આ એક સ્વીકૃત શૈલી બની; પરંતુ લોકોપયોગી મકાનો માટે પણ સ્થપતિઓએ આ શૈલીને ખૂબ પ્રમાણમાં અપનાવી. ભારતમાં પણ બનારસ, મુંબઈ, ચેન્નાઈ અને કૉલકાતાની અંગ્રેજોના સમયની અગત્યની ઇમારતોમાં આ શૈલીનું સ્થાપત્ય જોવા મળે છે.

રવીન્દ્ર વસાવડા