ગેઇન્સબરો, થૉમસ (જ. 14 મે 1727, સડબરી [સફોક], ઇંગ્લૅન્ડ; અ. 2 ઑગસ્ટ 1788, લંડન) : નિસર્ગચિત્રો અને વ્યક્તિચિત્રોના અંગ્રેજ ચિત્રકાર. અભ્યાસ લંડનમાં. પૂર્વઅભ્યાસ વોટુની મનુષ્યાકૃતિઓનો અને ફ્રેન્ચ રોકોકો કલાકારોની કૃતિઓનો. ગ્રેવલૉટ માટે ડચ કલાકારોનાં નિસર્ગચિત્રોના એન્ગ્રેવિંગનો અભ્યાસ થયો, જેની અસર ભાવિ ચિત્રોમાં દેખાય છે. ગેઇન્સબરો આદર્શરૂપ નિસર્ગચિત્રો કરતા; પણ રૅનોલ્ડ તેને ‘ફૅન્સી’ ચિત્રો કહી ઉપાલંભ કરતા. તેનાં રહસ્ય તો તે પ્રકાશયોજનામાં મૂકતા; રૂબેનનાં ચિત્રોની તેમના પર સ્થાયી અસર પડેલી. માર્દવભર્યું પીંછીકામ, કાવ્યાત્મક શૈલી અને રંગની વૈભવી અનુભૂતિ તેમનાં ચિત્રોમાં જોઈ શકાશે. મનગમતાં નિસર્ગચિત્રો છોડી આર્થિક સધ્ધરતા માટે તે વ્યક્તિચિત્રો
કરતા. વ્યક્તિચિત્રોમાં ઇંગ્લૅન્ડ અને સમસ્ત યુરોપમાં તેમની ગણના કમાઉ, વ્યવસાયી તથા નામી કલાકાર તરીકે રહી. 1759ની તેમની ‘બાથ’ની મુલાકાતના પરિણામે ‘ફૅશનેબલ’ ચિત્રજગતનો પરિચય થયો. ‘રૉયલ’ અકાદમીના સ્થાપક સભ્ય હોવા છતાં મતભેદ થતાં પોતાના ઘરમાં સ્કોમબર્જ હાઉસ(પાલ માલ)માં પ્રદર્શન યોજ્યું. સ્ત્રીપાત્રોનાં ચિત્રોમાં ભાવ અને સજીવતાની ર્દષ્ટિએ તે સફળ રહ્યા. ઉદા. ‘કાઉન્ટેસ હોવ’, પરિણીત યુગલવાળું ‘ધ મૉર્નિગ વૉક’ તથા
પોતાની બે દીકરીઓનાં ચિત્ર. ‘ધ હાર્વેસ્ટ વૅગન’, ‘ટૂ શેફર્ડ બૉય્ઝ વિથ ડૉગ્ઝ ફાઇટિંગ’ જેવાં ચિત્રોને ફૅન્સી ચિત્રોમાં ખપાવી શકાય. તેમનાં તૈલ ત્વરાંકનો અને રેખાંકનો ઉચ્ચ કક્ષાનાં ગણાવી શકાય. ‘હાઉલ મેડ’ તથા ‘મિસિસ ગેઇન્સબરો ગોઇંગ ટુ ચર્ચ’ આ ર્દષ્ટિએ ઉલ્લેખનીય છે.
કનુ નાયક