ગેઝર, હર્બર્ટ સ્પેન્સર (Herbert Spencer Gasser) (જ. 5 જુલાઈ 1888, પ્લેટવિલે, વિસ્કોન્સિન, યુ.એસ.; અ. 11 મે 1963, ન્યૂયૉર્ક, યુ.એસ.) : દેહધર્મવિદ્યાના ક્ષેત્રે ઈ. સ. 1944ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. એકલા ચેતાતંતુઓનું કાર્ય ઘણું જ વિભેદિત (differentated) અથવા અલગ પડતું હોય છે તેવી શોધ માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. રાજ્યની સામાન્ય શાળામાં અભ્યાસ કરીને તેઓ વિસ્કોન્સિન મહાવિદ્યાલયમાં ભણવા ગયા અને સન 1910 અને 1911માં સ્નાતક થયા. સન 1915માં તેમણે જ્હૉન્સ હૉપ્કિન્સ મેડિકલ સ્કૂલમાંથી એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં જોડાયા અને સન 1921માં પ્રાધ્યાપક બન્યા. 1923થી 1925 તેઓ યુરોપ ભણવા ગયા. 1931માં તેઓ ન્યૂયૉર્કમાં કૉર્નેલ યુનિવર્સિટીમાં દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક અને વડા બન્યા. 1935થી 1953 તેઓ રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચના નિયામક
બન્યા અને પછી તેના પ્રમાન્ય સભ્ય (member emeritus) બન્યા. તેમણે લૉ વોલ્ટેજ કૅથોડ રે ઑસિલોસ્કોપની મદદથી જુદા જુદા ચેતાતંતુઓના જુદા જુદા આવેગવહનોનો વેગ દર્શાવીને પીડાની સંવેદના લઈ જતા ચેતાતંતુઓ અને ચેતાપરાવર્તી ક્રિયા(reflexaction)માં સક્રિય ચેતાતંતુઓની જુદી લાક્ષણિકતાઓ પારખી બતાવી, તેમણે ચેતાદેહધર્મવિદ્યામાં અભ્યાસનાં નવાં દ્વાર ખોલ્યાં. તેમણે સન 1937માં ‘ચેતાકીય સક્રિયતાનાં વીજચિહ્નો’ પર પુસ્તક તથા અન્ય ઘણાં શોધપત્રો પણ લખ્યાં હતાં. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. તેઓ આજીવન અપરિણીત રહ્યા હતા.
શિલીન નં. શુક્લ