ગુહા નિયોગી, શંકર (જ. 14 ફેબ્રુઆરી 1943; અ. 28 સપ્ટેમ્બર 1991) : મજૂર-પ્રવૃત્તિઓના અગ્રણી.
છત્તીસગઢ મુક્તિ મોરચા નામના કામદાર યુનિયનના સ્થાપક અને ભારતીય કામદાર નેતા તરીકે તેઓ ખૂબ જાણીતા બન્યા. ભિલાઈના શ્રમિક સંઘના કાર્યાલયમાં જ આ ક્રાંતિવીરની ગોળીબાર કરીને ક્રૂર હત્યા કરાયેલી. ‘ધાન કા કટોરા’ તરીકે ઓળખાતા છત્તીસગઢ પ્રદેશમાં ખનીજ સંપદા અને ગાઢ જંગલોના કામદારો માટે તેમણે આજીવન કામ કર્યું. અમાનવીય શોષણ, કુદરતી સંસાધનોનો બેરહમ ઉપભોગ અને ભોગવાદી સંસ્કૃતિના આક્રમણ સામે તેમણે જંગ છેડ્યો હતો. શોષણ, વિષમતા અને અસમાન વિકાસનો ભોગ બનેલ શ્રમજીવીઓ માટે તેઓ ભગવાન સમા હતા.
પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં જન્મેલા શંકર ગુહાનું મૂળ નામ ધીરેશ હતું. સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી અને ડૉ. બી. સી. રૉયના વિચારોનો પ્રભાવ એમણે ઝીલ્યો હતો. નાનપણથી વાંચનનો શોખ હતો. અખબારોમાંથી ક્રાંતિકારીઓનાં ચિત્રોનું આલબમ બનાવેલું. એના મુખપૃષ્ઠ પર રવિ ઠાકુરની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ લખેલી : ‘મૃત્યુ-સાગરના કિનારે તમે સૌ અમર છો’.
1961માં માતાના અવસાન પછી ભિલાઈના સ્ટીલ પ્લાન્ટમાં ઍપ્રેન્ટિસ તરીકે જોડાયા. થોડું ભણતા હતા પણ ડિગ્રીઓનું મહત્ત્વ ન લાગતાં છેલ્લે પરીક્ષાઓ ન આપી. નકસલવાદી આંદોલનથી પ્રભાવિત થયા. નોકરીમાંથી કાઢી મુકાયા. શોષણ અને અસમાન વિકાસ વિશે પત્રિકાઓ અને પુસ્તિકાઓ તૈયાર કરી. ભૂગર્ભવાસ વેઠીને બસ્તરના આદિવાસીઓ સાથે રહ્યા. આ રોમાંચક ઇતિહાસ વાંચવા જેવો છે. ખાણમજદૂરની દીકરી આશા સાથે લગ્ન કર્યાં ત્યારે દેશમાં કટોકટી જાહેર થઈ અને મિસાકાયદા હેઠળ જેલમાં પુરાયા.
યુનિયન સ્થાપીને હડતાળ, સંઘર્ષ, લડત કરતા રહ્યા. માલિકોના દુશ્મન બન્યા. ક્રાંતિકારી વિચારોનો પ્રસાર કર્યો. દારૂબંધીનું અભિયાન સફળ બનવાથી વેપારીઓના દુશ્મન બન્યા. મૂડીવાદીઓ સામેની લડતનો અંજામ શો આવે એની એમને ખબર હતી. તેમ છતાં મજદૂર કૉલોનીમાં રહીને સંઘર્ષના માર્ગે આગળ વધતા રહ્યા. એમનાં કાવ્યો-લેખો-વિચારો ‘સંઘર્ષ ઔર નિર્માણ’માં ગ્રંથસ્થ થયેલાં છે.
ક્રાંતિકારી મજદૂર નેતાની હત્યાનો કેસ છ વર્ષ ચાલ્યો. બે ઉદ્યોગપતિઓને આજીવન કારાવાસ અને રૂપિયા દસ લાખનો દંડ થયો. હત્યાના આગલા દિવસે આપેલો અંતિમ સંદેશ ટેપરેકૉર્ડ કરેલો હતો તે કેસમાં ખૂબ કામ લાગ્યો. નિયોગીની હત્યા પછી એમના સાથીઓએ સત્યાગ્રહની માફક ‘ન્યાયગ્રહ’ શબ્દ ચલણી બનાવ્યો અને ન્યાયની લડતો ચલાવી. 49 વર્ષના આયુષ્ય દરમિયાન ત્રણ વર્ષનો જેલવાસ અને કામદાર આલમનો પ્રેમ એમની મિલકત બની રહ્યાં.
ડંકેશ ઓઝા
