ગેઑર્ગ, શ્ટેફાન

February, 2011

ગેઑર્ગ, શ્ટેફાન [જ. 12 જુલાઈ 1868, બિન્ગેન (Bingen), જર્મની; અ. 4 ડિસેમ્બર 1933, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ] : ‘કલા ખાતર કલા’ના આંદોલનના પ્રવર્તક જર્મન પ્રતીકવાદી કવિ. હરાઇનને કિનારે આવેલા એક ગામમાં જન્મ. તેમણે પૅરિસ, મ્યૂનિક બર્લિનમાં અભ્યાસ કર્યો હતો; જોકે બર્લિન યુનિવર્સિટીમાં ત્રણ સેમેસ્ટરના અભ્યાસ પછી યુનિવર્સિટી શિક્ષણ છોડી દીધું હતું. તે જીવનમાં ક્યારેય કોઈ વ્યવસાયમાં જોડાયા નહોતા, પરણ્યા નહોતા, ‘ઘર’ જેવું કશુંય ક્યારેય નહોતું. યુવાનવયે જ તેમણે કવિતાને સમર્પિત થવાનું અને ‘કલા ખાતર કલા’ને પ્રોત્સાહિત કરવાનું નક્કી કરી દીધું હતું. તેમણે યુરોપ અને ઇંગ્લૅન્ડમાં ખૂબ પ્રવાસો કર્યા હતા. ઘણી ભાષાઓ જાણી તે ભાષાવિદ્ પણ બન્યા હતા. પ્રવાસો દરમિયાન પૅરિસમાં માલાર્મે અને પ્રતીકવાદીઓ, તેમજ લંડનમાં પ્રી-રાફેલાઇટ કવિઓ સાથે સંપર્કમાં આવ્યા હતા. ફ્રેન્ચ કવિ માલાર્મેનો તેમનાં ઘડતરનાં વર્ષો દરમિયાન ઊંડો પ્રભાવ પડ્યો હતો. 19મી સદીના અંતભાગમાં બીજા કેટલાક કવિઓ સાથે, સમકાલીન નાઝીવાદ, તેમજ સાંસ્કૃતિક વલણોના વિરોધમાં અલગ મંડળી રચી ‘કલા ખાતર કલા’ને પ્રોત્સાહિત કરતા સામયિક ‘દિ બ્લૅટર ફ્યુર દિ ક્યુન્સ્ત’નું તંત્રીપદ લીધું. આ સામયિકમાં રૂપ-પ્રધાન તેમજ બિંબ-પ્રધાન કાવ્યો પ્રકટ કરવા લાગ્યા. તેમનો મુખ્ય ઉદ્દેશ જર્મન સાહિત્યિક ભાષાને પુન: સામર્થ્યવાળી બનાવવાનો હતો. 1919 સુધી સામયિકનું સંપાદન ચાલુ રાખ્યું.

શ્ટેફાન ગેઑર્ગ

ર્દઢ સંકલ્પશક્તિ ધરાવનાર અને અનન્યતાનો ઊંચો આગ્રહ રાખનાર ગેઑર્ગ ગ્રંથપ્રકાશનની સામાન્ય પદ્ધતિઓથી નારાજ હતા. તેમના પહેલા ત્રણ કાવ્યસંગ્રહો પોતે પ્રગટ કર્યા. ‘હાઈમ્નન’ (1890), ‘પિલ્ગફોર્ટન’ (1891) અને ‘આલ્ગબલ’ (1892). ટાઇપોગ્રાફીની બાબતમાં તેમણે જુદી જુદી રીતિઓ અપનાવેલી. આ ત્રણ સંગ્રહો કવિના કાવ્યાત્મક ઉદ્દેશો અને રોજ-બ-રોજના જીવન વચ્ચે રહેલા વિરોધોને નિરૂપે છે. સંરચના(structure)ની ર્દષ્ટિએ તે પરંપરાવાદી છે, તેમનાં કાવ્યોમાં પ્રશિષ્ટ સંરચના અને પ્રાસાનુપ્રાસ જોવા મળે છે. શબ્દભંડોળ અને પદાવલિના વિનિયોગમાં તેમની વિશિષ્ટતા રહેલી છે. સીધીસાદી લાગતી તેમની કવિતામાં એકાધિક વાચન પછી ઊંડાણ, મર્મ અને સ-ક્ષમતા પામી શકાય છે. ‘દિ બ્યુખર દેર હિર્ટન ઉન્ડ પ્રાઇઝગેદિખ્ત…’ (1895)માં પ્રાચીન મધ્યકાલીન અને પૂર્વનું જીવન નિરૂપાયું છે.

સદીના વળાંક તરફ જતા ગેઑર્ગ એક કેળવણીકાર અને ઘસાતી જતી સંસ્કૃતિની પુનર્જાગૃતિના પુરસ્કર્તા તરીકે બહાર આવે છે. માનવીઓ, ઘટનાઓ, રોજ-રોજનું જીવન હવે તેમની કવિતામાં સ્થાન પામે છે. કવિનું આવું નાગરિક જવાબદારીભર્યું વલણ ‘ર્દર ટેપ્પિખ સ લેબન્સ’(1899)માં સ્પષ્ટ દેખાય છે.

1900 પછી ગેઑર્ગ પરદેશની મુસાફરીઓ ઓછી કરી મુખ્યત્વે જર્મનીમાં જ રહેવા લાગે છે. 1903માં 15 વર્ષના કિશોર મેક્સિમિન સાથેના મિલનમાં કવિને એક વિશિષ્ટ નિર્ણાયક અનુભવ થાય છે. એમની ઘણી કવિતાઓ ‘મેક્સિમિન’ને સંબોધીને, અથવા તો તેનાથી પ્રેરાઈને લખાયેલી છે. ખરેખર તો ડેન્ટિને મન જેવી બિયાટ્રિસ હતી, તેમ ગેઑર્ગને મન આ તરુણ ‘મેક્સિમિન’ છે : તેમની સૌન્દર્યર્દષ્ટિની પૂર્ણતા અને આધ્યાત્મિક અભીપ્સાનો આદર્શ. આ અર્થમાં ગેઑર્ગની કવિતામાં આવતી મેક્સિમિનની છબી ગ્રીક હેલેનિઝમનું પ્રતીક છે. આમ શુદ્ધ કલાની શોધ માટે કવિએ ખ્રિસ્તી ધર્મના દેવને ત્યજી ‘મેક્સિમિન’ દેવને સ્થાપ્યો છે. આ અનુભવના પરિણામરૂપ કાવ્ય તે ‘દેર સિબેન્ત રિંગ’ (1907). આમાં ડૅન્ટીના ‘વિટા નોઆ’ના વિષય સાથે સામ્ય ધરાવતું કથ્ય છે : કવિના જીવનનો આધ્યાત્મિક વિકાસ, જે ‘પ્રિય’ની ઝંખનામાં ચરમસીમાએ પહોંચે છે. ‘દેર સ્ટેર્ન દેસ બ્યુન્દસ’ (1914)માં કવિની કવિતાનો સૂર પયગંબરની વાણીની કક્ષાએ પહોંચે છે. નૂતન જર્મનીનું દર્શન ‘દાસ નૉય્ય રાઈખ’ (1928) સંગ્રહમાં મળે છે. રિલ્કે અને હૉફમાનસ્થાલ સાથે સાથે ગેઑર્ગ શ્ટેફાન પણ આધુનિક જર્મન-કવિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

તેમણે ‘ડિવાઇન કૉમેડી’ના કેટલાક પસંદ કરેલા ખંડોનો, બોદલેરના ‘ધ ફ્લાવર્સ ઑવ્ ઈવિલ’નાં કાવ્યોનો, શેક્સપિયરનાં ‘સૉનેટ્સ’નો સ્વિનબર્ન, રોઝેટી, વર્લેન, માલાર્મે, રિમ્બો વગેરેનાં કાવ્યોનો અનુવાદ કર્યો છે. 1927માં તેમને ગેટે પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું. ગેઆર્ગ સમય જતાં નૂતન વિચારધારાના સ્થાપક બનતા જાય છે. 1914 થી 1933નાં વર્ષ દરમિયાન તો જર્મનીમાં બૌદ્ધિક જીવન પર એમનો ઘણો ઊંડો પ્રભાવ પડ્યો હતો. દુ:ખી, રોગિષ્ઠ વિશ્વને કવિતા દ્વારા પરિવર્તિત કરવાની એમની મથામણો જોકે એટલી સફળ બનતી નથી. ‘દાસ નૉય્ય રાઈખ’ શીર્ષકનો નૅશનલ સોશિયાલિસ્ટ રેજિમે દુરુપયોગ કર્યો હતો. ગેઑર્ગને લેખકોની નવી અકાદમીના પ્રમુખ બનાવવાનો હિટલરે પ્રસ્તાવ મૂક્યો હતો તેને તેમણે નકાર્યો હતો. તરત જ તે જર્મની છોડી સ્વિટ્ઝર્લૅન્ડ જતા રહ્યા – એક રીતે સ્વૈચ્છિક દેશવટો વહોરી લીધો. પછી ત્યાં જ 1933માં તેમનું મૃત્યુ થયું.

અનિલા દલાલ