ગોદરેજ અદી (જન્મ 3 એપ્રિલ, 1942 -) : પ્રસિદ્ધ ભારતીય સાહસિક ઉદ્યોગપતિ, ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન. વર્ષ 2021માં ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેમને સન્માનીય ચૅરમૅન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પિતા બુર્જોજી ગોદરેજ. માતા જય ગોદરેજ. પત્ની પરમેશ્વર ગોદરેજ. પરમેશ્વર ગોદરેજ પ્રસિદ્ધ સેલિબ્રિટી હતાં, જેનું વર્ષ 2016માં અવસાન થયું. સંતાનો – નિસાબા ગોદરેજ, પિરોજશા ગોદરેજ, તાન્યા ગોદરેજ. પ્રારંભિક શિક્ષણ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં મેળવ્યું. અમેરિકાની એમઆઇટી સ્લોઅન સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાંથી એમબીએ પદવી મેળવી.

તાળાં બનાવવાના સાહસ સાથે શરૂ થયેલા ગોદરેજ ગ્રૂપે 100થી વધુ વર્ષની સફર સફળતાપૂર્વક ખેડી છે. અદી ગોદરેજે ભારતમાં ‘લાઇસન્સ રાજ’ કે ‘નિયંત્રિત અર્થતંત્ર’ના સમયગાળા દરમિયાન ગોદરેજ ગ્રૂપનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમને સૌપ્રથમ વર્ષ 1963માં ગોદરેજ સોપ્સ(અત્યારે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ કે GCPL તરીકે ઓળખાય છે)ના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સુપરત કરવામાં આવી હતી. તેમણે શરૂઆતનાં જ વર્ષોમાં વ્યાવસાયિક કુશળતા પુરવાર કરી હતી. જે કંપની વર્ષ 1963માં રૂ. 2 કરોડનું ટર્નઓવર ધરાવતી હતી, તે જ કંપનીએ અદિ ગોદરેજના નેતૃત્વમાં વર્ષ 1967માં રૂ. 8 કરોડનું ટર્નઓવર કર્યું હતું. તેમના નેતૃત્વમાં માર્કેટિંગની નવી શૈલીઓ અને વ્યૂહરચનાઓને અપનાવી હતી. એટલે ઉદ્યોગજગતના ઇતિહાસકારો વર્ષ 1967ને ગોદરેજ ગ્રૂપ માટે ‘ઐતિહાસિક રીતે વળાંક સમાન વર્ષ’ ગણાવે છે.

ગોદરેજ ગ્રૂપને આધુનિક બનાવવાનો અને વ્યવસ્થાપનની શૈલીમાં માળખાબદ્ધ પરિવર્તન કરવાનો શ્રેય અદી ગોદરેજને જાય છે. ભારતે વર્ષ 1991માં અર્થતંત્રમાં ઉદારીકરણની નીતિ અપનાવી. પરિણામે ભારતીય બજાર દુનિયાની કંપનીઓ માટે ખૂલી ગયાં. આંતરરાષ્ટ્રીય કંપનીઓ સામે સ્પર્ધાના પડકારોનો સામનો કરવા તેમણે કંપનીની વ્યવસાયિક નીતિઓમાં મોટા પાયે ફેરફારો કર્યા.

એકવીસમી સદીના પ્રથમ દાયકામાં અદી ગોદરેજના નેતૃત્વમાં ગોદરેજ ગ્રૂપની વિવિધ કંપનીઓએ 10 વર્ષની પુનર્ગઠનની પ્રક્રિયા પૂર્ણ કરી. આ નીતિ અંતર્ગત દરેક વ્યવસાયને સ્વતંત્ર કંપની તરીકે સ્થાપિત કરવામાં આવ્યો. આ કંપનીઓનું વ્યાવસાયિક ઢબે સંચાલન કરવા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)/ચીફ ઑપરેશન ઑફિસર (COO) તરીકે ગોદરેજ પરિવારની બહારથી જે તે ક્ષેત્રના અગ્રણી વ્યાવસાયિકોની નિમણૂક કરી.

સાથે સાથે વૈશ્વિકીકરણ સાથે ગ્રૂપને નવી દિશા આપવા અદી ગોદરેજે કામગીરીનું આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવા ‘3 X 3 વ્યૂહરચના’ નામનો નવતર અભિગમ અપનાવ્યો છે – આ અભિગમ હેઠળ ગોદરેજ ગ્રૂપે એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકા એમ ત્રણ ખંડના વિવિધ દેશોનાં વિકસતાં બજારોમાં ત્રણ કૅટેગરીઓ હોમ કૅર, પર્સનલ વૉશ, હેર કૅરમાં કામગીરીને વેગ આપ્યો છે. પરિણામે ગોદરેજ ગ્રૂપ અત્યારે ભારત સહિત દુનિયામાં અગ્રગણ્ય બહુરાષ્ટ્રીય ગ્રૂપ ગણાય છે. તેનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 1.50 લાખ કરોડ છે.

અદિ ગોદરેજના નેતૃત્વમાં ગોદરેજ ગ્રૂપે એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ), ફર્નિચર, કૃષિ, અંતરિક્ષ, રિયલ એસ્ટેટ, સંરક્ષણ, હાઉસિંગ વગેરે ક્ષેત્રોમાં કામગીરીનું વિસ્તરણ કર્યું છે. અત્યારે ગોદરેજ ગ્રૂપ ભારતમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ ઍન્ડ બૉય્સ, ગોદરેજ ઍગ્રોવેટ, ગોદરેજ હર્શી, ગોદરેજ ઇન્ટેરિયો જેવી કંપનીઓ ધરાવે છે તેમજ બ્રિટનમાં કીલાઇન બ્રાન્ડ્સ અને દક્ષિણ આફ્રિકામાં રેપિડોલ નામની કંપનીઓ ધરાવે છે.

અદી ગોદરેજના નેતૃત્વમાં ગોદરેજ ગ્રૂપે સમાજોપયોગી સેવાઓ કરવાની પારિવારિક પરંપરા જાળવી રાખી છે. ગોદરેજ ભારતમાં વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF)ને સૌથી મોટું પીઠબળ પૂરું પાડે છે. ગ્રૂપ કંપનીના કર્મચારીઓનાં બાળકો માટે શાળા સ્થાપિત કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓને ટેકો આપ્યો છે. ઉપરાંત મુંબઈમાં વિક્રોલીમાં 150 એકરમાં મેન્ગ્રોવનાં જંગલોને વિકસાવવામાં અને જાળવી રાખવામાં ગ્રૂપે મોટું પ્રદાન કર્યું છે. તેમના નેતૃત્વમાં ગોદરેજ ગ્રૂપે વિવિધ ટ્રસ્ટ દ્વારા સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણ જેવાં ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

વર્ષ 2013માં ભારત સરકારે વર્ષ 2012 માટે દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકીનું એક ‘પદ્મભૂષણ’ એનાયત કરીને અદી ગોદરેજનું બહુમાન કર્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે તેમને આ સન્માન એનાયત થયું હતું. ઉપરાંત વર્ષ 2012-13 દરમિયાન અદી ગોદરેજે ભારતીય ઉદ્યોગજગતના સર્વોચ્ચ ઔદ્યોગિક સંગઠન ભારતીય ઉદ્યોગ મહાસંઘ (CII)ના અધ્યક્ષ તરીકે કામ કર્યું છે. ઉપરાંત તેમને વર્ષ 2017માં જગપ્રસિદ્ધ મૅગેઝિન ફૉર્બ્સ દ્વારા ‘ફૉર્બ્સ ઇન્ડિયા લીડરશિપ ઍવૉર્ડ્ઝ – લાઇફટાઇમ એચીવમેન્ટ’ એનાયત થયો હતો.

કેયૂર કોટક