ગૃહવિજ્ઞાન

અર્થ અને મહત્વ : ઘરનાં સંચાલન, વ્યવસ્થા, સજાવટ, આયોજન વગેરે જેવા વિષયોને આવરી લેતું વિજ્ઞાન અથવા વૈજ્ઞાનિક ઢબથી પદ્ધતિસર ઘર ચલાવવા અંગેનો અભ્યાસ એટલે ‘ગૃહવિજ્ઞાન’. આ બધી કામગીરી સ્ત્રીએ ઉપાડી લેવાની રહેતી હોય છે. એટલે ગૃહવિજ્ઞાન એ મહિલાઓ માટેનો અભ્યાસક્રમ લેખાયો છે. ગૃહિણી પોતાની વિવિધ ફરજો સમજપૂર્વક અને સંતોષકારક રીતે પાર પાડી શકે તે સારુ તેને ગૃહજીવનને લગતી બાબતોની જાણકારી હોવી આવશ્યક છે. શરીરશાસ્ત્ર, આહારવિજ્ઞાન, પોષણ, ગૃહસજાવટ અને સુશોભન, પ્રાથમિક સારવાર, દામ્પત્યસુખ, બાળઉછેર, બાળકલ્યાણ, વ્યક્તિગત સુંદરતા, કલાકૌશલ, નાણાકીય આયોજન, પોશાક અને કાપડ, સ્ત્રીસશક્તીકરણ, ફૅશન ડિઝાઇનિંગ અને નાણા-વ્યવસ્થા જેવા વિષયોનો ગૃહવિજ્ઞાનમાં સમાવેશ કરાયેલો છે. આ ઉપયોગી વિદ્યાશાખા વ્યક્તિજીવન અને કૌટુંબિક સુખાકારી સાથે સંબંધ ધરાવતી હોવાથી તેનું મહત્ત્વ સવિશેષ છે.

કુટુંબના સભ્યો સામૂહિક રીતે ભૌતિક સુવિધાઓ અને માનસિક સંતોષ સાથે નિયમો અને આદર્શોનું પાલન તથા પરસ્પર અનુકૂલન કઈ રીતે કરી શકે તેનું સૈદ્ધાન્તિક તથા પ્રાયોગિક શિક્ષણ ગૃહવિજ્ઞાન આપે છે. કુટુંબ અને સમાજ સંકળાયેલાં હોવાથી જીવનજરૂરિયાતને લગતી બાબતો ઉપરાંત અન્ય પ્રકારના સંબંધો અને તેમની જાણકારી આ વિદ્યાશાખામાં મળતી હોય છે.

પલટાતા યુગની સાથે સાથે માનવીની જરૂરિયાત, રુચિ, કુટુંબ-વ્યવસ્થા, જીવનશૈલી વગેરે પણ બદલાતાં જાય છે. ઘરનું સંચાલન કરનારે પ્રત્યેક વ્યક્તિના ગમા-અણગમાનો ખ્યાલ રાખવો પડે છે. મર્યાદિત આવકમાં જરૂરિયાતો સંતોષવી હોય તો ખાસ આયોજન કરવું પડે. આર્થિક સમૃદ્ધિ વધુ હોય તોપણ આદર્શ માનવજીવનને અનુકૂળ વર્તન અંગે વ્યક્તિએ અને કુટુંબના સર્વ સભ્યોએ સભાનતા અને સક્રિયતા દર્શાવવાં પડે છે. ગૃહિણી તેમાં કેન્દ્રસ્થાને હોવાથી એને સતત ક્રિયાશીલ અને સહનશીલ બનવાની જરૂર પડે છે. ગૃહવિજ્ઞાનનો વિષય વ્યવસ્થિત રીતે ગૃહસંચાલનમાં ગૃહિણીને અનેક રીતે મદદરૂપ નીવડે છે.

વર્તમાન યુગની સ્ત્રીનું કાર્યક્ષેત્ર માત્ર ગૃહ પૂરતું જ મર્યાદિત રહ્યું નથી. અર્થોપાર્જન સારુ કે વ્યક્તિગત વિકાસ ને વ્યવહારમાં સફળ રીતે પ્રયોજી સંતોષ પ્રાપ્ત કરવા તે વ્યાવસાયિક કારકિર્દી માટે તૈયાર હોય છે. આ બાબતમાં પણ ગૃહવિજ્ઞાનનું શિક્ષણ તેને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. ડાયેટ, ઇન્ટિરિયર ડેકોરેશન, ટેક્સ્ટાઇલ ડિઝાઇન, કેટરિંગ, ઇવેન્ટ મૅનેજમેન્ટ, હાઉસ પ્લાન, દાગીનાની બનાવટ, બેબી ક્રેચ વગેરે ક્ષેત્રોમાં સ્વરોજગાર ઊભો કરી શકાય છે અથવા નિષ્ણાત તરીકેની સેવાઓ પણ આપી શકાય છે.

બાળકોના યોગ્ય ઉછેર અને તેમના સંસ્કારઘડતરની જવાબદારી પણ સ્ત્રીને ઉપાડવાની હોય છે. ભારતીય જીવનપ્રણાલી અનુસાર આપણો સમાજ પુરુષપ્રધાન છે. ઘરમાં સ્ત્રી અને પુરુષનો ફાળો સરખો ગણાતો હોવા છતાં સ્ત્રીએ વધુ ધ્યાન આપવું પડતું હોય છે. તેમાં પ્રશ્નોની સમજ, કોઠાસૂઝ, ધીરજ અને આત્મવિશ્વાસની જરૂર પડે છે. ગૃહવિજ્ઞાન સ્ત્રી અને પુરુષમાં સહકારની ભાવના ર્દઢ કરવા યોગ્ય ભૂમિકા રચી આપે છે. સંયુક્તકુટુંબની પ્રથાને સ્થાને આજે વિભક્ત-કુટુંબની પ્રથા સવિશેષે પ્રચલિત બની હોવાથી બાળકોને વડીલો પાસેથી શીખવા જાણવા જેવી બાબતોનો લાભ અટકી ગયો છે. આ પરિસ્થિતિમાં ગૃહવિજ્ઞાન શિક્ષણના આયોજનમાં પણ મહત્ત્વનો ફાળો આપે છે.

ગૃહવિજ્ઞાનનું શિક્ષણ કલા અને વિજ્ઞાનના સિદ્ધાંતો ઉપર આધારિત હોવાથી જીવનનાં સર્વ મહત્વનાં ક્ષેત્રો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ ધરાવે છે. આહારવિજ્ઞાન, કલા અને મનોવિજ્ઞાન વ્યક્તિને સમાજનાં અનેક ક્ષેત્રોના સંપર્કમાં મૂકી આપે છે.

આ પ્રકારના ગૃહવિજ્ઞાનના શિક્ષણની આવશ્યકતા સ્વીકારવા પાછળ એવી સમજ પ્રવર્તે છે કે તેમાં માત્ર ઘર અને કુટુંબના સંચાલનની બાબતો જ પર્યાપ્ત નથી પણ રોજિંદા વ્યવહારમાં ઉપયોગી દરેક વિષયનું જ્ઞાન તેમાં આવરી લેવાયું હોય છે. બધાં ક્ષેત્રોના અનુભવોનો તેમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આધુનિક સમાજમાં ઘર અને કુટુંબની સમૃદ્ધિ એ સમાજનાં સુખ અને સમૃદ્ધિનો માનદંડ બને છે. ગૃહવિજ્ઞાનની ફિલસૂફી એ છે કે પ્રત્યેક વ્યક્તિ ઘર અને કુટુંબના સભ્યોને સુખ અને શાંતિની દિશામાં આગળ વધવા સહાયભૂત બને. પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત માનસિક સંતોષ માટે ગૃહવિજ્ઞાન ઉપયોગી નીવડતું હોય છે. ઘર અને વ્યવસાય એમ બેવડી ભૂમિકા પર જવાબદારી સંભાળતી સ્ત્રીઓને સમતોલન જાળવી પ્રગતિ કરવાનું માર્ગદર્શન આપવાનો હેતુ ગૃહવિજ્ઞાનના વિષયની ફિલસૂફી રૂપે રહેલો હોય છે.

સતત પરિવર્તનશીલ સમાજ સાથે કદમ મિલાવવા પ્રયત્નશીલ કુટુંબ અને તેના સભ્યો એક પ્રકારની માનસિક તાણ અનુભવતા હોય છે. આ સ્થિતિમાં આદર્શો અને જીવનમૂલ્યોની જાળવણી પરત્વે સંઘર્ષ જન્મતો હોય છે. તેવા સમયે વ્યક્તિગત સ્વતંત્રતા જાળવીને મહેનત અને ત્યાગની ભાવના વિકસાવવામાં કાર્યશીલ રહેવાનું સામર્થ્ય ગૃહવિજ્ઞાન આપે છે.

ગૃહવિજ્ઞાનશિક્ષણના હેતુઓ તથા સંસ્થાઓ : વ્યક્તિ અને સમાજ ઉભયને અનુલક્ષીને કેળવણીનું માળખું રચાતું હોય છે. ગૃહવિજ્ઞાનના શિક્ષણ સંબંધે નીચે દર્શાવેલા હેતુ ધ્યાનમાં લેવાયેલા છે :

  1. સંતોષની ભાવનાનો વિકાસ : પ્રાપ્ત સાધનોના મહત્તમ ઉપયોગથી વ્યક્તિને સંતોષનો અનુભવ થાય છે. સંતોષની ભાવનાથી ગુણવત્તાની ર્દષ્ટિ કેળવાય છે અને જીવનમાં ઈર્ષ્યા, નિરાશા વગેરેને માટે સ્થાન રહેતું નથી.
  2. નૈતિક ગુણોનો વિકાસ : મનુષ્ય સામાજિક પ્રાણી છે તેથી તેના જીવનની સફળતાનો આધાર તંદુરસ્ત અને સ્નેહમય સામાજિક સંબંધો ઉપર રહેલો છે. ગૃહવિજ્ઞાન ગૃહિણીને આ ગુણોથી સંપન્ન થવામાં ઉપયોગી નીવડે છે. સ્ત્રીમાં સદભાવ, પ્રેમ, સહયોગ અને સંયમ જેવા સમાજને ઉપયોગી ગુણોનો વિકાસ થાય છે.
  3. સ્વાસ્થ્યપોષક સુટેવ : પોષણયુક્ત અને શારીરિક જરૂરિયાત જેટલો ખોરાક માણસના સ્વાસ્થ્યને જાળવવાનું મહત્વનું અંગ છે. ગૃહવિજ્ઞાન આહાર અને પોષણ અંગેનું જ્ઞાન આપી ગૃહિણીને સ્વાસ્થ્યપ્રદ આહારના આયોજન માટે સજ્જ બનાવે છે. તેનાથી કુટુંબનું સ્વાસ્થ્ય સચવાઈ રહે છે.
  4. આત્મનિર્ભરતા : ગૃહવિજ્ઞાન સ્ત્રીને ઘરનાં કાર્યો કુશળતાપૂર્વક કરવાનું શિક્ષણ આપે છે. વસ્ત્રવિજ્ઞાનની જાણકારીનો ઉપયોગ કરી રુચિ પ્રમાણે વસ્ત્રો બનાવી સંતોષ અને બચતનો બેવડો લાભ સ્ત્રી મેળવી શકે છે. કુશળ રીતે કામ કરવાની આવડતથી તેનામાં આત્મવિશ્વાસ વૃદ્ધિ પામે છે.
  5. ગૃહવ્યવસ્થાનું કૌશલ : વ્યવસ્થિત અને સુવિધાવાળું ઘર સુખી અને શાંતિપૂર્ણ જીવનની નિશાની છે. ગૃહવિજ્ઞાન આકર્ષક વાતાવરણ અને કલાત્મક સજાવટનું વ્યાવહારિક જ્ઞાન આપે છે.
  6. કલાત્મક અભિગમ અને સૌંદર્યર્દષ્ટિ : ગૃહવિજ્ઞાન એક કલા પણ છે. સ્વચ્છતા, સજાવટ, વ્યવસ્થા વગેરે બાબતોમાં કલાર્દષ્ટિથી નવીનતા પ્રગટે છે. વાતાવરણને શાંત બનાવવામાં તે મદદરૂપ નીવડે છે. ઘર જીવંત બને છે. કુટુંબના સભ્યોમાં પણ અનેક રીતે સૌંદર્યર્દષ્ટિનો વિકાસ થતો હોય છે.
  7. સાંસ્કૃતિક મૂલ્યો : ગૃહવિજ્ઞાનમાં સભ્યતા, પારસ્પરિક વ્યવહાર, સ્વકર્તવ્ય પ્રત્યે સભાનતા, અતિથિસત્કાર વગેરે વિષયોમાં માર્ગદર્શન અપાય છે. ઉપરાંત સુજનતા, સંયમ, સંતોષ, શિસ્ત વગેરે સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી સારુ તાલીમ મળતી હોય છે.
  8. આવકવૃદ્ધિ માટે વ્યાવસાયિક યોગ્યતા : આર્થિક ર્દષ્ટિએ ગૃહવિજ્ઞાનનું શિક્ષણ ઉપયોગી નીવડે છે. સુશોભન, આહારવિજ્ઞાન, ગ્રામસેવા, શિશુકલ્યાણ, પરિવારનિયોજન વગેરે ક્ષેત્રોમાં નોકરી મેળવી કુટુંબની આવક વધારી શકાય છે.
  9. ફાજલ સમયનો સદુપયોગ : ગૃહકાર્ય અને અન્ય ફરજો બજાવ્યા પછી મળતો સમય ગૃહિણી સિલાઈ, ભરત-ગૂંથણ, સજાવટ, ખાદ્યપદાર્થો અને પીણાંની બનાવટ વગેરેમાં વાપરી શકે છે. ગૃહવિજ્ઞાન તેની જાણકારી અને તાલીમ આપે છે.
  10. શ્રમનું મૂલ્ય : શારીરિક મહેનતના કામને નિમ્નસ્તરનું ગણવાને બદલે ઉત્સાહપૂર્ણ રીતે કરવાની આધુનિક પદ્ધતિઓ વાપરવાનું ગૃહવિજ્ઞાનના શિક્ષણમાંથી પ્રોત્સાહન મળે છે.
  11. શારીરિક વિકાસ અંગે જાણકારી : ગૃહવિજ્ઞાનના અભ્યાસીને આરોગ્ય, શરીરવિજ્ઞાન, આહાર અને પોષણ, ખાદ્યપદાર્થોમાં રહેલાં પોષક તત્વો વગેરેની જાણકારીથી લાભ થાય છે. રોજિંદા જીવનમાં એનો સમજપૂર્વક ઉપયોગ કરવાથી આબાલવૃદ્ધ સહુના આરોગ્યની રક્ષા થઈ શકતી હોય છે.
  12. વૈજ્ઞાનિક અભિગમ : ગૃહવિજ્ઞાન વ્યવહારનું શાસ્ત્ર છે તેટલું જ તે વૈજ્ઞાનિક ર્દષ્ટિ કેળવવાનું સાધન પણ છે. બધાં કાર્યો વૈજ્ઞાનિક ર્દષ્ટિથી કરવાને લીધે તેમાં વ્યવસ્થા અને ચોકસાઈ ઇચ્છિત પરિણામ અને સંતોષ આપે છે.
  13. મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિ : બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ ઉપયોગી શિક્ષણ ગૃહવિજ્ઞાન આપે છે, તેનાથી બાળવિકાસના દરેક તબક્કે શું કરવું અને શું ન કરવું તેનું જ્ઞાન ખૂબ ઉપયોગી નીવડે છે. ઉપરાંત ઘરના વડીલો પ્રત્યેનો વ્યવહાર કયા પ્રકારનો રાખવો જોઈએ તેનું પણ શિક્ષણ મળે છે.

ગૃહવિજ્ઞાનના ઉપર દર્શાવેલા અનેક હેતુઓને કારણે દુનિયાના બધા દેશોમાં તેનું શિક્ષણ મહત્વનું ગણાયું છે. ગુજરાતમાં ગૃહવિજ્ઞાનના શિક્ષણનો પ્રબંધ ધરાવતી સંસ્થાઓ ફૅકલ્ટી ઑવ્ હોમસાયન્સ, વડોદરા; એસ. એન. પટેલ કૉલેજ ઑવ્ હોમસાયન્સ, વલ્લભ વિદ્યાનગર; એસ. પી. કૉલેજ ઑવ્ ન્યૂટ્રિશન, ફૂડ ટૅક્નૉલૉજી ઍન્ડ હોમસાયન્સ, સરદાર કૃષિનગર; દાંતીવાડા અને વલસાડની જે. પી. શ્રોફ કૉલેજ; સૂરતની વાડિયા વિમેન્સ કૉલેજ તથા પી. ટી. મહિલા કૉલેજ; નવસારીની મહિલા કૉલેજ; મોડાસાની આર્ટ્સ કૉલેજ; ખંભાતની આર્ટ્સ કૉલેજ; અમદાવાદની બી. ડી. આર્ટ્સ કૉલેજ, ઉપરાંત એસ. એલ. યુ. કૉલેજ; રાજકોટની મહિલા કૉલેજ; પોરબંદરની ગુરુકુળ મહિલા કૉલેજ; જામનગરની મહિલા કૉલેજ; ભાવનગરની મહિલા કૉલેજ તથા આર્ટ્સ કૉલેજ; ઊંઝાની મહિલા કૉલેજ; મહેસાણાની મ્યુનિસિપલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ; ચાણસ્માની આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ; ધનસુરાની મહિલા કૉલેજ; ગોધરાની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ; કપડવંજની આર્ટ્સ, કૉમર્સ કૉલેજ; ગાંધીનગરની ચૌધરી મહિલા કૉલેજ; વિરમગામની આર્ટ્સ કૉલેજ વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં મુંબઈ, કોઇમ્બતૂર, કૉલકાતા, ચેન્નાઈ, દિલ્હી, ઇંદોર, જયપુર, હૈદરાબાદ, ઉજ્જૈન, અકોલા વગેરે શહેરોમાં પણ ગૃહવિજ્ઞાનના શિક્ષણની સંસ્થાઓ છે.

ગૃહવિજ્ઞાનશિક્ષણ અને વિસ્તરણ : શિક્ષણનું વિસ્તરણ એટલે શિક્ષણની સીમાઓ વધારવી. ગૃહજીવન અને તે દ્વારા સમગ્ર રાષ્ટ્રનું જીવનધોરણ ઊંચે લઈ જવા માટેનું શિક્ષણ ગૃહવિજ્ઞાન આપે છે. ગામડાંના લોકોનાં વર્તન, જ્ઞાન, વલણો અને કૌશલો વગેરેમાં રચનાત્મક પરિવર્તન લાવવા માટેનું શિક્ષણ એટલે વિસ્તરણ. પોતાની સમસ્યાઓનો જાતે ઉકેલ લાવી શકે તે માટેનાં સાધનોની તૈયારી કરતી સતત ચાલતી પ્રક્રિયા એટલે વિસ્તરણ. સાંપ્રત સમાજમાં ઉદ્યોગીકરણ અને શહેરીકરણ દ્વારા બદલાતી જતી કુટુંબવ્યવસ્થા માટે ગૃહવિજ્ઞાનનું શિક્ષણ ઉપયોગી નીવડે છે. પરિવર્તનને કારણે ઊભા થતા પ્રશ્નો, સમસ્યાઓ અને મુશ્કેલીઓનો ઉકેલ લાવી ઊભા થતા પડકારોને ઝીલવાનું શિક્ષણ ગૃહવિજ્ઞાનમાં મળી રહે છે.

ભારતમાં ગૃહવિજ્ઞાનના શિક્ષણના વિસ્તરણની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ પછી થઈ. 1950માં વધુ અન્નઉત્પાદનની અને તે ક્ષેત્રે સ્વાવલંબી બનવાની ચળવળ શરૂ થઈ, 1952માં સામૂહિક વિકાસ યોજનાનો કાર્યક્રમ અમલમાં આવ્યો. તેમાં બાળકો, સ્ત્રીઓ અને કુટુંબના સભ્યોને પણ આવરી લેવામાં આવ્યાં. વિસ્તરણ-કાર્યકર લોકો અને નિષ્ણાતો વચ્ચે ઉદ્દીપકનું કામ બજાવે છે. લોકોના પ્રશ્નો નિષ્ણાતો પાસે રજૂ કરી તેના ઉકેલ મેળવાય છે. લોકો સક્રિય રીતે પોતાના પ્રશ્નો સમજી તેનો ઉકેલ શોધે તેમાં પણ વિસ્તરણશિક્ષણ સહાયરૂપ બને છે. વિસ્તરણશિક્ષણ એ સાહજિક રીતે શીખવાની ક્રિયા છે. ગ્રામજીવનના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક પાસાંને સ્પર્શતી વિસ્તૃત યોજના વિસ્તરણ-શિક્ષણમાં હોય છે.

વિસ્તરણશિક્ષણથી થતાં પરિવર્તનનાં ક્ષેત્રો :

(1)        લોકોનાં આવડત, જ્ઞાન અને સમજમાં સુધારો

(2)        કાર્યશૈલી, કૌશલ અને નિપુણતામાં સુધારો

(3)        વ્યાવસાયિક કૌશલોનો વિકાસ

(4)       જીવનનો સર્વાંગી વિકાસ

વિસ્તરણશિક્ષણ વડે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક પરિસ્થિતિમાં ફેરફાર લાવી શકાય છે. તે અવિધિસરનું શિક્ષણ છે. રહેઠાણ, કુટુંબકલ્યાણ અને આરોગ્યમય વાતાવરણ રચવા સારુ ઉપયોગી નીવડે છે. લોકોના સક્રિય સહયોગથી તેનાં આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકન થઈ શકે છે. તેમાં સ્થાનિક સંસ્થાઓ અને નેતાગીરીના વિકાસને વિશેષ મહત્ત્વ અપાય છે. ગૃહવિજ્ઞાન-વિસ્તરણ બે અગત્યના સિદ્ધાંતોને કેન્દ્રસ્થાને રાખે છે : (1) લોકો નવી પદ્ધતિ, પ્રક્રિયા અને પદ્ધતિના ફાયદા જુએ છે ત્યારે પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બને છે. (2) લોકો જાતે કાર્ય કરે ત્યારે તેઓ વધારે ઝડપથી શીખે છે.

ગૃહવિજ્ઞાનવિસ્તરણની પ્રક્રિયાના તબક્કા : ઓછી આવડત, માંદગી વગેરે પ્રશ્નો પરત્વે ધ્યાન ખેંચી લોકોને જાગ્રત કરવા પડે છે. નવીન પદ્ધતિ, પ્રક્રિયા કે સાધનોના ફાયદા સમજાવી ગોબર ગૅસ જેવાં સંયત્રો(plants)ની મુલાકાત દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાય છે. કાર્યકરો દ્વારા લોકોમાં નવા વિચાર અને નવી પ્રક્રિયા અપનાવવા ઇચ્છા જાગે તે સારુ પ્રયત્નો કરવા પડે છે. તેમાં નિર્ધૂમ ચૂલો, સોલર કૂકર વગેરેની વપરાશ માટે સ્ત્રીઓ તૈયારી બતાવતી હોય છે. નૂતન પદ્ધતિ કે સાધન વાપરી ઇચ્છિત પરિણામ મેળવતી વ્યક્તિમાં સંતોષની લાગણી પેદા થાય છે.

ગૃહવિજ્ઞાનવિસ્તરણના અભિગમો : તેમાં કાર્યકર વ્યક્તિગત ધોરણે સ્ત્રીઓનો સંપર્ક અને સમૂહસંપર્ક સાધતો હોય છે. ઉપરાંત કાર્યશિબિરો, પર્યટનો વગેરેથી પ્રત્યક્ષ અનુભવ આપવામાં આવે છે. સમૂહ સંપર્ક માટે રેડિયો, ટેલિવિઝન વગેરે દ્વારા મોટા પાયા પર ઝડપથી લોકોનો સંપર્ક થઈ શકે છે.

ગૃહવિજ્ઞાન-વિસ્તરણ ગરીબી, નિરક્ષરતા અને નબળા સ્વાસ્થ્યના પ્રશ્નો હલ કરવામાં સહાયરૂપ બને છે. સ્ત્રીઓને આવક વધારવાના ઉપાયો પ્રત્યે ધ્યાન દોરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેનાથી સ્ત્રીઓને વ્યાવસાયિક તાલીમ પણ મળે છે જેમાં સિલાઈકામ, ભરતગૂંથણ, વણાટ, આંગણવાડી, તેડાગર, વડી, પાપડ, ખાખરા, અથાણાં વગરે બનાવવાના કામનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિમાં ગૃહવિજ્ઞાન ઉત્પાદન, વેચાણ અને આર્થિક લાભ મેળવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.

નિરક્ષરતાનિવારણ માટે જુદા જુદા વયજૂથને લક્ષમાં રાખીને સાહિત્ય તૈયાર કરવામાં સહાય મળતી હોય છે. વિદ્યાર્થીઓ માટે આંગણવાડી, બાલવાડી અને પ્રૌઢશિક્ષણના વર્ગો અંગેનું આયોજન થતું હોય છે.

ગૃહવિજ્ઞાન આરોગ્યના કાર્યક્રમો ઉપર વિશેષ ભાર મૂકે છે. તેમાં પોષણનું મહત્ત્વ, પોષક તત્વોની ઊણપથી થતા રોગો, રાંધવાની પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે. સગર્ભા સ્ત્રીઓ તથા સ્તન્યપાન કરાવતી માતાઓ માટે વિશિષ્ટ આહારનું શિક્ષણ આપવામાં આવતું હોય છે. બાળકોને રસી મુકાવવી, અંગત સ્વચ્છતાનો ખ્યાલ રાખવો અને ખાળકૂવા અને કચરાનો નિકાલ વગેરે જાહેર સફાઈ વિશે લોકોનો સહકાર મેળવવો, સંગ્રહ કરેલા અનાજની જાળવણી, કિચન ગાર્ડનિંગ જેવી અનેક બાબતો ગૃહવિજ્ઞાન-વિસ્તરણમાં આવી જાય છે.

રાષ્ટ્રીય વિસ્તરણ યોજનામાં ગૃહવિજ્ઞાન-વિસ્તરણનો ઉમેરો થયો તેનો આશય ગ્રામીણ અને શહેરી પ્રજાને બાળક, કુટુંબકલ્યાણ, આહાર, પોષણ, આરોગ્ય વગેરે વિશે યોગ્ય જાગૃતિ અને પ્રવૃત્તિથી સક્રિય કરવાનો હતો. આ માટે દર 66,000ની વસ્તીએ 2 ગ્રામ-સેવિકાઓ રાખવામાં આવે છે.

શૈક્ષણિક સાધનો : શૈક્ષણિક અનુભવોનું આયોજન કરી શિક્ષણપ્રક્રિયાને સફળ, સરળ અને અસરકારક ઢબે વ્યવસ્થિત બનાવવાથી વ્યક્તિની જ્ઞાનશક્તિ, વિચારશક્તિ, સમજશક્તિ, નિર્ણયશક્તિ તથા વિવેકબુદ્ધિ ખીલવી શકાય છે. શૈક્ષણિક સાધનોમાં ર્દશ્ય સાધનો જેવાં કે ચિત્રો, છબી, નકશા, ચાર્ટ, રેખાચિત્રો, આલેખ, વ્યંગચિત્રો, પોસ્ટરો, ફોલ્ડર, પૅમ્ફલેટ, કાર્ટૂન, કૉમિક્સ, ફ્લૅશકાર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

નિર્દેશક બોર્ડ માટે કાળું પાટિયું, બુલેટિન બોર્ડ, શો કેસ, ફ્લૅનલ બોર્ડ, મૅગ્નેટ બોર્ડ વગેરે વપરાય છે. ત્રિપરિમાણવાળાં સાધનોમાં પ્રતિકૃતિઓ, નમૂનાઓ, કઠપૂતળીઓ, મૉકઅપ્સ વગેરેનો ઉપયોગ થાય છે. શ્રાવ્ય સાધનોમાં રેડિયો તથા રેકોર્ડિંગનો સમાવેશ થાય છે. ર્દશ્ય-શ્રાવ્ય સાધનોમાં પ્રોજેક્ટર કે વીડિયો કૅસેટ પ્લેયરનો ઉપયોગ થાય છે. તેમાં ગતિ સાથે ર્દશ્યો અને અવાજનો પણ સમાવેશ થાય છે. તે સારુ ફિલ્મ, મોશન પિક્ચર્સ, ટી. વી., વિડિયો ટેપ્સ વગેરેનો ઉપયોગ થાય છે. બીજામાં સ્થિર ચિત્રો બતાવીને શિક્ષક તે અંગે સમજૂતી આપે છે. તેમાં ફિલ્મસ્ટ્રિપ, સ્લાઇડ, ઓવરહેડ પ્રોજેક્ટર દ્વારા ટ્રાન્સ્પરન્સી તથા એપિડાયોસ્કોપ વડે વસ્તુઓ દર્શાવવામાં આવતી હોય છે.

અનુભવ શંકુ : એડગર ડેલ દ્વારા અનુભવ શંકુનું આયોજન કરાયેલું છે. તેમાં વિસ્તૃત પાયામાંના અનુભવોથી માંડીને છેક ટોચ સુધીના અનુભવો તરફ લઈ જઈને શૈક્ષણિક સાધનોનું આયોજન કરવામાં આવે છે.

અંબરબહેન ત્રિવેદી

નેહા શાહ

આશાબહેન ત્રિવેદી

ગૃહવ્યવસ્થા

અર્થ અને મહત્વ : વ્યક્તિ અથવા કુટુંબે અપનાવેલ મૂલ્યો અને ધ્યેયોને પરિપૂર્ણ કરવા માટે પૂર્વઆયોજિત રીતે કરવામાં આવતી પ્રવૃત્તિ તે ગૃહવ્યવસ્થા. તેમાં આયોજન, નિયંત્રણ, માર્ગદર્શન, દોરવણી તેમજ મૂલ્યાંકનનો સમાવેશ થાય છે.

ઘર આરામદાયક હોય, પૂરતી સગવડવાળું હોય અને ઘરના સભ્યોનું આરોગ્ય તથા કલ્યાણ સધાતું હોય ત્યારે ઘરની વિભાવના સાર્થ બનતી કહી શકાય. સાધનસંપત્તિની વિવિધતા અને યંત્રયુગે માનવજીવનને ઘણું ઝડપી બનાવ્યું છે તેથી કુશળ ગૃહસંચાલન અને ગૃહવ્યવસ્થાની અગત્ય વધી છે.

ગૃહવ્યવસ્થાના સિદ્ધાન્તો : ગૃહવ્યવસ્થામાં આયોજન એ કામ શરૂ કર્યા પહેલાંની પ્રક્રિયા છે. કાર્ય કરતાં પહેલાં અનુભવ, યાદશક્તિ અને અવલોકનનો ઉપયોગ કરવામાં આવે છે. વિચારવાથી ઇચ્છિત ધ્યેયને પહોંચવા માર્ગ મળી આવે છે. અનેક વિકલ્પોમાંથી શ્રેષ્ઠને પસંદ કરી આયોજનને ઝડપી બનાવાય છે. મુશ્કેલીઓ જણાતી હોય તો તેમને દૂર કરવાના માર્ગો શોધી શકાય છે. તેમાં પોતાના કે બીજાના અનુભવોનો લાભ મળે છે. પૂર્વાનુભવનું જ્ઞાન અને પ્રાપ્ત પરિસ્થિતિ વચ્ચે કલ્પનાનો સંબંધ રચાય છે. કાર્યનો નિશ્ચિત માર્ગ મળતાં આયોજનને અમલમાં મૂકી શકાય છે. તેમાં યોગ્ય માર્ગદર્શન અને દોરવણી મળે તો ધાર્યું પરિણામ લાવી શકાય છે. થતા કે થઈ ગયેલા કામનું મૂલ્યાંકન સમગ્ર આયોજનનું પુનર્નિરીક્ષણ કરવામાં ઉપયોગી બને છે અને તેથી ફાયદો થાય છે. વ્યક્તિગત, સર્વાંગી અને વિસ્તૃત એમ ત્રણ પ્રકારે મૂલ્યાંકન થઈ શકે છે.

મકાનની પસંદગી : માનવીની મૂળભૂત જરૂરિયાતોમાંની એક અગત્યની જરૂરિયાત ઘર છે. વૈજ્ઞાનિક યુગમાં સાંસ્કૃતિક અભિગમ પણ બદલાયો છે. તેથી ઘર માત્ર આશ્રય અને રક્ષણનું સાધન ન રહેતાં સુખ, સગવડ અને શાંતિની અપેક્ષા જગાડે છે. તેમાં આરોગ્ય અને તંદુરસ્તી જળવાય તેવી સુવિધા હોવી જોઈએ. સંસ્કાર અને ચારિત્ર્યનું ઘડતર પણ ત્યાં જ થાય છે.

મકાન કુટુંબનું જીવનધોરણ દર્શાવે છે. તેના બાંધકામમાં સુંદરતા, અભિવ્યક્તિ અને કાર્યશીલતાના નિયમો જાળવવા જોઈએ. સાદાઈ અને સુંદરતાવાળું મકાન વધુ આરામદાયી નીવડે છે. ખોટાં સુશોભનો મકાનને અનાકર્ષક બનાવે છે. મકાનના દેખાવ અને સરંજામની ગોઠવણીમાં રહેનારની પ્રતિભાનું પ્રતિબિંબ પડતું હોય છે. મકાનમાં કાર્યની સરળતા સચવાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. કુટુંબની વ્યક્તિઓ તેમાં માત્ર વસવાટ જ નથી કરતી; પરંતુ પ્રવૃત્તિ કરે છે અને પોતાનો વિકાસ પણ સાધે છે. નાનામાં નાની જગાનો પણ તેમાં હેતુપૂર્વક ઉપયોગ થયેલો હોવો જોઈએ. બાહ્ય દેખાવથી માંડીને મહત્તમ ઉપયોગિતાની ર્દષ્ટિએ ઓરડાની દિશાઓ, અવરજવરના માર્ગો, બારીબારણાંનાં સ્થાન, ભોંયતળિયું, સીલિંગ વગેરેની રચના થવી જોઈએ. જગ્યા, સમય, કાર્ય અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરનાર કુટુંબને અનુરૂપ હોય તે સારું ઘર કહેવાય.

ઘરની જગ્યા યોગ્ય વાતાવરણવાળી હોવી જોઈએ. ઘોંઘાટ અને ગંદકીથી રહિત, સ્મશાનથી દૂર, કેમિકલ ફૅક્ટરીથી દૂર, પ્રદૂષણમુક્ત એવી જગ્યા ઘર માટે પસંદ કરવી જોઈએ. ઘરમાં ગટર, પાણી, વીજળી વગેરેની સગવડ હોવી જોઈએ. સ્વચ્છતા, મોકળાશ અને પ્રકાશનું સુયોગ્ય આયોજન હોવું જોઈએ. બારીબારણાંની રચના એવી હોવી જોઈએ કે જેથી પ્રકાશ, હવા અને કુદરતી વાતાવરણનો વધુમાં વધુ લાભ મળે. રસોડાની બારી પૂર્વમાં હોવી જોઈએ. સૂવાના ઓરડાની બારીઓ દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ-પશ્ચિમમાં હોવી જોઈએ. જ્યારે દીવાનખંડની બારીઓ ઉત્તર અને પૂર્વ અથવા દક્ષિણ અને પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. આંતરિક ગુપ્તતા માટે ઓરડાની યોગ્ય ગોઠવણી કરવી જોઈએ. મુખ્ય અને બાજુના રસ્તાઓ પરથી પણ બાહ્ય ગુપ્તતા જળવાય તે સારુ ઝાડ, વેલ વગેરે ઉગાડી શકાય. શક્તિનો બચાવ થાય અને સલામતી જળવાય તે રીતે ઓરડાઓની ગોઠવણી કરવી જરૂરી છે. જમવાનો ઓરડો અને કોઠાર રસોડાની નજીક હોવાં જોઈએ.

ઓછામાં ઓછી જગ્યાનો વધુમાં વધુ ઉપયોગ કરવો તેને મોકળાશ સાચવવાનો સિદ્ધાંત કહે છે. જરૂરી કબાટ અને માળિયાં ઉપરાંત સીડી નીચેની જગાનો પણ ઉપયોગ કરી શકાય. ઓરડામાં ફર્નિચર જરૂર મુજબ અને મોકળાશ સચવાય તે રીતે ગોઠવવું જોઈએ. અન્ય વ્યક્તિને તેના કામમાં દખલ ન થાય તે રીતે અવરજવર માટેના રસ્તાની ગોઠવણ હોવી જોઈએ. વ્યવહારુ ઉપયોગિતાની ર્દષ્ટિએ ગુણવત્તાવાળો માલસામાન વાપરીને મકાનની મજબૂતાઈ અને ટકાઉપણા ઉપર ધ્યાન આપવું જોઈએ.

ભાડાનું ઘર : ફાયદા : દર મહિને આપવું પડતું નિશ્ચિત ભાડું પોતાના ઘરની કિંમતના પ્રમાણમાં ઘણું ઓછું હોય છે. પોતાની મૂડી સચવાઈ રહે છે. જાળવણી કે સમારકામની જવાબદારી રહેતી નથી. જરૂરિયાત બદલાતાં બીજા ભાડાના ઘરમાં જઈ શકાય છે. આવક ઘટે તો ઓછા ભાડાવાળું ઘર રાખી શકાય છે.

ગેરફાયદા : પોતાના ઘર માટે જરૂરી પૈસા ભેગા કરવાની વૃત્તિ થતી નથી, સમારકામ રહેનારની જરૂરિયાતને ધ્યાનમાં લઈને નહિ; પરંતુ મકાનમાલિકની મરજી મુજબ થાય છે. પોતાની ઇચ્છા પ્રમાણે ઘર કે લત્તા ભાડે રહેનાર મેળવી શકતો નથી.

પોતાનું ઘર : ફાયદા : આર્થિક મુશ્કેલીમાં ઘર વેચી પૈસા ઊભા કરી શકાય છે. સલામતી અને સંરક્ષણની ભાવના વધે છે. પોતાના ઘરની જવાબદારી હોવાથી વ્યક્તિમાં નિર્ણયશક્તિ અને બુદ્ધિનો વિકાસ થાય છે. પોતાના ઘર પર લોન કે ઉછીના પૈસા સહેલાઈથી મેળવી શકાય છે. પોતાની ઇચ્છા મુજબ પોતાના ઘરમાં રહી શકાય છે. પોતાનું ઘર છે એવી લાગણી ઘરમાં અને ઘર બહાર કામ કરવામાં ઘણી ઉપયોગી બને છે.

ગેરફાયદા : પોતાના ઘરની કિંમત બધાને પોસાય નહિ. ઘરના અન્ય સભ્યોના વિકાસની તકો ઓછી કરીને પૈસા ભેગા કરવાનું લક્ષ્ય રહે છે. ઘરની સંભાળ અને જવાબદારી ઉઠાવવાની વૃત્તિ ન હોય તેને પોતાના ઘરની ઇચ્છા થતી નથી. બજારમાં મકાનોના ભાવમાં થતી વધઘટ પ્રમાણે આપણા મકાનની કિંમતમાં વધારોઘટાડો થતો રહે છે. ઓછી આવક કે આર્થિક તંગીમાં ઘરની જાળવણી કે સમારકામ થઈ શકતાં નથી.

મકાનની તાત્કાલિક જરૂર હોય તો ઘણાં કુટુંબો તૈયાર મકાનો ખરીદે છે. ક્યારેક મકાન બંધાવવાનો ત્રાસ વ્યક્તિથી સહન થતો નથી. આથી તૈયાર મકાન ખરીદવાના ફાયદા-ગેરફાયદા પણ જાણી લેવા જોઈએ

ફાયદા : વ્યવસાયી ઇજનેરો કે કૉન્ટ્રેક્ટરો આધુનિક ઢબથી મકાનો તૈયાર કરતા હોય છે તેથી તેમાં મકાનની રચના, ઓરડાઓની ગોઠવણી, હવા, પ્રકાશ અને અન્ય સગવડો મળી રહે છે અને કુટુંબની જરૂરિયાતો સંતોષાતાં આનંદમાં વૃદ્ધિ થાય છે. બાંધકામનો માલસામાન સહકારી ધોરણે લાવવાથી મકાનનો ખર્ચ ઓછો આવે છે અને કુટુંબને માનસિક તંગદિલી અને શ્રમ ઓછો પડે છે. ઉપરાંત તૈયાર મકાન ખરીદવામાં સમય અને શક્તિનો બચાવ થાય છે. નવા બંધાયેલા મકાન પાછળ થોડાં વર્ષો ખર્ચ કરવો પડતો નથી.

ગેરફાયદા : આર્થિક રીતે પોસાય તેવું, કુટુંબની બધી જરૂરિયાતો પૂરી પાડે તેવું મકાન મળવું મુશ્કેલ હોય છે. તેમાં ક્યારેક કાયદાની ર્દષ્ટિએ કેટલીક બાબતોમાં મકાન ખરીદતાં બાંધછોડ કરવી પડે છે. તૈયાર મકાનમાં આયોજનની રહી ગયેલી ખામીઓ ચલાવી લેવી પડે છે. વપરાયેલા માલસામાનની ગુણવત્તા જલદીથી નક્કી કરી શકાતી નથી. કારણ તેમાં રંગરોગાનથી મજબૂતાઈ કેટલી હશે તે જાણી શકાતું નથી. જમીનની માલિકી બાબતમાં ચોકસાઈ કરવી પડે, નહિતર મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે. તૈયાર મકાન ઘણી વખત મોંઘું પડે છે. જમીન અને બાંધકામનો ખર્ચ, એન્જિનિયર અને કૉન્ટ્રેક્ટરનો ખર્ચ, રોકેલી મૂડીનું વ્યાજ, જાહેરાતનો ખર્ચ, કમિશન, નફો વગેરે ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં આવે છે. મકાન તૈયાર લેવું કે બંધાવવું એ દરેક કુટુંબની વ્યક્તિગત બાબત છે. ઘર એ સ્થાવર મિલકત હોવાથી બંધાવવામાં કે ખરીદવામાં વિચાર કરવો જોઈએ.

ઘરના બાંધકામમાં આર્થિક કરકસરના કેટલાક રસ્તા છે. કુલ ખર્ચ અને માલસામાન અંગે નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. લંબચોરસ કે અન્ય આકારોવાળું ઘર બંધાવવા કરતાં ચોરસ ઘર સસ્તું પડે છે. ભોંયતળિયા કરતાં માળવાળું ઘર સસ્તું પડે છે. રૂમની ઊંચાઈ ઓછામાં ઓછી 8થી 10 ફૂટ રાખવાથી દીવાલનો ખર્ચ બચાવી શકાય છે. ખર્ચ બચાવવા બહારની દીવાલ 18 ઇંચ અને અંદરની 9 ઇંચ રાખવી. જુદાં જુદાં કામની વહેંચણીથી ઝડપ વધે છે અને ખર્ચ ઓછો આવે છે. મજૂરીમાં ફાયદો કરવા ઉનાળામાં મકાન બંધાવવું જોઈએ. બારીબારણાંનાં માપ એકસરખાં રાખવાથી ફાયદો થાય છે. બનાવેલા નકશામાં વારંવાર ફેરફાર કરવો નહિ.

માનવીનું જીવનધોરણ : ઝડપથી બદલાતા જમાના સાથે અનેક પરિવર્તન થઈ રહ્યાં છે તેની અસર કુટુંબજીવનમાં પણ થતી રહે છે. અગાઉના જમાના કરતાં, આજનું જીવનધોરણ ઊંચું ગયું છે. કૌટુંબિક ધોરણ ઊંચું ગયું છે. તેમાં શિક્ષણ અને સ્ત્રીશિક્ષણનો મહત્ત્વનો ફાળો છે. પોતાનાં જ્ઞાન અને સૂઝનો ઉપયોગ કરી સ્ત્રી આર્થિક ર્દષ્ટિએ કુટુંબને મદદ કરતી થઈ છે.

ઘરના અને બહારના કામને પહોંચી વળવા ગૃહઉપયોગી સાધનોનો ઉપયોગ થવા લાગ્યો. એની સાથે જ કુટુંબના દરેક કાર્યનું વ્યવસ્થિત આયોજન થયું. ખર્ચને પહોંચી વળવા અને યોગ્ય જરૂરિયાતોને સંતોષવા કુટુંબ સીમિત બનવા લાગ્યું. બાળકોને પણ યોગ્ય શિક્ષણ અને સંભાળનો લાભ મળવા લાગ્યો. કુટુંબની વ્યક્તિઓના સહકાર અને ગૃહોપયોગી સાધનોને લીધે સમય અને શક્તિનો બચાવ થવા લાગ્યો. આ રીતે કુટુંબનું જીવનધોરણ પણ ઊંચું ગયું.

નિર્ણયની પ્રક્રિયા : કોઈ પરિસ્થિતિને પ્રાપ્ત કરવા અથવા કોઈ સમસ્યા હલ કરવા માટે શક્ય વિકલ્પોમાંથી એકને પસંદ કરી તેનો અમલ કરવો ફાયદાકારક નીવડે છે. ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવા ચોક્કસ નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લેવામાં વ્યક્તિની હોશિયારી, જ્ઞાન, ભૂતકાળના અનુભવો, મૂલ્યો, ધ્યેય અને ધોરણોને લક્ષમાં રાખવાં પડે છે. આ રીતે લીધેલા નિર્ણયની અસર વ્યક્તિની નજીકના વાતાવરણમાં જણાઈ આવે છે.

નિર્ણય લેવાની પ્રક્રિયામાં જરૂરિયાત, શક્ય વિકલ્પો, વિચારણા દ્વારા મૂલ્યાંકન, યોગ્ય વિકલ્પની પસંદગી, નિર્ણયની જવાબદારી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

કેટલીક વાર કુટુંબનાં ધ્યેય બદલાઈ જતાં તેને માટે ફાળવેલ સમય, શક્તિ કે નાણાં વપરાઈ જાય છે. છતાં નિર્ણયો અધૂરા રહે છે. નિર્ણયો કેવા લેવાય છે તેના ઉપર કુટુંબ અને સમાજની સ્વસ્થતાનો આધાર રહેલો છે. નિર્ણયોનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે : (1) વ્યક્તિગત રીતે લેવાતા, (2) સામૂહિક રીતે લેવાતા. પહેલા પ્રકારમાં રોજબરોજના નિર્ણયો, આર્થિક બાબતના નિર્ણયો, સાધનસંપત્તિને લગતા નિર્ણયો અને મુખ્ય નિર્ણય ઘડવા માટેની પકડ વગેરેનો ઉલ્લેખ કરાય છે. સામૂહિક રીતે લેવાતા નિર્ણયોમાં સ્વમતનું પ્રભુત્વ કે સ્વેચ્છાએ સમાધાન, પરિવર્તન, એકતાની ભાવના, મતભેદોનું નિવારણ ઇત્યાદિ લક્ષમાં લેવાય છે.

જીવનમાં ધ્યેયો વ્યક્તિગત અને સામૂહિક સાથે તે લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં પણ હોય છે. પરંપરાગત અને પરિવર્તનશીલ ધોરણો તથા આંતરિક અને બાહ્ય ગુણોની ગુણવત્તા જાળવવાનો આધાર આપણા નિર્ણયો પર રહેલો છે. યોગ્ય નિર્ણયોના અભાવે સામૂહિક સમસ્યા ઘણી વાર કુટુંબ માટે ખતરનાક નીવડે છે. કુટુંબ જાતે જ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ, લાલચ કે લાગવગ સિવાય ઉદાર દિલથી નિર્ણય લે તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થતું હોય છે. કટોકટીના પ્રસંગે વિચારપૂર્વક નિર્ણયો લેવા પડે છે. આજનાં લોકશાહી વલણવાળાં કુટુંબોમાં વડીલો ઉપરાંત અન્ય કુટુંબીજનોની આવડત, શોખ, હોશિયારી વગેરેને ધ્યાનમાં રાખીને સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય છે. બાળકોને પણ આ નિર્ણય-પ્રક્રિયામાં સામેલ કરવાથી તેમના વ્યક્તિત્વનો સ્વીકાર થયાના અનુભવથી સંતોષની વૃત્તિ થતી હોય છે.

કૌટુંબિક શક્તિઓ ધ્યેયને સિદ્ધ કરવાનું સોપાન છે : કૌટુંબિક શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરી તેનો બગાડ થતો અટકાવવાની દરેકની ફરજ છે. કૌટુંબિક શક્તિઓ મર્યાદિત હોવાથી તેનો દુરુપયોગ અટકાવવો જરૂરી છે. કૌટુંબિક શક્તિઓમાં સમય, શક્તિ, પૈસો અને અન્ય ભૌતિક સાધનો ઉપરાંત જ્ઞાન, રસ, આવડત, હોશિયારી અને વર્તણૂક વગેરે વ્યક્તિની અંગત શક્તિઓ પણ છે. તેના બે પ્રકાર ગણાવાય છે, માનવીય અને અમાનવીય અથવા ભૌતિક. જ્ઞાન, આવડત વગેરે શક્તિઓ અંગત જીવનનો અંશ બની જાય છે, જ્યારે ઘર, ઘરેણાં, સંપત્તિ વગેરે ભૌતિક છે. આવી ભૌતિક શક્તિઓ જ્ઞાતિ કે રાજ્ય પાસે હોય છે. તેમાં શૈક્ષણિક સુવિધાઓ, આરોગ્યકેન્દ્રો, કૌટુંબિક સલાહકેન્દ્રો, બાગબગીચા, પુસ્તકાલયો વગેરેનો સમાવેશ કરાય છે. કૌટુંબિક શક્તિઓ એકબીજી સાથે સંકળાયેલી હોય છે. તે જથ્થા અને ગુણવત્તામાં મર્યાદિત હોય છે. તેમાં એક શક્તિનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે અને એકને સ્થાને બીજીનો ઉપયોગ થતો હોય છે. કૌટુંબિક શક્તિઓ સારી વ્યવસ્થાવાળી હોય તો કુટુંબ સુખી થઈ શકે અને ખરાબ રીતે વપરાતી હોય તો દુ:ખ અને અસંતોષ જન્મતાં હોય છે. જરૂરિયાત અને કૌટુંબિક શક્તિઓ વચ્ચે સંતુલન જળવાય તો આનંદ અને સંતોષથી કુટુંબ સુખી બને છે.

શક્તિનું આયોજન : ગૃહકાર્ય કરવામાં ઓછી શક્તિ વપરાય અને થાક, બેચેની વગેરે અનુભવાય નહિ એ પ્રયોજન શક્તિના આયોજન પાછળ રહેલું હોય છે. ચોવીસ કલાક દરમિયાન બધી જ પ્રવૃત્તિઓ ગોઠવવાની હોય છે; પરંતુ તેમાં કેટલી શક્તિ વપરાશે તેનો અંદાજ નીકળી શકતો ન હોવાથી આયોજન અઘરું પડે છે. સમય અને શક્તિ એકબીજાં સાથે સંકળાયેલાં છે તેથી શક્તિને સમય દ્વારા માપવામાં આવે છે (કૅલરી/કલાક). સમય બદલાય છે તેમ સાધનો બદલાય છે અને શક્તિની બચતને વધુ ને વધુ મહત્ત્વ અપાય છે. આ રીતે પ્રવૃત્તિનું આયોજન કરતાં શક્તિની બચત અને કાર્યને અંતે આનંદના અનુભવને લક્ષમાં લેવામાં આવે છે.

આયોજનમાં બે બાબતોનું મહત્વ છે : (1) કાર્યનું વર્ગીકરણ કરવું : શક્તિની જરૂરિયાત મુજબ કાર્યોના ત્રણ વિભાગ કરાય છે : (क) હળવાં કાર્યો : તેમાં વાસણસફાઈ, સિલાઈ, ધાતુની પૉલિશ વગેરે આવે છે. (ख) મધ્યમ કાર્યો : કચરો વાળવો, પોતું કરવું, કપડાં ધોવાં, ઇસ્ત્રી કરવી વગેરે. (ग) ભારે કાર્યો : તેમાં ઘરસફાઈ, પથ્થર પર મસાલા વાટવા, ભારે કપડાં ધોવાં વગેરેને આવરી લેવાય છે. થાક ન અનુભવાય અને શક્તિનો બિનજરૂરી ઉપયોગ ન થાય તે રીતે સ્ફૂર્તિથી કાર્યો કરવાં જોઈએ. અલગ અલગ કાર્યોમાં માનસિક તેમજ આંખોનો, હાથપગનો, શરીરનો, પગનો વગેરે શારીરિક પ્રકારનો શ્રમ કરવો પડતો હોય છે. (2) કાર્યનો યોગ્ય સમય નક્કી કરવો : કાર્યોનું વિભાજન કરીને સવારનાં, બપોરનાં અને સાંજનાં કાર્યો નક્કી કરવાં જોઈએ, જેથી ઓછા પરિશ્રમે સારું પરિણામ આવી શકે.

શક્તિના ઉપયોગ ઉપર અસર કરતાં પરિબળોમાં કુટુંબના સભ્યોની સંખ્યા, જાતિ, આવક, જીવનધોરણ, ઘરની જગ્યા, ગૃહવપરાશનાં સાધનો, કુટુંબના સભ્યોની પ્રવૃત્તિ અને ઋતુ વગેરે ગણાય છે.

થકાવટ : ખોરાક દ્વારા મેળવેલી શક્તિ કાર્ય કરવામાં વપરાઈ જાય છે; પરંતુ શક્તિ કરતાં વધુ કામ કરવામાં આવે ત્યારે થાક લાગે છે. તે બે પ્રકારના હોય છે : શારીરિક અને માનસિક. પહેલામાં અગાઉ કામ કર્યું હોવાથી શરીરની શક્તિ ઓછી થઈ જાય છે. થાકનું ઉદભવસ્થાન ચેતાતંત્ર અથવા સ્નાયુઓ અથવા બંને પણ હોઈ શકે. સ્નાયુની પ્રવૃત્તિઓમાંથી શરીરમાં ખોરાકનું દહન થાય છે અને શક્તિ છૂટી પડે છે. શક્તિ ઉત્પન્ન કરનાર તત્ત્વ ગ્લાયકોજન છે. લોહી મારફતે આવતું ગ્લુકોઝ ગ્લાયકોજન રૂપે સ્નાયુમાં જમા થાય છે. સ્નાયુઓની પ્રવૃત્તિ દરમિયાન આ ગ્લાયકોજન ઑક્સિજન સાથે ભેગું થઈ લૅક્ટિક ઍસિડ તથા કાર્બન ડાયૉક્સાઇડ છૂટા પાડે છે. લૅક્ટિક ઍસિડ તથા કાર્બન ડાયૉક્સાઇડ સ્નાયુની પ્રવૃત્તિઓમાં મુશ્કેલી ઊભી કરે છે તેથી થાક લાગે છે. માટે કોઈ પણ કાર્ય કર્યા પછી લૅક્ટિક ઍસિડ અને કાર્બન ડાયૉક્સાઇડ દૂર કરવા જરૂરી છે. તે માટે આરામ કરવો જોઈએ. આરામમાં સ્નાયુઓ કામ કરતા નથી તેથી ગ્લાયકોજનનું પ્રમાણ બરાબર જળવાઈ રહે છે. કાર્બન ડાયૉક્સાઇડ લોહીની નસો મારફત ફેફસાંમાં પહોંચે છે અને ઉચ્છવાસ મારફત બહાર નીકળે છે. તે જ સમયે શ્વાસ મારફત ઑક્સિજન લોહીમાં ભળે છે અને લૅક્ટિક ઍસિડનું ઑક્સિડેશન કરે છે.

શક્તિ ઉત્પન્ન કરનાર બીજું તત્ત્વ ફૉસ્ફેજન છે. તે સ્નાયુમાં થોડા પ્રમાણમાં જોવા મળે છે. પ્રવૃત્તિ દરમિયાન ફૉસ્ફેજનનું ફૉસ્ફેટ અને ક્રિએટાઇનમાં રૂપાંતર થાય છે અને શક્તિ છૂટી પડે છે. આ શક્તિનું પ્રમાણ ઓછું હોય છે; પરંતુ તે ખૂબ જરૂરી છે. કારણ કે તે ગ્લાયકોજન કરતાં વધુ ઝડપથી શક્તિ છૂટી પાડે છે.

માનસિક થાક : માનસિક રીતે થાકેલી વ્યક્તિ કામ કર્યે રાખે તોપણ ઉત્પાદન ઘટી જાય છે; થવું જોઈએ તેટલું કાર્ય થતું નથી. માનસિક થાક બે પ્રકારના હોય છે : કંટાળાજનક થાક (boredom fatigue) અને હતાશાજનક થાક (frustration fatigue). પહેલામાં કાર્યક્ષમતા ઘટતી નથી; પરંતુ વ્યક્તિને વારંવાર કામ બંધ કરવાનું મન થાય છે. તેને બેચેની લાગે છે અથવા પૂર્ણ થયેલાં કાર્યો પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય છે. બીજા પ્રકારના થાકમાં વ્યક્તિ વાતાવરણથી દૂર જવા માગે છે. આ થાક લાગણીપ્રધાન હોય છે. તે કાર્યની અપૂર્ણતા અને માનસિક ખેંચને લીધે જન્મે છે. આ પ્રકારના થાકનો આધાર વ્યક્તિના વલણ, રસ, ટેવ વગેરે ઉપર રહેલો હોય છે. જો પ્રેરણા મળતી રહેતી હોય તો થાક બહુ લાગતો નથી. ચલચિત્ર, પર્યટન, કામની એકવિધતા વગેરેમાં લાગતો થાક અમુક સમય પછી જતો રહે છે.

થાકથી શરીરને બચાવવા માટે શક્તિના આયોજનનો અમલ કરવો. તે માટે શરીરના દરેક ભાગનો અસરકારક ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ કાર્ય કરતી વખતે શરીરતંત્રના સિદ્ધાન્તોનો ખ્યાલ રાખવો જરૂરી છે. તેમાં શરીરના અવયવોને સંગઠિત રાખવા, સ્નાયુઓનો અસરકારક ઉપયોગ કરવો, કાર્યમાં તાલબદ્ધતા જાળવવી, શરીર અને ઊંચકેલા વજનનું ગુરુત્વબિંદુ સાચવવું તથા ખોટા ફેરફારથી બચવું અને તકનો લાભ લેવો વગેરેનો સમાવેશ થાય છે.

શરીર જ્યારે ક્રિયાશીલ હોય છે ત્યારે આ બધી બાબતો સંકળાયેલી હોય છે.

થાકથી બચવું એ પણ એટલું જ જરૂરી હોય છે. તે માટે તથા કાર્યક્ષમતા વધારવા આરામનો સમય, કાર્યની ફેરબદલી અને કાર્યમાં રસ ઉત્પન્ન કરવાની જરૂર હોય છે.

સમયનું આયોજન : કૌટુંબિક કાર્યશક્તિનો સુપેરે ઉપયોગ કરવા માટે સમયનું આયોજન મહત્ત્વનું છે. સમય એ અગત્યની કૌટુંબિક શક્તિ છે. મર્યાદિત સમયનો સદુપયોગ કરવાથી કાર્ય અને પ્રવૃત્તિ આનંદદાયક બને છે. તેનો સંબંધ શારીરિક અને માનસિક તંદુરસ્તી સાથે છે. સમયના આયોજનમાં રહેઠાણ, કુટુંબના સભ્યોની ઉંમર, સંખ્યા, બીજાની મદદ, કાર્યપદ્ધતિ, કુટુંબનો પ્રકાર, સભ્યોનો સ્વભાવ, આવક, ગૃહિણીની કુશળતા, જીવનધોરણ, સામાજિક સંદર્ભ, સાધનો અને કામની વહેંચણી – એટલાં પરિબળો અસર કરતાં હોય છે.

આયોજનને ઉપયોગી કેટલીક અન્ય બાબતો :

(1)        કામની યાદી તૈયાર કરવી. સમય અને શક્તિનો ખ્યાલ રાખી નાનાંમોટાં કામોની યાદી બનાવવી.

(2)        યોજનાઓની હારમાળા, તેમાં કામોની યાદી હોય છે પણ સમયમર્યાદા નક્કી નથી હોતી.

(3)        સમયની વિગતવાર નોંધ : તેમાં ચોક્કસ મુદ્દાઓ અને સમયની વિચારણા કરેલી હોય છે. અગત્ય પ્રમાણે પ્રવૃત્તિઓની યાદી બનાવી દરેકને માટે જરૂરી સમયની નોંધ કરવી. વ્યક્તિને મળતા સમય સાથે તેનું સમતોલન જાળવવું.

(4)       કાર્યની સૂચિ ગોઠવતાં હળવાં અને ભારે કાર્યો વારાફરતી ગોઠવવાં. દરેક કાર્યને પૂરતો સમય આપવો અને તેમાં છૂટનો સમય પણ રાખવો. તેનાથી કાર્યની સફળતામાં ચોકસાઈ આવે છે. છૂટનો સમય બપોરે અને બપોર પછી એમ બે વખત રાખવો અને તે દરમિયાન બાકી રહી ગયેલાં કાર્યો પણ પૂરાં કરી શકાય.

(5)        કુટુંબના સભ્યોને જવાબદારી સોંપતાં પહેલાં તેમને સમયના આયોજનથી વાકેફ કરવા. વારંવાર ચકાસણી કરવાનું પણ આવશ્યક છે. ચકાસણી રોજિંદી, સાપ્તાહિક કે માસિક હોઈ શકે છે. મૂલ્યાંકન કરવાની રીત પણ દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે. પરિસ્થિતિ પ્રમાણે સમયનું મૂલ્યાંકન સરળ રીતે કરવું જોઈએ.

કાર્યનું સરલીકરણ : કોઈ પણ કાર્યને ઓછામાં ઓછા સમયમાં ઓછામાં ઓછી શક્તિ વાપરીને પૂર્ણ કરવું તેને કાર્યનું સરલીકરણ કહેવામાં આવે છે. તેનાથી થાક અને કંટાળો ઓછા લાગે છે અને કાર્ય કરવામાં આનંદ અને ઉત્સાહ જન્મે છે. કાર્યનું વિશ્લેષણ કરવા અને કાર્યમાં રસ ઉત્પન્ન કરવા બે પ્રકારની ટૅકનિકનો ઉપયોગ કરાય છે : (1) મેમો-મોશન અને સાઇકલગ્રાફ ટૅકનિક : તેમાં કૅમેરા વ્યક્તિની હિલચાલના ફોટા લે છે અને તેના આધારે કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે. (2) પેપર-પેન્સિલ ટૅકનિક : તેમાં પ્રોસેસ ચાર્ટ અને પાથ-વે ચાર્ટ તથા ઑપરેશન ચાર્ટનો સમાવેશ થાય છે. પ્રોસેસ ચાર્ટમાં દરેક કાર્ય માટે ખાસ ચિહન નક્કી કરાય છે. ચિહનોને આધારે કાર્યકર્તાની દરેક હાથની હિલચાલનું વિસ્તૃત વિવરણ કરવામાં આવે છે અને પછી બંને હાથની ગતિનું વિશ્લેષણ કરાય છે. પાથ-વે ચાર્ટ : સમય અને ગતિના અભ્યાસ માટે આ સહેલી રીત છે. તેમાં સ્કેલમાપથી ફ્લોર પ્લાન બનાવી તેને પાટિયા ઉપર લગાડવામાં આવે છે. કાર્યમાં જ્યાં વળાંક આવે ત્યાં ટાંકણી ખોસી તેના પર દોરી વીંટવામાં આવે છે. તે દોરીનું માપ લઈ આયોજનને સુધારવામાં આવે છે. કાર્યના સરલીકરણ માટે સમય અને શક્તિના ઉપયોગની યોજના તૈયાર કરવી જોઈએ. કામ કરવાની પદ્ધતિ અને કામની જગામાં પણ સુધારો કરવો જોઈએ. કામ કરવાની ટેવ અને કાર્યક્ષમતામાં પણ સુધારો કરવો જોઈએ.

શારીરિક તંદુરસ્તીની જાળવણી તથા સમય અને શક્તિના ઉપયોગની યોજના તૈયાર કરવી જોઈએ. રસ, જરૂરિયાત અને પ્રવૃત્તિ મુજબ કાર્યની વહેંચણી થવી જોઈએ. તેમાં આરામનો સમય હોવો જોઈએ. અને અતિકાર્યભારનો સમય વારંવાર ન આવવો જોઈએ. યોજના તૈયાર કરવામાં રજા, વૅકેશન, લગ્નગાળો વગેરેને ધ્યાનમાં રાખી રોજિંદાં, અઠવાડિક કે વાર્ષિક કાર્યોનું આયોજન કરવું જોઈએ. ઓચિંતાં આવી પડતાં કામોનો પણ વિચાર કરી યોજનામાં ફાજલ સમય પણ રાખવો જોઈએ.

કામ કરવાની પદ્ધતિ અને જગ્યામાં સુધારો : ગૃહજીવનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવાની અગત્ય એ છે કે તેનાથી સમય અને શક્તિનો બચાવ થાય છે, કાર્યદક્ષતા વધે છે, કાર્યની ઝડપમાં ફેર પડે છે. કામ કરવાની જગ્યા હવા-ઉજાસવાળી હોય, પ્લૅટફૉર્મ અને છતની ઊંચાઈ બરાબર હોય, સાધનો સારી સ્થિતિમાં હોય તો કામમાં ઝડપ વધે છે અને કંટાળો આવતો નથી.

ટેવ અને કાર્યદક્ષતામાં સુધારો : કામની પદ્ધતિ સારી હોય તો સમય અને શક્તિનો બચાવ થાય છે. કાર્યદક્ષતા માટે નીચેના મુદ્દા મહત્વના ગણાય છે : (1) અંગમરોડ અને અંગવિન્યાસ : કાર્ય સાથે સુસંગત અંગમરોડથી થાક ઓછો લાગે છે. શરીરના હલનચલનમાં ફેરફાર કરવાથી સમય અને શક્તિ બચે છે. યોગ્ય ગોઠવણીથી ધક્કા બચી જાય છે. કાર્યની ટૂંકી અને સરળ રીત અપનાવવાથી સમય અને શક્તિ ઓછાં ખર્ચાય છે. કાર્ય કરતાં બિનજરૂરી અવયવોનું હલનચલન શ્રમમાં ઉમેરો કરે છે. દરેક કાર્ય તાલબદ્ધતાથી કરવાથી કાર્યદક્ષતા વધારી શકાય છે.

સ્થળ અને સાધનોમાં ફેરફાર

મોટાં સાધનોની ગોઠવણી યોગ્ય રીતે કરવાથી તેમને વારંવાર ઉપાડવાની જરૂર પડતી નથી. ઉપરાંત જુદા જુદા ઘાટવાળી વસ્તુઓ સાથે રાખવાથી વધુ જગા રોકાય છે તેમજ અગવડ પણ પડે છે. વારંવાર ઉપયોગમાં લેવાની વસ્તુઓ હાથવગી હોય તો સમયનો બચાવ થાય છે. જગાની ઊંચાઈ વધુ હોય તો હાથ અને સ્નાયુઓ વારંવાર ઊંચા કરવાથી થાકી જવાય છે. ઓછી જગા હોય તોપણ શરીરની સ્થિતિ આરામદાયક રહેતી નથી. પહોળાઈ વધુ હોય તો હાથને વધુ શ્રમ પડે છે. કામ કરવાનાં સાધનોની પસંદગી યોગ્ય રીતે ન થઈ હોય તો સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. તેનાથી માનસિક તાણ પણ ઊભી થાય છે અને થાક વધુ લાગે છે. જરૂરિયાત મુજબ વસ્તુની ગોઠવણી કરવાથી શ્રમ બચે છે. પૂરતા હવાઉજાસવાળી જગા હોય તો કામ સારી રીતે અને ઝડપથી પૂર્ણ થાય છે.

કૌટુંબિક જરૂરિયાતો, પરિવારજનોની ટેવો અને સમય અનુસાર ગૃહકાર્યોનો ક્રમ રાખવાથી કાર્ય ઝડપથી પૂરું થાય છે. કાર્યના ક્રમમાં ફેરફાર કરવાથી સમય અને શક્તિ ઓછાં ખર્ચાય છે. એક પ્રકારના સ્નાયુનું કાર્ય પૂરું થયા પછી બીજા પ્રકારના સ્નાયુનું કાર્ય શરૂ કરવાથી સમય અને શક્તિ બચાવી શકાય છે. ચીલાચાલુ પદ્ધતિને બદલે સરળ પદ્ધતિ શોધી કાઢી અમલમાં મૂકવી જોઈએ. આમ કરતાં સમય અને શક્તિનો જે બચાવ થાય તેનો ઉપયોગ વિકાસ સાધવામાં અને અન્ય શોખ કેળવવામાં થઈ શકે.

નાણાંનું આયોજન : નાણારૂપી કૌટુંબિક શક્તિ મર્યાદિત હોય છે, જ્યારે માનવીની ઇચ્છા અને જરૂરિયાતો અમર્યાદિત હોય છે. યોગ્ય આર્થિક આયોજન જીવનના દરેક પાસા માટે મહત્ત્વનું છે. તેનાથી ઘણી મુસીબતોનો સામનો થઈ શકે છે. ઉપરાંત નાનાં બાળકોને પૈસાના યોગ્ય ઉપયોગની તાલીમ મળે છે. પૈસો, ભૌતિક સાધનો અને તે વડે મળતી સેવાઓ દ્વારા પ્રાપ્ત સંતોષ કૌટુંબિક આવક ગણાય છે. આવકના ત્રણ પ્રકાર પાડી શકાય છે : (1) નાણાકીય આવક. સમયના કોઈ પણ નિશ્ચિત ગાળામાં રૂપિયાના સ્વરૂપમાં કુટુંબ પાસે જે ખરીદશક્તિ રોજી, ભાડું, પેન્શન, પગાર કે ડિવિડન્ડના રૂપમાં આવે છે તે નાણાકીય આવક કહેવાય છે. (2) વાસ્તવિક આવક : સમયના કોઈ નિશ્ચિત ગાળામાં ચીજવસ્તુઓ અને સેવાઓનો જે પ્રવાહ કુટુંબને પ્રાપ્ત થાય છે તેને વાસ્તવિક આવક કહે છે. તેના બે પ્રકાર પડે છે : (અ) સીધી આવક : કુટુંબની જરૂરિયાત નાણાકીય આવક ખર્ચ્યા વગર સંતોષાય તો તે સીધી આવક કહેવાય. બગીચામાંથી મળતાં શાકભાજી, ખેતરમાંથી મળતું અનાજ, દુધાળાં ઢોર પાસેથી દૂધ અને તેની બનાવટો વગેરે નાણાકીય આવકનો ઉપયોગ કર્યા સિવાય મળે છે. બાળકની સંભાળ, ઘરની સાફસૂફી, કપડાંની ધોલાઈ વગેરે ઘરમાં જ કુટુંબીજનો દ્વારા થતી પ્રવૃત્તિઓ છે. તેમાં આવડત, જ્ઞાન અને હોશિયારી જેવી અંગત માનવીય કૌટુંબિક શક્તિઓ વપરાય છે અને તે દ્વારા બચેલી નાણાકીય આવકનો અન્ય રીતે ઉપયોગ થઈ શકે છે. સીધી આવકમાં લાઇબ્રેરી, બગીચા, આગથી રક્ષણ, પોલીસની સેવાઓ, રેડિયો, ટી.વી. વગેરેની સેવાઓ પણ ઉમેરી શકાય. (બ) આડકતરી આવક : નાણાંના વિનિમયને કારણે કુટુંબને માલસામાન અને સેવાઓ રૂપે મળતી આવકનો આમાં સમાવેશ થાય છે. (3) માનસિક આવક : નાણાંથી મળતાં માલિકીનાં સાધનો અને સેવાઓના ઉપયોગથી મળતા સંતોષને માનસિક આવક કહે છે. આવક પ્રમાણે ખર્ચ થાય તો કુટુંબમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. કુટુંબીજનોની સંખ્યા, ઉંમર, તંદુરસ્તી, શોખ, જીવનધોરણ વગેરે પરિબળો કૌટુંબિક ખર્ચ ઉપર અસર કરે છે. કૌટુંબિક ધ્યેયને પહોંચી વળવા માટે કુટુંબનું અંદાજપત્ર બનાવવું જોઈએ.

કૌટુંબિક અંદાજપત્ર : તેમાં અંદાજી ખર્ચમાં નક્કી કરેલો વિગતવાર હિસાબ તૈયાર કરાય છે. તેથી ભવિષ્ય માટેનું માર્ગદર્શન અને નક્કી કરેલા ખર્ચની યોજનાનો લાભ મળે છે. આત્મસંતોષ અને આનંદ પ્રાપ્ત થાય તે રીતે અંદાજપત્ર તૈયાર કરવું જોઈએ. ખોરાક, રહેઠાણ, સફાઈ, ગૃહસજાવટ, વાહનવ્યવહાર, કપડાં, દવાદારૂ, કેળવણી, મનોરંજન, ખિસ્સાખર્ચ, કરવેરા વગેરેનો ઉલ્લેખ અંદાજપત્રમાં કરાય છે. તેમાં ખર્ચને સમતોલ કરવાની ર્દષ્ટિ હોય છે. આવક અને ખર્ચ અંગે અડસટ્ટો કાઢવામાં આવે છે. અડસટ્ટો વધુ હોય તો અંદાજપત્ર નિષ્ફળ જાય છે.

આવક બે પ્રકારની હોય છે : ચોક્કસ અને સંભવિત. મહત્વની જરૂરિયાતને ચોક્કસ આવકમાં અને ઓછી જરૂરિયાતવાળી બાબતને સંભવિત આવકમાં રાખવામાં આવે છે. અંદાજી ખર્ચમાં કુટુંબના ખર્ચનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેમાં કુટુંબના સભ્યોની જરૂરિયાતો અને ઇચ્છાને ધ્યાનમાં લેવામાં આવે છે. અંદાજપત્રમાં બચતનો પણ ખ્યાલ રાખવો જોઈએ. જરૂરી વસ્તુઓની યાદી તેમની અગત્યના ક્રમમાં બનાવવી જોઈએ. ઇચ્છિત વસ્તુઓનો બજારભાવ પણ જાણવો જોઈએ અને ગુણવત્તા તથા કિંમત લક્ષમાં રાખીને ખરીદી કરવી જોઈએ. આ રીતે અંદાજપત્ર આવક અને ખર્ચને સમતોલ રાખવામાં ઉપયોગી નીવડે છે. જરૂર ઊભી થતાં આવકમાં વધારો કરીને અથવા તો ખર્ચમાં કાપ મૂકીને અંદાજપત્ર સમતોલ રાખી શકાય. અંદાજપત્રના મૂલ્યાંકનમાં મહત્વની જરૂરિયાતો પૂરી થાય, ભવિષ્યના અકસ્માત કે માંદગી જેવા આકસ્મિક ખર્ચને પહોંચી વળાય વગેરે બાબતોને ધ્યાનમાં લેવી પડે છે. વાસ્તવિક અંદાજપત્ર કુટુંબના લાંબા ગાળાના ધ્યેયને સિદ્ધ કરતું હોય છે.

આવકનો જે ભાગ ભવિષ્યના ઉપયોગ માટે રાખી શકાય તે બચત કહેવાય. તેની યોગ્ય વ્યવસ્થા કરવાથી ભવિષ્યમાં ઊભી થતી જરૂરિયાતો સંતોષી શકાય છે. બચતને બક, પોસ્ટ ઑફિસ, પબ્લિક પ્રૉવિડંટ ફંડ, યુનિટ ટ્રસ્ટ, વીમો, શૅર, બૉન્ડ્ઝ, નૅશનલ સેવિંગ સર્ટિફિકેટ વગેરેમાં રોકવાથી નાણાંની વૃદ્ધિ થાય છે અને સલામતી પણ જળવાય છે. બચતનો ઉપયોગ આર્થિક સુરક્ષા, વૃદ્ધાવસ્થા, અણધાર્યા બનાવો, કારજ કરવા, ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા વગેરે અનેક હેતુઓ માટે થઈ શકે છે.

ગૃહસફાઈ અને સુરક્ષા : ઘરમાં સ્વચ્છતાનું મહત્ત્વ સવિશેષ છે. ઘરમાં ફર્નિચર, બધાં સાધનો સુવ્યવસ્થિત હોય તોપણ સફાઈ પરત્વે પૂરતું ધ્યાન આપવામાં ન આવે ત્યાં સુધી તે રહેવા યોગ્ય ન કહી શકાય. સફાઈમાં સ્વાસ્થ્યની ર્દષ્ટિનું પ્રાધાન્ય હોવું જોઈએ. દૈનિક, સાપ્તાહિક અને વાર્ષિક એમ ત્રણ પ્રકારે આયોજન કરવું જોઈએ. દૈનિક સફાઈમાં રોજિંદા ઉપયોગનાં રૂમ, બાથરૂમ, સંડાસ, રસોઈઘર વગેરે આવી જાય. દૈનિક સફાઈ ધૂળ-માટીને દૂર કરવા પૂરતી સીમિત હોય છે. ધૂળનું પ્રમાણ વધારે હોય ત્યાં દિવસમાં બે વખત સફાઈ થવી જોઈએ. દરરોજ સામાન કે ફર્નિચરને ખસેડી સફાઈ કરવાની અપેક્ષા કે શક્યતા રહેતી નથી.

સાપ્તાહિક સફાઈ : સમયના અભાવે જે ભાગ રોજ સાફ થઈ શકતો ન હોય તે દરવાજા, બારીના કાચ, ફર્નિચર, લાદીને ધોવાની, દીવાલ, છત, પાથરણાં, ચાદરો વગેરે અઠવાડિયે એક વખત સાફ કરવાની આવશ્યકતા રહે છે. આ રીતે સફાઈ ન થાય તો ધૂળ અને જાળાં બાઝી ઘરમાં ગંદકી થાય છે.

વાર્ષિક સફાઈ : વર્ષમાં એક વખત ઘરને સંપૂર્ણ રીતે સાફ કરવું જોઈએ. તેમાં પૉલિશ, સાધનોની મરામત, રંગ કે ધોળવાનું આવી જાય છે. આ કાર્યમાં સમય અને શક્તિ ઘણાં વપરાય છે. તે માટે એક અઠવાડિયાનો કાર્યક્રમ બનાવી ઘરના સભ્યોને અલગ અલગ કાર્યની સોંપણી કરી દેવી જોઈએ. પશ્ચિમના દેશોમાં વાર્ષિક સફાઈ સારુ વસંત ઋતુ પસંદ કરાય છે. ભારતમાં સૌથી વધુ અનુકૂળ સમય દશેરા-દિવાળીનો છે.

ઘરમાં સફાઈની સાથે સુરક્ષાનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. તેમાં વાસણોની સફાઈનું મહત્વ છે. વાસણોની સફાઈ તેની વપરાશ પછી તરત જ કરવી જોઈએ. સુકાઈ ગયા પછી સફાઈ મુશ્કેલ બને છે અને તે માટે વધુ શ્રમ કરવો પડે છે. ચીકણાં વાસણો સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કાચ અને પ્લાસ્ટિકનાં વાસણો સાફ કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. બધાં જ વાસણોને એકસાથે સાફ કરવાનો આગ્રહ ન રાખવો.

પહેલાં જમવાનાં વાસણો, પછી રસોઈનાં વાસણો એ પ્રમાણે સફાઈ કરવાથી સરળતા રહે છે. કિનારીવાળાં કે કોતરણીવાળાં વાસણોમાં રાખ, માટી કે પાઉડર ભરાઈ રહે નહિ તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તે સારુ બ્રશનો ઉપયોગ કરી શકાય. નારિયેળનાં છોડાં કે સુંવાળા કપડાનો પણ ઉપયોગ થઈ શકે. સફાઈને અંતે બ્રશ કે કપડાને ગરમ પાણીથી ધોવાં જરૂરી છે. વાસણો પર પાણીના લિસોટા રહી ન જાય તે માટે તેમને સ્વચ્છ કપડાથી લૂછી નાખવાં પડે છે. કચરો ચોકડી કે સિંકમાંથી લઈને કચરાપેટીમાં નખાય તો તેમાં પાણી ભરાઈ ન રહે. આ રીતે ઘરને સ્વચ્છ રાખવાની જવાબદારી કુટુંબની દરેક વ્યક્તિને શિરે રહેલી છે.

સમય અને શક્તિ બચાવનારાં સાધનો : ગૃહકાર્યમાં વપરાતાં સાધનોથી ગૃહિણી કાર્ય જલદી અને સરળતાથી કરી શકે છે. તેમાં પૈસાની પણ બચત થતી હોય છે. સાધનો વિદ્યુત અને અવિદ્યુત એમ બે પ્રકારનાં હોય છે. આ સાધનોનો ઉપયોગ સફાઈ, ધોલાઈ અને રસોઈ માટે થતો હોય છે. સાધનોની પસંદગી કરતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે તેની રચના અને ઉપયોગ સહેલાં હોય, સાધન ટકાઉ અને કાર્યક્ષમ હોય, સહેલાઈથી સાફ થઈ શકે તેવું હોય, સારી અને વિશ્વસનીય કંપનીનું હોય, છૂટા ભાગ બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ હોય, સાધનોમાં આકાર અને કદ અનુકૂળ હોય, તેનું સ્થળાંતર સહેલાઈથી થઈ શકે તેમ હોય, સલામત હોય, ગૅરંટી અને આઇ.એસ.આઇ. માર્કાવાળું હોય અને કિંમત પોસાતી હોય.

બનાવટની ર્દષ્ટિએ સાધનોને ધાતુ અને અધાતુના વર્ગમાં મૂકી શકાય. સોનું, ચાંદી, તાંબું, કાંસું, પ્લૅટિનમ વગેરે ધાતુઓ ઘરેણાંમાં વપરાય છે. તાંબું, ઍલ્યુમિનિયમ, પિત્તળ, લોખંડ, સ્ટેનલેસ સ્ટીલ વગેરે ઉપયોગી ધાતુ ગણાય છે. ઉપયોગી ધાતુના બે પ્રકાર છે : કુદરતમાંથી મળતી શુદ્ધ ધાતુનું ઉત્પાદન થઈ શકતું નથી. અશુદ્ધ ધાતુઓ મિશ્રણથી બને છે. તેને એલૉઇ કહે છે. કાચ, માટી, કાગળ, ચિનાઈ માટી, કોડી, પ્લાસ્ટિક વગેરે અધાતુ છે.

સાધનોની પસંદગીમાં ઉપયોગ, સંભાળ અને સફાઈ ઉપરાંત રંગ અને ડિઝાઇનને પણ લક્ષમાં લેવાય છે. તેના ઉપર ઓપની પ્રક્રિયાથી કાટ ન લાગવો, ગરમીનું શોષણ, ખોરાકનાં તત્વો પર થતી અસરનું નિવારણ વગેરે ફાયદા મળે છે. ઓપ બે પ્રકારના હોય છે : મિકૅનિકલ અને ઍપ્લાઇડ. પૉલિશિંગ વગેરેથી ધાતુ આકર્ષક બને છે. બીજી કોઈ વસ્તુ વાપર્યા વગર મિકૅનિકલ ઓપની પ્રક્રિયા હાથથી કરવામાં આવે છે. ઍપ્લાઇડ ઓપ મેટલિક અને નૉન-મેટલિક એમ બે પ્રકારે થાય છે.

મેટલિક ઍપ્લાઇડ ઓપમાં તાંબું, ક્રોમિયમ, ટિન, ઝિંક વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મુખ્ય ધાતુને કૅથોડ (–) પર અને ઢોળ ચડાવવાની ધાતુને ઍનોડ (+) પર રાખવામાં આવે છે. ઇલેક્ટ્રૉપ્લેટિંગ દ્વારા મુખ્ય ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે.

નૉન-મેટલિક ઍપ્લાઇડ ઓપમાં પૉર્સલિન, કોડી, રંગ, નાયલૉન, ફ્લોરોકાર્બન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

ગ્રાહકને સારી જાતનાં સાધનો મળે તો સમય, શક્તિ અને પૈસાનો બચાવ થાય છે.

અવિદ્યુતેતર સાધનોનાં પીલર્સ, સ્લાઇસર્સ, ચૉપર્સ, ગ્રેટર, ગ્રાઇન્ડર, જ્યૂસર, ટિનઓપનર, બૉટલ ઓપનર, કૉર્ક ઓપનર, બીટર, ચપ્પાં, કાંટા, ચમચા, મેઝરિંગ સ્પૂન, કપ, સૅન્ડવિચ ટોસ્ટર, હાંડવા કૂકર, પ્રેશર કૂકર, ઇડલી કૂકર, ગૅસ ઓવન, કિચન માસ્ટર, કૂકિંગ રેન્જ, સોલર કૂકર, ગૅસ લાઇટર, પ્રાઇમસ, દિવેટવાળો સ્ટવ, ચારણીઓ, સક્શન વૉશર, ડ્રાયક્લીનિંગ પંપ, ઇસ્ત્રી, બ્રશ, મીની વૉશર, ડોલ, બાઉલ, વુડન સ્પૂન, સાવરણાં, ઝાપટિયું વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યુત સાધનોમાં ઓવન, મિક્સર, રેફ્રિજરેટર, ટોસ્ટર, સૅન્ડવિચ ટોસ્ટર, કૉફી, પરકોલેટર, હૉટ પ્લેટ, ઇલેક્ટ્રિક સગડી, લાઇટર, ડીપ ફ્રાયર, શૅલો ફ્રાયર, ઇલેક્ટ્રિક પ્રેશર કૂકર, રાઇસ કૂકર, ઘરઘંટી, આઇસક્રીમ ફ્રીઝર, માઇક્રોવેવ ઓવન, વૉશિંગ મશીન, ડ્રાયર, બૉઇલર, ઇસ્ત્રી, વૉટર હીટર, ઇર્મઝન રૉડ, ઇન્સ્ટંટ વૉટર હીટર, રૂમ હીટર, વૅક્યુમ-ક્લીનર વગેરે વપરાશમાં છે.

શીલા નાણાવટી

નીતા દવે

રૂપલ દેસાઈ

દર્શના અંજારિયા

ગૃહસજાવટ

પ્રાચીન કાળથી ગૃહસજાવટની કળા ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. મોતીનાં તોરણો, રંગીન કાચની હાંડીઓ, ઝુમ્મરો, મોતીજડિત ઈંઢોણી, કોતરણીવાળાં વાસણો વગેરેનો સજાવટ સારુ ઉપયોગ થતો હતો; પરંતુ પશ્ચિમની સંસ્કૃતિની અસર થતાં તેમાં ઉમેરો થયો.

ગૃહસજાવટમાં રહેનારની સૌંદર્યર્દષ્ટિનો પરિચય થઈ જાય છે. સુંદર સજાવટમાં રેખા, રંગ, આકાર અને સ્વરૂપની વ્યવસ્થિત અને સુંદર ગોઠવણી હોય છે. અભ્યાસ, અવલોકન, અનુભવ અને સર્જનાત્મક અભિગમથી સૌંદર્યર્દષ્ટિ કેળવી શકાય છે.

ઘર સુંદર, સુવ્યવસ્થિત અને સુરુચિપૂર્ણ હોવું જોઈએ. સજાવટમાં કોઈ ચોક્કસ વિચાર કે આદર્શ હોવો જોઈએ. ઘર નાનું હોય, આર્થિક સ્થિતિ સાધારણ હોય તોપણ ઘરને સુંદર અને કલાત્મક રીતે ગોઠવી શકાય છે. કલાના નિયમોનો ઉપયોગ કરવાથી સજાવટ સુંદર થઈ શકે છે. કેટલીક વ્યક્તિઓમાં કલાની સૂઝ સ્વભાવગત હોય છે. ફર્નિચર, કલાત્મક વસ્તુઓ, ફૂલોની ગોઠવણી અને ગાલીચા તથા પડદાના ઉપયોગમાં પ્રવર્તતા કલાના નિયમો નીચે મુજબ છે :

(1) એકરૂપતા (harmony) : વસ્તુઓની પસંદગી અને ગોઠવણીમાં એકતાની છાપ ઊભી કરી શકાય છે. લંબચોરસ ઓરડામાં લંબચોરસ આકારવાળું ફર્નિચર ગોઠવવામાં આવે ત્યારે રેખા અને આકારની એકરૂપતા જળવાય છે. મોટા ઓરડામાં મોટું ફર્નિચર અને નાના ઓરડામાં નાનું ફર્નિચર ગોઠવવામાં આવે ત્યારે કદની એકરૂપતા જળવાય છે. ઓરડાની દીવાલો પ્લાસ્ટિક અથવા ઑઇલ પેન્ટની રંગેલી લીસી અને સુંવાળી સપાટીવાળી હોય ત્યારે સાગ અને સીસમના લાકડાનું ફર્નિચર અને પડદા સાટીન કે રેશમી કાપડના વાપરવામાં આવે છે ત્યારે સ્વરૂપની એકરૂપતા જળવાય છે. મકાન આધુનિક હોય તો સજાવટ પણ આધુનિક રખાય ત્યારે વિચારની એકરૂપતા જળવાય છે. કુદરતી વસ્તુઓનો ઉપયોગ ગૃહસજાવટમાં કરવાથી પણ વિચારોની એકરૂપતા જળવાય છે. ઓરડામાં રંગની એકરૂપતા જાળવવા માટે રંગના ત્રિકોણમાં પાસે પાસે આવેલા રંગો વાપરી શકાય છે. એક જ રંગની જુદી જુદી છાયાથી એકરૂપતા જળવાતી હોય છે.

(2) સમતોલન : ઔપચારિક સમતોલન અને અનૌપચારિક સમતોલન એવા એના બે પ્રકારો છે : ઔપચારિક સમતોલન એટલે વસ્તુઓની ગોઠવણીમાં મધ્યરેખા શોધી તેનાથી એકસરખા અંતરે બંને બાજુએ બે એકસરખી વસ્તુઓ મૂકવામાં આવે. આ પ્રકારનું સમતોલન ચિત્રો, શો કેસ વગેરેમાં જોવા મળે છે. અનૌપચારિક સમતોલનથી ઓરડામાં મુક્ત અને હળવું વાતાવરણ સર્જાય છે. તેમાં ગોઠવણી બરાબર મધ્યમાં હોતી નથી. બંને બાજુએ એકસરખું આકર્ષણબળ ધરાવતી જુદી જુદી વસ્તુઓ જુદા જુદા અંતરે મૂકવામાં આવે છે. વસ્તુનું આકર્ષણબળ જેમ વધારે તેમ તે મધ્યરેખાથી વધુ નજીક રાખવામાં આવે છે અને વસ્તુનું આકર્ષણબળ જેમ ઓછું તેમ તે મધ્યરેખાથી દૂર રાખવામાં આવે છે. આ બંને પ્રકારનાં સમતોલનોનો ઉપયોગ ગૃહસજાવટમાં એકસાથે કરવો જોઈએ.

(3) લય : જ્યારે વ્યક્તિની ર્દષ્ટિ સરળતાથી એક જગાએથી બીજી જગાએ ફરે છે ત્યારે તેમાં એક પ્રકારના લયનો અનુભવ થાય છે. ડાળી પરનાં પાંદડાં, શંખ ઉપરના આંકા, પર્વતોની હારમાળા, રણમાં પવનથી રેતી પરના પટ્ટા વગેરેમાં લય જોવા મળે છે. ગૃહસજાવટમાં ત્રણ પ્રકારના લય જોવા મળે છે.

(ક) આકાર ચોક્કસ અંતરે પુનરાવર્તન પામતો હોય,

આકૃતિ 1

(ખ) વસ્તુને ચઢતા કે ઊતરતા ક્રમમાં ગોઠવેલી હોય :

આકૃતિ 2

(ગ) એક સળંગ રેખાની ગતિથી : ભરતગૂંથણ કરેલી વસ્તુઓમાં, કપડાંની લેસમાં, ચિત્રકામમાં, સ્વસ્તિકમાં અને ફૂલોમાં લય હોય છે.

(4) પ્રમાણ : પ્રાચીન કાળમાં ગ્રીકો જગાના ભાગ પાડવા લંબચોરસનો ઉપયોગ કરતા હતા. તે ‘સુવર્ણ લંબચોરસ’ કહેવાતો. આ લંબચોરસમાં 2 : 3નું પ્રમાણ યોગ્ય ગણવામાં આવે છે. ગૃહસજાવટમાં ઓરડાની વસ્તુઓનું પ્રમાણ ઓરડાના પ્રમાણને અનુરૂપ હોવું જોઈએ. આ નિયમ મુજબ ઓરડાની જગાના બે ભાગ ફર્નિચર અને અન્ય વસ્તુઓથી રોકાયેલા હોવા જોઈએ. તેની આજુબાજુ અને પાછળ ત્રીજા ભાગની જગા ખાલી રહેવી જોઈએ. ફર્નિચર, ચિત્રો અને સુશોભનની વસ્તુઓનાં જૂથ બનાવવાથી યોગ્ય પ્રમાણ જાળવી શકાય છે.

(5) આકર્ષણબળ (emphasis) : સામાન્ય રીતે કોઈ પણ ગોઠવણીમાં સૌથી વધુ આકર્ષક વસ્તુ તરફ વ્યક્તિનું ધ્યાન દોરાય છે અને ત્યારબાદ તેનાથી સહેજ ઓછી આકર્ષક વસ્તુ તરફ ધ્યાન દોરાતું હોય છે. સૌથી ઓછી આકર્ષક વસ્તુ તરફ છેલ્લે ધ્યાન જાય છે. આ નિયમ જાળવવા ગોઠવણી પાંચ પ્રકારે કરવી જોઈએ. (અ) વસ્તુઓને યોગ્ય જૂથમાં ગોઠવવી. (બ) વિરોધી રંગો વાપરવા. (ક) વસ્તુઓની આજુબાજુ યોગ્ય ખાલી જગા રાખવી. (ડ) સુશોભન કરવું. (ઇ) વિરોધી કે અસામાન્ય રેખાઓ, આકાર કે કદ વાપરવાં.

આકૃતિ 3

આ ઉપરાંત ઓરડાની સજાવટમાં આકર્ષક કેન્દ્ર રચવું જોઈએ. તે સારુ સુંદર ચિત્રો કે કલાત્મક વસ્તુઓની ગોઠવણી કરવી જોઈએ. બારી કે શો કેસનો ઉપયોગ કરી તેની આજુબાજુ તેના આકાર અને કદ પ્રમાણે ફર્નિચર ગોઠવવું જોઈએ.

ઉપર દર્શાવેલા નિયમો એકબીજા સાથે સંકળાયેલા છે. ગૃહસજાવટમાં આ બધાનો સાથે ઉપયોગ કરવામાં આવે તો સજાવટ સુંદર બને છે.

સજાવટ અને રંગ : ગૃહસજાવટમાં રંગ અતિ મહત્વનો ભાગ  ભજવે છે. લાલ, પીળો અને વાદળી એ ત્રણ મૂળ રંગો ખૂબ ઘેરા હોવાથી સીધા વાપરી શકાય નહિ, એટલે મેળવણીથી બનેલા રંગોનો ઉપયોગ થતો હોય છે. ગરમ અથવા ઠંડા એમ બે પ્રકારના રંગો હોય છે. રંગના ત્રિકોણમાં જમણી બાજુના વાદળી, લીલો અને તેમાં ભળતા રંગો ઠંડા ગણાય છે, જ્યારે ડાબી બાજુના પીળો, કેસરી અને લાલ કે તેમાં ભળતા રંગો હૂંફાળા રંગો કહેવાય છે. આ રંગોની કેટલીક વિશિષ્ટતા છે. હૂંફાળા રંગો આપણી તરફ આવતા હોય તેમ લાગે છે અને ઓરડો નાનો લાગે છે. ઠંડા રંગો આપણાથી દૂર જતા જણાય છે અને તેને કારણે ઓરડો હોય તેનાથી મોટો લાગે છે.

આકૃતિ 4

બેઠકખંડમાં હૂંફાળા અને આનંદ આપે તેવા રંગો વાપરવા હિતાવહ છે. સૂવાના ઓરડામાં ઠંડા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. ઓરડાની સજાવટમાં બેથી ત્રણ રંગો અને બીજા થોડા પ્રમાણમાં ઘેરા અથવા તટસ્થ રંગો વાપરી શકાય. તેમાં કાળો, સફેદ, રાખોડી વગેરે મુખ્ય છે.

ઓરડામાં દીવાલો, ભોંયતળિયું અને છત આ ત્રણ મોટા વિસ્તાર હોવાથી તેમાં થોડા આછા રંગો અને ફર્નિચર, પડદા, ફૂલદાની વગેરે કલાત્મક વસ્તુઓમાં તેની જુદી જુદી આભા સાથે થોડા વિરોધી અને ઘેરા રંગો વાપરવાથી ઓરડો ખૂબ સુંદર લાગે છે.

રંગયોજના : તેના મુખ્યત્વે બે પ્રકાર છે : (1) ભળતા રંગોની યોજનામાં બધા જ રંગો લગભગ સરખા હોય છે. તેમાં પણ એક જ રંગની યોજના અને સમાંતર રંગોની યોજના થઈ શકે છે. એક જ પ્રકારના આછા ઘેરા રંગોની યોજના વસ્ત્રપરિધાનમાં, નાની વસ્તુઓમાં, નાની જગ્યામાં, ફૂલોની ગોઠવણીમાં, ભરતગૂંથણમાં, હસ્તઉદ્યોગની વસ્તુઓમાં અને ગાલીચામાં સારી લાગે છે. સમાંતર રંગોની યોજનામાં રંગત્રિકોણમાં દર્શાવેલા પાસે પાસે આવેલા બે અથવા ત્રણ રંગો એકસાથે વાપરવામાં આવે છે. આ યોજનાથી ખંડમાં આનંદદાયક વાતાવરણ સર્જી શકાય છે. (2) વિરોધી રંગોની યોજના : રંગત્રિકોણમાં સામસામે આવેલા પીળો અને જાંબલી, લાલ અને લીલો, કેસરી અને વાદળી એકબીજાના વિરોધી રંગો છે. આ રંગો જોડકામાં પણ વાપરી શકાય છે. ઉપરાંત રંગત્રિકોણમાં કુલ રંગોના ચાર ત્રિકોણ બને છે. તે પણ રંગયોજનામાં સુંદર લાગે છે : (અ) મૂળ રંગોના ત્રિકોણ લાલ, પીળો અને વાદળીનો બને છે (બ) ગૌણ રંગોના ત્રિકોણમાં લીલો, કેસરી અને જાંબલી હોય છે (ક) મૂળ અને ગૌણ રંગોના મિશ્રણથી બનતા રંગોના બે ત્રિકોણ છે : એક પીળો, કેસરી અને વાદળીનો અને બીજો લીલો, લાલ અને જાંબલીનો.

પડદા : ગૃહસજાવટમાં પડદાનો ઉપયોગ સુશોભનમાં વધારો કરે છે. પડદાથી ગુપ્તતા જળવાય છે અને ગરમી તથા ઠંડી સામે રક્ષણ મળે છે. પડદાનું કાપડ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે કાપડ સાદું, રંગીન કે ડિઝાઇનવાળું હોય; મજબૂત, જાડું અને અપારદર્શક હોય; રંગ પાકો હોય; રંગ ઓરડાની સજાવટ સાથે મેળ ખાતો હોય; બારીબારણાંની લંબાઈ-પહોળાઈ મુજબ યોગ્ય કદના ઝૂલ કે પ્લિટ્સવાળા પડદા હોય.

ગાલીચા : તેના ઉપયોગથી ઓરડાની શોભામાં વૃદ્ધિ થાય છે, હૂંફ લાગે છે અને સજાવટમાં એકતા આવે છે. ગાલીચા ઊન, રેશમ કે સૂતરના બનેલા હોય છે. તેનો રંગ ઘેરો અથવા તટસ્થ પસંદ કરવો.

ચિત્રો : ચિત્રો ઓરડાના હેતુ પ્રમાણે રાખવાં જોઈએ. ઓરડા અને દીવાલના કદ પ્રમાણે ચિત્રો નાનાંમોટાં ટિંગાડવાં જોઈએ. યોગ્ય ઊંચાઈએ અને ઓરડામાં પ્રમાણસર લાગે તેટલાં હોવાં જોઈએ.

ફૂલોની ગોઠવણી : ફૂલોની સજાવટની કળા પ્રાચીન કાળથી જાણીતી છે. જાપાનના લોકો આ કળામાં જગપ્રસિદ્ધ છે. અભ્યાસ, નિરીક્ષણ અને અનુભવથી આ કળા વિકસાવી શકાય છે. ફૂલોની સજાવટ માટે ઘાસ, પાંદડાં, ડાંખળાં, સૂકાં પાન, બોર, ધાણી, મમરા, ચણોઠી, સાવરણીની સળીઓ વગેરેનો ઉપયોગ કરી શકાય છે. ફૂલદાની માટે કોઈ પણ પ્રકારના વાસણનો ઉપયોગ થઈ શકે છે. આ સર્જનાત્મક કળાથી વ્યક્તિ ચિંતા કે દુ:ખમાંથી મુક્તિ મેળવી શકે છે. ફૂલોની સજાવટથી ગૃહસુશોભન જીવંત બને છે. ફૂલોની સજાવટમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો : (1) ફૂલદાની સાદી વાપરવી જોઈએ. (2) ફૂલોની ગોઠવણીની ઊંચાઈ ફૂલદાનીની ઊંચાઈ કરતાં દોઢી હોવી જોઈએ. (3) પહોળી અને નીચી ફૂલદાનીમાં ફૂલોની ગોઠવણીની ઊંચાઈ માટે ફૂલદાનીની ઊંચાઈ અને પહોળાઈનો સરવાળો કરવામાં આવે છે. (4) ફૂલોની ગોઠવણી ગોળ, લંબગોળ, અર્ધગોળ, ત્રિકોણ વગેરે જુદા જુદા આકારની થતી હોય છે. ગોઠવણીના આકારનો આધાર ફૂલદાનીના આકાર ઉપર રહે છે. ખૂણામાં ઊંચી ગોઠવણી રાખવી જોઈએ અને કેન્દ્રમાં ટિપાઈ પર મૂકવાની હોય તો ગોઠવણી નીચી કરવી જોઈએ. (5) ફૂલની દાંડી પરથી વધારાનાં પાન કાઢી નાખવાં જોઈએ. (6) ગોઠવણીમાં આછા રંગનાં અને નાનાં ફૂલો સૌથી ઉપર તથા ઘેરા રંગનાં અને મોટાં ફૂલો સૌથી નીચે રાખવાં જોઈએ. એક જ રંગ કે છાયાનાં ફૂલોને ચઢતાઊતરતા ક્રમમાં ગોઠવી શકાય છે. (7) ફૂલોની ગોઠવણી વધુ સુંદર બનાવવામાં શંખ, મીણબત્તી, શિલ્પ, ફળ કે પથ્થરનો ઉપયોગ કરવો જોઈએ.

ફૂલોને છોડ પરથી તોડ્યાં પછી ઠંડા પાણીમાં રાખવાં જોઈએ. ફૂલદાનીમાં યોગ્ય પ્રમાણમાં ફૂલો ગોઠવવાં જોઈએ, ગીચોગીચ નહિ, જેથી દાંડીને પાણી અને હવા મળી રહે અને ફૂલો લાંબા સમય સુધી તાજાં રહે. ફૂલોની દાંડી છેડા પરથી ત્રાંસી કાપવી જોઈએ જેથી તે વધુ પાણી ગ્રહણ કરી શકે અને ફૂલો તાજાં રહે. કોલસો, મીઠું, લીસ્ટરીન કે એમોનિયાના ઉપયોગથી બૅક્ટેરિયા બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને ફૂલો લાંબા સમય સુધી તાજાં રહે છે.

ફર્નિચર : ફર્નિચર લાકડાનું, લોખંડનું, વાંસ કે નેતરનું અથવા ઍલ્યુમિનિયમનું હોય છે. ફર્નિચર સાદું, સુંદર અને આરામદાયક હોવું જોઈએ. તે મજબૂત અને વજનમાં હલકું હોવું જોઈએ. ઓરડાના કદના પ્રમાણમાં અને વૈવિધ્યપૂર્ણ ફર્નિચર સુંદરતામાં વધારો કરે છે. તેની ગોઠવણી ઓરડાના હેતુને અનુરૂપ અને અવરજવરની જગ્યામાં નડતરરૂપ ન બને તે રીતે કરવી જોઈએ.

સુશોભનમાં સહાયક સાધનો (accessories) : તેમાં પુસ્તકો, ઘડિયાળ, અરીસો, નાનાં શિલ્પ, ચિત્રો, ફૂલદાની વગેરેનો સમાવેશ થાય છે. આ સાધનો ફર્નિચરના જૂથ સાથે યોગ્ય રીતે મૂકવાં જોઈએ. સૌથી અગત્યનું સાધન ઓરડાના આકર્ષક કેન્દ્રમાં મૂકવું જોઈએ. આ સાધનો મૌલિક અને નાવીન્યપૂર્ણ હોવાં જોઈએ. આ સાધનોથી ઓરડો જીવંત બને છે. તે ગૃહસજાવટના હેતુને પ્રદર્શિત કરે છે. ઓરડાના ફર્નિચરની રેખા અને આકારને અનુરૂપ સાધનોની સુંદર અને કલાત્મક ગોઠવણીથી ગૃહસજાવટ ખીલી ઊઠે છે.

ગીતા દીક્ષિત