ગેટ્સ, બિલ (વિલિયમ હેનરી)

February, 2011

ગેટ્સ, બિલ (વિલિયમ હેનરી) (જ. 28 ઑક્ટોબર 1955, સિયૅટલ, વૉશિંગ્ટન) : વિશ્વનો અને ઇતિહાસનો સૌથી નાની વયનો ધનકુબેર. માઇક્રોસૉફ્ટ કૉર્પોરેશનનો માલિક અને મુખ્ય વહીવટકર્તા. સૉફ્ટવેરનો સર્વોચ્ચ સોદાગર.

બિલ ગેટ્સ

તેને 12 વર્ષની નાની વયથી કમ્પ્યૂટરનું ભારે આકર્ષણ હતું અને એ જ અરસામાં સૉફ્ટવેરની શરૂઆત કરી કમ્પ્યૂટરની બેઝિક લૅંગ્વેજ વિકસાવી. 15 વર્ષની વયે સિયૅટલમાં વાહનવ્યવહારનું નિયમન કરવાની પ્રયુક્તિ(device)ની રચના કરી. 1977માં હાર્વર્ડનો અભ્યાસ પડતો મૂકી બાળપણના ગોઠિયા અને મિત્ર પૉલ એવન સાથે માઇક્રોસૉફ્ટ કંપની સ્થાપી. માઇક્રોસૉફ્ટ શબ્દ માઇક્રો-કમ્પ્યૂટર અને સૉફ્ટવેર – આ બંને શબ્દોના પ્રથમ ત્રણ અક્ષરોના સંયોજનથી નીપજ્યો છે. જેમાં DOSનું ઉત્પાદન અને વિકાસ કરવાનું તથા ‘પ્રત્યેક ઘરમાં અને પ્રત્યેક ટેબલ પર કમ્પ્યૂટર’ પહોંચાડવાનું તેમનું સ્વપ્ન હતું. આ માઇક્રોસૉફ્ટ કંપની કમ્પ્યૂટર ચલાવનાર સૉફ્ટવેર પ્રોગ્રામ જેને ડિસ્ક ઑપરેટિંગ સિસ્ટમ કહે છે તેનું ઉત્પાદન કરે છે. 1980માં કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ ઉપરાંત સૉફ્ટવેરના ક્ષેત્રે તેમણે શરૂઆત કરી એમ.એસ.-ડૉસ(MS-DOS)ની પદ્ધતિ વિકસાવી. પર્સનલ કમ્પ્યૂટર (PC) માટે આ પદ્ધતિનો સ્વીકાર ખ્યાતનામ આઇ.બી.એમ. (International Business Machines) કંપનીએ કર્યો અને તે માટેનો પરવાનો માઇક્રોસૉફ્ટ કંપનીને આપવામાં આવ્યો. પરિણામે એમ.એસ.-ડૉસ પદ્ધતિ કમ્પ્યૂટર પરિચાલન માટેની મુખ્ય પદ્ધતિ બની. પ્રારંભનાં ચાર વર્ષમાં આ કંપનીની કમાણીનો વાર્ષિક આંકડો 10 લાખ ડૉલરને આંબી ગયો હતો. એમ.એસ.ડોસ તેમને માટે સોનાની ખાણ બની, એથી બિલની વૈશ્વિક સફળતાનાં દ્વાર ખૂલી ગયાં. 1990માં 3.0 windows અને 1995–96 windows 95ની પ્રયુક્તિઓ બજારમાં મૂકી તેમણે તરખાટ મચાવ્યો. 1997માં ઇન્ટરનેટ એક્સપ્લૉરર 4.0 બજારમાં મૂક્યું. વિન્ડોઝ, વિન્ડોઝ એક્સપી અને વિન્ડોઝ વિસ્ટા ઑપરેટિંગ સિસ્ટિમ આવતાં બિલ સફળતાના શિખરે – ધનના ઢગલા સાથે – પહોંચ્યા.

તેમની આ તમામ સફળતાનો ઝાઝો આધાર ટૅકનિકલ બાબતોને બજારમાં વેચાણક્ષમ બનાવવાની તેની પ્રશંસનીય શક્તિમાં રહેલો છે. કમ્પ્યૂટર વેચાણની ક્ષમતામાં તેઓ ભારે મોટો સ્પર્ધક ગણાય છે. વિચક્ષણ બુદ્ધિશક્તિ અને અથાગ પરિશ્રમને પરિણામે ઇન્ટરનેટ-સેવા દ્વારા વિશ્વને જોડવાનું સ્વપ્ન સાકાર કરવા તેમણે હરણફાળ ભરી છે.

ઇન્ફરમેશન ટૅક્નૉલૉજીના ક્ષેત્રે ભારે વર્ચસ્ને કારણે તેમને કેટલાક આક્ષેપોના ભોગ બનવું પડ્યું છે. તેમના પર ઇજારાશાહી ચલાવી, જોહુકમીભર્યો ધંધો કરી, સ્પર્ધાનું તત્વ નામશેષ કરી ગ્રાહકોનું શોષણ કરવાનો આક્ષેપ અમેરિકાની ફેડરલ અદાલતમાં મુકાયો હતો. દેશ અને ગ્રાહકોને નુકસાનકારક ઇજારાશાહી ચલાવવા માટે ન્યાયાધીશ જૅક્સને તેમને કસૂરવાર ઠેરવ્યા છે. આથી કદાચ તેમની એકધારી પ્રગતિમાં કંઈક રુકાવટ આવશે. માઇક્રોસૉફ્ટ કંપનીના મુખ્ય વહીવટકર્તા તરીકે 25 વર્ષ કંપનીનું સંચાલન કર્યા બાદ 13 જાન્યુઆરી 2000ના રોજ સીઈઓના આ હોદ્દા પરથી રાજીનામું આપી તેમણે પોતાના ઉત્કૃષ્ટ પસંદગીના કાર્યમાં પાછા ફરવાનું નક્કી કર્યું છે. ઇન્ટરનેટ યુગના આર્ષદર્શનને આકાર આપવા સૉફ્ટવેરના મુખ્ય શિલ્પી (chief software architect) તરીકે નવી કામગીરી તેમણે સ્વીકારી છે. વિન્ડોઝની છેલ્લી આવૃત્તિ વિકસાવવાના કામ બાદ 27 જૂન 2008માં તેમણે માઇક્રોસૉફ્ટમાંથી નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીના કમ્પ્યૂટર વ્યવસાયીઓને વિધિપુર:સરની માન્યતા આપવા નિમિત્તે 1997ના માર્ચના પ્રથમ સપ્તાહમાં તેમણે ભારતની ટૂંકી મુલાકાત લીધી. આ મુલાકાતવેળાએ ભારતની ગરીબી, રોગચાળો, તંદુરસ્તી, ખેતઉત્પાદન અને વધુ સારું શિક્ષણ જેવી સમસ્યાઓ અંગે તેમણે પોતાની નિસબત વ્યક્ત કરી હતી. તેમનું મંતવ્ય હતું કે આ સમસ્યાઓ હલ કરવા ઇન્ફરમેશન ટૅક્નૉલૉજીની ભારતને તાતી જરૂર છે. સૉફ્ટવેરમાં તેઓ ભારતને ભવિષ્યનો શક્તિશાળી દેશ ગણે છે. ઇન્ફરમેશન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરી દૂર-દરાજના વિસ્તારોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વ્યાપ વિસ્તારી શકાય એમ તેમનું માનવું છે. તેમના મતે, સમસ્યાઓનો ઝડપી ઉકેલ જોઈતો હોય તો ‘લખાપટી વગરના વહીવટી તંત્ર’(paperless offices)ની દિશામાં આગળ વધવું જોઈએ. હિન્દી અને ભારતની અન્ય ભાષાઓમાં સૉફ્ટવેરના વિકાસ બાબતે ઊજળી શક્યતાઓ છે એમ માની તેમણે ધોરણપુર:સરનું સૉફ્ટવેર વિકસાવવા અંગેની ગંભીર ચર્ચા ભારતની ઔદ્યોગિક પેઢીઓ સાથે કરી હતી. તેમની માઇક્રોસૉફટ કંપનીમાં રોકાણ કરનારા અગ્રિમ દેશોમાંનો એક ભારત છે.

આમ આદમીની નજરમાં કમ્પ્યૂટરનો પર્યાય બનનાર, 1995થી 2008 સુધી ધનાઢ્યોની યાદીમાં પ્રથમ ક્રમાંક પર રહેનાર બિલ વિવિધ કારણોસર વિશ્વમાં અદ્વિતીય ચાહના પામ્યા છે. સામાજિકતાની દૃષ્ટિએ શિખરની ટોચ પર પહોંચવાના યુગસર્જક સમયે તેમણે 27 જૂન 2008થી ‘ચીફ સૉફ્ટવેર આર્કિટેક્ટ’નું પદ ત્યાગી દીધું છે. 13 જાન્યુઆરી 2000ના રોજ તેમણે કંપનીનો સીઈઓનો હોદ્દો છોડ્યો હતો. સર્વોચ્ચ સ્થાને પહોંચતાં જ 55 વર્ષની વયે સર્વાંગી વ્યવસાયી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી નિવૃત્તિ લેવાની તેમની આ સમયસૂઝ કાબિલેદાદ છે.

લગભગ આ જ અરસામાં તેમણે કરેલી બીજી એક ઘોષણા પણ કાબિલેદાદ છે – બિલે તેમની તમામ 30 અબજ પાઉન્ડ(2009ના વર્ષમાં – આશરે 58 અબજ ડૉલર)ની સંપત્તિ વારસદારો માટે છોડી જવાને બદલે દાનમાં આપી દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ માટે બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સ્થાપીને તે દ્વારા વિશ્વભરમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આ દંપતી કાર્યરત રહેશે. સમાજ પાસેથી પ્રાપ્ત કરેલી સંપત્તિ સમાજને પરત કરવાના ઉમદા આશયથી તેઓ આ સ્તુત્ય પગલું ભરે છે. અલબત્ત, તેમનો હવેનો જંગ ભૂખમરા, મલેરિયા, એઇડ્સ અને મૃત્યુ સામે છે. માનવજાતના આ મહાશત્રુઓને અવરોધવા ઉપર્યુક્ત ફાઉન્ડેશન સાથે આ દંપતી પૂર્ણ સમય માટે આ કામમાં જોતરાવાનું છે.

25 જુલાઈ 2009ના રોજ ભારત ખાતે બિલને 2007ના વર્ષનો ઇન્દિરા ગાંધી શાંતિ, નિ:શસ્ત્રીકરણ અને વિકાસ માટેનો પુરસ્કાર એનાયત થયો છે. આ પુરસ્કાર ભારત ખાતે તેમની ગરીબી અને રોગચાળા વિરુદ્ધની – ખાસ કરીને એચઆઇવી – એઇડ્સ વિરુદ્ધની લડતના સંદર્ભમાં અપાયો છે.

2000માં માઇક્રોસૉફ્ટના કૉ-ચીફ એક્ઝિક્યુટિવ રહેલા સ્ટીવ બાલ્મેર કંપનીમાં તેમના અનુગામી બન્યા છે. યુવાન સાહસિકોને સફળતાનો મંત્ર શીખવતું તેમનું પુસ્તક ‘બિઝનેસ @ ધ સ્પીડ ઑવ્ થૉટ્સ’ ઉત્તમ વેચાણનો કીર્તિમાન ધરાવે છે. સૉફ્ટવેરનો આ સુપર સોદાગર બિલ માનવસેવાના ક્ષેત્રે સફળતાનાં શિખરો સર કરશે તો તેમની આ સિદ્ધિ ‘માઇક્રોસૉફ્ટ’ની સિદ્ધિ કરતાં સવાઈ પુરવાર થશે તેમાં ભાગ્યે જ કોઈ શંકા છે.

તેમને મળેલાં સન્માનોમાં નાઇટ કમાન્ડર ઑવ્ ધ ઓર્ડર ઑવ્ ધ બ્રિટીશ એમ્પાયર (2005), પદ્મભૂષણ (2015), પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ્ ફ્રીડમ (2016) અને હિલાલ-એ-પાકિસ્તાન (2022) વગેરે

રક્ષા મ. વ્યાસ