ગેટે, યોહાન વૉલ્ફગાન્ગ

February, 2011

ગેટે, યોહાન વૉલ્ફગાન્ગ (જ. 28 ઑગસ્ટ 1749, ફ્રેન્કફર્ટ-આમ-માઇન; અ. 22 માર્ચ 1832, વાઇમાર, જર્મની) : જર્મન ભાષાના બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રસિદ્ધ સાહિત્યકાર. કિશોરવયમાં જ ગેટે પર ફ્રેન્ચ કવિતાની અસર પડી. પછી ત્યાં રજૂ થતાં ફ્રેન્ચ નાટકો અને ઑપેરા જોઈ નાટકો પ્રત્યે રુચિ થઈ. 16 વર્ષની ઉંમરે તો તેમને ફ્રેન્ચ ઉપરાંત ઇટાલિયન, હિબ્રૂ તેમજ અંગ્રેજી સાહિત્યનો સંપર્ક થઈ ચૂકેલો અને માનસિક ક્ષિતિજો ત્યારથી જ વિસ્તરતી રહી. સંગીત અને ચિત્રકળાનું પણ નાનપણથી આકર્ષણ. પિતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા 1765થી 1768 દરમિયાન તે લાઇપ્ઝિગ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરવા ગયા ખરા, પણ એ અભ્યાસમાં એમનું દિલ ચોંટ્યું નહોતું. ત્યાં એના ગ્રેટશેન સાથે થયેલા પ્રેમસંબંધને પરિણામે જર્મન ભાષાને ‘ઍનેટ’ શીર્ષક ધરાવતાં ઉત્તમ ઊર્મિકાવ્યો મળ્યાં. માંદગીને કારણે ફ્રેન્કફર્ટ પાછા આવ્યા ત્યારે તેમના ચિત્તમાં ‘ફાઉસ્ટ’માં અમર થનાર એક પાત્ર પણ હતું. માંદગી દરમિયાન એમને જીવનમાં રહેલી દાનવતાની જાણ થઈ, તો બીજી તરફ ભૂતપ્રેતની દુનિયામાં રસ પડ્યો. વીસ વર્ષની વયે આમ ‘ફાઉસ્ટ’ મહાનાટકની પૂર્વભૂમિકા બંધાઈ હતી. 1770–71ના સ્ટ્રાસબર્ગના અભ્યાસકાળ વખતે જર્મન વિવેચક હર્ડર સાથેની મુલાકાતે તેમનામાં જર્મન લોકસાહિત્ય પ્રતિ અને શેક્સપિયરનાં નાટકોમાં ઊંડો રસ જગાડ્યો. પાદરી કન્યા ફ્રેડરિકા બ્રાયન સાથેના પ્રણયથી તેમણે રચેલાં સંવેદનપ્રવણ ઊર્મિગીતોએ જર્મન કવિતામાં એક નવી જ ભાત પાડી.

ફ્રેન્કફર્ટમાં વકીલ તરીકેની કારકિર્દીનાં વર્ષો(1771–75)માં રાષ્ટ્રવ્યાપી ખ્યાતિ અપાવનાર ઐતિહાસિક નાટક  von Berlichingen — ‘ગૉત્ઝ’(1773)નું સર્જન થયું. મધ્યકાલીન પરિવેશમાં, નાટક તરીકે ‘ગૉત્ઝ’ બહારવટિયાને કેન્દ્રમાં રાખી લખાયેલી આ કૃતિ દ્વારા નાટકના ક્ષેત્રે નવું આંદોલન આવ્યું. 1774માં યુરોપભરમાં ભૂરકી નાખનાર નવલકથા Die Leiden des Jungen Werthers — ‘વેર્થરની વ્યથાઓ’ પ્રકટ થઈ. આ કૃતિની રચના પાછળ પરિણીત શાર્લૉટ બ્રૂફ માટેનો નિષ્ફળ પ્રેમ તેમજ એક વકીલની આત્મહત્યા કારણભૂત હતાં. નવલકથા મિત્રને પત્રો રૂપે લખાયેલી છે. વેર્થર લોતે નામની કન્યાના પ્રેમમાં પડ્યાની વાત પોતાના મિત્રને પત્રમાં લખે છે અને પછી લોતેનું અન્ય સાથે લગ્ન થતાં તે જે ભયંકર યાતના સહે છે તેનું હૃદયવિદારક વર્ણન કૃતિના પત્રોમાં મળે છે. ગેટે આ રચનાથી સમગ્ર યુરોપમાં વ્યાપી ગયા; નેપોલિયને તે સાત વાર વાંચેલી. કૃતિમાં નિરૂપિત જીવનદર્શન અને શૈલી પૂર્ણપણે રંગદર્શી હોઈ તે શુષ્ક બૌદ્ધિકતા પર પ્રહાર કરે છે.

1775માં વાઇમારના ડ્યૂકના નિમંત્રણથી ગેટે ફ્રેન્કફર્ટને કાયમ માટે તજી દે છે. ગેટે અહીં એક મંત્રી તરીકે જીવનના વ્યવહારુ અનુભવો પામે છે. શાર્લોટ ફૉન સ્ટાઇન સાથે થતું મિલન ગેટેને શાંતિ, પ્રેમ અને પવિત્રતાના રંગોથી રંગે છે. તેમનું પ્રસિદ્ધ કાવ્ય ‘વૉન્ડરર્સ નાઇટસૉન્ગ’ (1783) શાંતિ અને માનવતાનો સંદેશ લઈને આવે છે. 1786–88ની ઇટાલીની મુસાફરી તેમને નવી પ્રેરણા આપે છે, જેને પરિણામે તેમની સર્જકતા ‘ઇફિજીની આઉફ ટૉરિસ’ (1787), અને ‘તાસો’ (1790) જેવી પ્રશિષ્ટ નાટ્યરચનાઓ સર્જે છે. ‘તાસો’માં કવિ અને માનવજીવનની વાસ્તવિકતાનો સમન્વય દર્શાવતું તત્વ કંઈક અંશે, આત્મકથનાત્મક પણ છે. 1788–1806નાં વર્ષો ગેટે ક્રિસ્ટિના વુલ્પિયસ સાથે ગાળે છે, પણ વાઇમાર થિયેટર સાથે તો સંકળાયેલા જ રહે છે. અહીં શીલર સાથેની મૈત્રી અને હૂંફ પામે છે. શીલરનાં નાટકો રંગભૂમિ પર લાવનાર ગેટે જ.

યોહાન વૉલ્ફગાન્ગ ગેટે

તેમની ‘વિલ્હેમ માઇસ્ટર્સ લેહરયાર્હ’ (1795–96) એક તરુણના ઘડતરની નવલકથા છે, જેને જર્મનમાં ‘બિલ્ડુંગ્ઝ રોમાન’ કહે છે. વિલ્હેમ એક શિખાઉ તરીકે જીવનના અનુભવો લેવા નીકળી પડે છે. પછી જીવનકર્તવ્યને નિષ્ઠાથી સ્વીકારી અનુભવો કરતો વિલ્હેમ સાચા અર્થમાં ‘માઇસ્ટર’ બને છે. તેની વાત ‘વિલ્હેમ માઇસ્ટર્સ વૉન્ડરયાર્હ’(1829)માં આલેખાઈ છે. જીવન દ્વારા જીવનનું શિક્ષણ તે ગેટેની વિભાવના અહીં પ્રકટ થાય છે. ફારસી કવિ હાફિઝના પ્રભાવ હેઠળ ‘વેસ્ટ ઓસ્ટલિયર દીવાન’(1819)નાં કાવ્યોની રચના થઈ. કવિ ન્હાનાલાલે આ કથાને ‘કાદંબરી’ કહી નવાજી છે.

ગેટેની મહાન રચના ‘ફાઉસ્ટ-1’ (1808) અને ‘ફાઉસ્ટ-2’ (1832) આધ્યાત્મિક શાંતિની શોધમાં નીકળેલા માનવી વિશેના અને વિશ્વમાંગલ્યના મહાનાટક તરીકે જગતની એક અમર સાહિત્યકૃતિ છે. ‘ફાઉસ્ટ’માંનો જીવનસંદેશ એટલે અવિરત કર્મયોગ દ્વારા સાચા માનવ બનવું તે, સાચી મુક્તિ પામવી તે. પ્રથમ ખંડની પ્રસ્તાવના કવિ કાલિદાસના ‘શાકુન્તલ’ની આરંભની પ્રસ્તાવનાથી પ્રેરિત છે તે નોંધવું જોઈએ. સ્વર્ગમાં થતા ઈશ્વર અને શેતાન સમા મૅફિસ્ટોફિલિસ વચ્ચેના વાદવિવાદ પછી મૅફિસ્ટોનું ફાઉસ્ટ જેવા વિદ્વાન માનવને કુમાર્ગે લલચાવવા ફાઉસ્ટના જ અભ્યાસખંડમાં અવતરણ થાય છે. નિર્વેદમાં ડૂબેલા ફાઉસ્ટને સર્વ સુખ આપતી અંતિમ ક્ષણનો અનુભવ કરાવવાની મૅફિસ્ટો તૈયારી બતાવે છે. પણ માર્ગરેટ (ગ્રેટશેન) નામની તરુણીની કરુણાંતિકાથી ફાઉસ્ટને પેલી શાંતિની ક્ષણ સાંપડતી નથી. ‘ફાઉસ્ટ-1’નો આ અંત. બીજા વિભાગમાં ફાઉસ્ટ હેલનની માગણી કરે છે. એ બંનેનું મિલન રંગદર્શી અને પ્રશિષ્ટ જીવનર્દષ્ટિના મિલનનું પ્રતીક છે. હેલનને ભેટવા જતાં ફાઉસ્ટને સાંપડે છે માત્ર હેલનનું વસ્ત્ર. ફાઉસ્ટની આ સુખની ભ્રાંતિ પછી પણ તે પોતાને ભૂલી બીજાની સેવામાં સમર્પિત થઈ પરમ સુખની ક્ષણ પામે છે અને તે જ ક્ષણે મૃત્યુને ભેટે છે. અંતે, દેવદૂતો મૅફિસ્ટોને હરાવી ફાઉસ્ટના આત્માને સ્વર્ગમાં લઈ જાય છે. ફાઉસ્ટ આખરે ભૂલો કરતો કરતોય પ્રકાશ તરફ જાય છે.

અવસાન સમયે બારી પરનો પડદો દૂર કરવાનું કહેતાં ગેટે ગણગણે છે : ‘પ્રકાશ ! વધુ પ્રકાશ !’ એ એમના છેલ્લા શબ્દો.

અનિલા દલાલ