ગુલાબોનો વિગ્રહ (War of Roses)

February, 2011

ગુલાબોનો વિગ્રહ (War of Roses) : 1455થી 1485 દરમિયાન ઇંગ્લૅન્ડની ગાદી માટેના હરીફો યૉર્ક અને લૅન્કેસ્ટર અમીર કુટુંબો વચ્ચે ચાલેલી યુદ્ધોની હારમાળા. ગાદી માટે દાવો કરનાર યૉર્ક અમીર કુટુંબનું પ્રતીક (badge) સફેદ ગુલાબનું અને લૅન્કેસ્ટર અમીર કુટુંબનું પ્રતીક લાલ ગુલાબનું હતું. આ બંને પ્રતીક ઉપરથી તેમની વચ્ચે થયેલાં યુદ્ધોને ‘ગુલાબોનો વિગ્રહ’ એવું સૂચક નામ અપાયું.

ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સનો લૅન્કેસ્ટર વંશનો રાજા હેન્રી (1422–61 તથા 1470–71) નિર્બળ હતો અને અવારનવાર ગાંડો થઈ જતો હતો. એડવર્ડ ત્રીજાના વંશજ હોવાનો દાવો કરનાર યૉર્કના ડ્યૂક રિચાર્ડે હેન્રી છઠ્ઠાને (1455) હરાવ્યો અને તે તેનો રક્ષક (regent) બન્યો. હેન્રી છઠ્ઠાની ફ્રેન્ચ રાણી માર્ગારેટ ઑવ્ અંજુએ બૌફૉર્ટ કુટુંબ અને તેના સાગરીતોની મદદથી યૉર્કના અમીર રિચાર્ડને હરાવી હેન્રી છઠ્ઠાનો અને ઇંગ્લૅન્ડનો કબજો લીધો.

1459–1460 દરમિયાન પરાજિત અમીર યૉર્કે વૉરવિકના અમીર રિચાર્ડ નેવિલના સહકારથી ઇંગ્લૅન્ડ ઉપર ચડાઈ કરી અને 1460ના જુલાઈની દસમી તારીખે હેન્રીના શાહી સૈન્યને હાર આપી. યૉર્કનો અમીર રાજપદનો ઇચ્છુક હતો, પણ તેને બદલે હેન્રી છઠ્ઠાના અનુગામી રાજવી તરીકેનું તેને પદ મળ્યું. આ નિર્ણયથી હેન્રી છઠ્ઠા અને રાણી માર્ગારેટના પુત્રનો ઇંગ્લૅન્ડની રાજગાદીનો કાયદેસરનો હક છિનવાઈ જતો હોવાથી રાણીના લશ્કરે વેકફીલ્ડ પાસે હુમલો કરીને યુદ્ધમાં યૉર્કના અમીરને મારી નાખ્યો. બીજા વરસે યૉર્કના પુત્રે પિતાનું વેર લેવા ટાઉટન પાસે નિર્ણાયક યુદ્ધ કરીને જીત મેળવી અને એડવર્ડ ચોથા તરીકે તેની તાજપોશી કરાઈ. હેન્રીની રાણી માર્ગારેટ અને તેનો પુત્ર સ્કૉટલૅન્ડ નાસી ગયાં.

1469માં વૉરવિકના અમીર રિચાર્ડ નેવિલે યૉર્કના અમીરનો (એડવર્ડ ચોથો) પક્ષ છોડી દઈ રાજા એડવર્ડના લશ્કરને હરાવ્યું અને હેન્રી છઠ્ઠાને ફરી ગાદીએ બેસાડ્યો (1470). એડવર્ડ ચોથો નેધરલૅન્ડ નાસી ગયો પણ 1471માં એ પાછો ફર્યો અને લૅન્કેસ્ટર પક્ષના લશ્કરને હરાવ્યું. હેન્રી છઠ્ઠાને ‘ટાવર ઑવ્ લંડન’માં કેદમાં રાખ્યો અને તેનું ખૂન કરાયું. એડવર્ડ ચોથાના પુત્રે એડવર્ડ પાંચમા તરીકે રાજ્યની ધુરા સંભાળી પણ કાકા રિચાર્ડ ત્રીજાએ તેનું રાજ્ય પડાવી લીધું.

1483માં ત્રીજો તબક્કો શરૂ થયો. લૅન્કેસ્ટર વંશ વતી રાજાશાહીનો દાવો કરનાર હેન્રી ટ્યૂડરે ફ્રેન્ચો અને યૉર્ક પક્ષના અસંતુષ્ટ અમીરોની સહાયથી ઇંગ્લૅન્ડ ઉપર ચડાઈ કરી અને રિચાર્ડ ત્રીજાને હરાવ્યો. આ નવો રાજા (એડવર્ડ ટ્યૂડર) હેન્રી સાતમા તરીકે ગાદીનશીન થયો અને ‘ગુલાબોના વિગ્રહ’નો 1485માં અંત આવ્યો.

શિવપ્રસાદ રાજગોર